Business

સુરતમાં મોબાઈલનું સિમ કાર્ડ બંધ કરાવી શાહુકારના ખાતામાંથી 16 લાખનું ટ્રાન્ઝેક્શન કરાયું

સુરત: (Surat) વેસુ ખાતે રહેતા અને રિંગ રોડ પર ઓફિસ (Office) ધરાવતા શાહુકારના સિમ કાર્ડને (Sim Card) ત્રાહિત વ્યક્તિએ બંધ કરાવી બાદમાં તેમના બેંક ખાતામાંથી 16 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન (Transaction) કરવામાં આવ્યું હતું. શાહુકારે આ અંગે પોલીસને જાણ કરતાં સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતે સાંઈ કુટિર સોસાયટીમાં રહેતા 55 વર્ષીય હરીશ મોટુમલ ફેરવાની રિંગ રોડ ખાતે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં શુભમ કોર્પોરેશનના નામે શાહુકારીનો ધંધો કરે છે. ગત તા.19 નવેમ્બર-2021ના રોજ તેમનું સિમ કાર્ડ બંધ થઈ જતાં આઈડિયા સ્ટોરમાં જઈ પૂછપરછ કરી હતી. દરમિયાન જાણવા મળ્યું હતું કે, અજાણ્યા નંબર પરથી ફોન કરવામાં આવ્યો હતો અને તેમનું આ કાર્ડ ખોવાઈ ગયાનું કહી કાર્ડ બંધ કરાવી દેવાયું હતું. જેથી તેમણે ફરીથી ડોક્યુમેન્ટ આપી કાર્ડ ચાલુ કરાવ્યું હતું.

બીજા દિવસે સાંજે પરત સિમ બંધ થઈ જતાં કસ્ટમર કેરમાં જઈને પૂછતાં તેમનો ફોન ખોવાઈ ગયાનું કહી સિમ કાર્ડ બંધ કરાવવા અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ત્યારબાદ સાંજે તેમના ફોન પર ડીસીબી બેંકના કસ્ટમર કેરમાંથી ફોન આવ્યો હતો. અને તેમના ખાતામાંથી શુભમ કોર્પોરેશનના નામે 16 લાખનું ટ્રાન્ઝેક્શન થયાનું જણાવ્યું હતું. પરંતુ આવું કોઈ ટ્રાન્ઝેક્શન તેમના દ્વારા કરાયું ન હોવાથી તેમને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી. જેથી સાયબર ક્રાઈમ પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.

Most Popular

To Top