‘કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ રીલીઝ થયા બાદ આજકાલ કાશ્મીર વિસ્થાપિત પંડિતોની દયામણી દશાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ ફિલ્મમાં કાશ્મીરના વિસ્થાપિત પંડિતોની વ્યથા વ્યક્ત કરવામાં આવી છે. પોતાના ઘરમાંથી બધાને હાંકી કાઢયા, ઘણાને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટેની ફરજ પાડવામાં આવી, ઘણી મા-બેનો પર બળાત્કાર કરવામાં આવ્યો. કેટલાકની નિર્દય હત્યા કરવામાં આવી. આ બધું સાચે જ આપણા હૃદયને કંપાવી મકે એવી કથા છે.અંદાજીત ત્રણ લાખ જેટલાં કાશ્મીરી પંડિતો ઘર-બાર, ધંધો છોડીને દેશનાં અન્ય રાજ્યોમાં અને વિદેશોમાં આશ્રય લેવો પડયો. મારુ અંગત રીતે માનવું છે કે આ વિષયને રાજકારણીઓએ રાજકીય ન બનાવવો જોઇએ. આ એક રાજકીય નહિ, પણ રાષ્ટ્રિય સમસ્યા છે. દેશના બધા જ પક્ષોએ ભેગા મળીને આ પંડિતોને ફરી કાશ્મીરમાં સ્થાપિત કેવી રીતે કરવા એ અંગે સઘન અને સબળ સન્નિષ્ઠ પ્રયાસ કરવા જોઇએ.
કોઇ પણ શરણાર્થી હોય- કાશ્મીરી પંડિતો હોય.અફઘાન શરણાર્થીઓ હોય કે પછી યુક્રેનના શરણાર્થીઓ હોય-દુ:ખ અને વેદના દરેકની સરખી જ છે. તેમની આ કરુણતા અને અન્યાય સત્વરે દૂર થવો જોઈએ.આમાં જરા રાજકારણ નહિ પણ માનવતાનો અભિગમ દરેકનો હોવો જોઈએ. ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્રિનહોત્રીએ આ ફિલ્મ માટે 15000 જેટલા ડોક્યુમેન્ટ ભેગા કર્યા હતા. આની રીસર્ચ માટે 5000 કલાક લાગ્યા હતા. 700 જેટલા વિસ્થાપિતોના (વિદેશમાં પણ)ઈન્ટરવ્યુ લીધા હતા. સાચે જ આ એક ભગીરથ કાર્ય તેમણે કર્યું છે. હા, આ ફિલ્મ ઇસ્લામ વિરુદ્ધ નથી, પણ ટેરરીઝમની વિરુદ્ધ છે. માટે દરેક ભારતીય નાગરિકે (હિન્દુ-મુસ્લિમ-ઇશાઈ-શીખ-પારસી વગેરે) આ ફિલ્મ જોવી જોઈએ. અંતે વિવેક અગ્નિહોત્રીને એક સૂચન કે આ ફિલ્મ દ્વારા જે નફો થાય તે કાશ્મીરી પંડિતોના કલ્યાણ માટે વાપરવો જોઈએ. આ તેમના તરફથી એક માનવીય અભિગમ દર્શાવવો જોઇએ!
સુરત – કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.