સુરત : (Surat) સરથાણામાં એક યુવકને (Young Man) સળગાવીને હત્યા (Murder) કરી દેવાની ચકચારીત ઘટનામાં પોલીસને (Police) મોબાઇલ (Mobile) મળી આવ્યો છે. આ મોબાઇલ રવિ નામના બુટલેગરની (Bootlegger) માલિકીનો છે, અગાઉ બે વાર મોબાઇલ વેચાઇ ગયા બાદ એક દિવસ પહેલા જ આ મોબાઇલ ચોરાયો હતો અને બીજા જ દિવસે યુવકની લાશ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. હાલ તો પોલીસે મોબાઇલના સમગ્ર ડેટા મેળવવાની તજવીજ સાથે તપાસ શરૂ કરી છે.
- આ મોબાઈલ પહેલા બુટલેગર રવિએ અન્ય યુવકને વેચી દીધો હતો, આ યુવકે અન્યને વેચ્યા બાદ એક દિવસ પહેલા જ ચોરાઈ ગયો હતો
- યુવકને પહેલા માથામાં બોથર્ડ પ્રદાર્થ મારીને બેભાન કરી દેવાયા બાદ લાશ સળગાવી દેવાઇ હોવાનું પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું
પ્રાપ્ત વિગતો મુજબ, વાલક ગામ રેવન્યુ સર્વે નંબર-બ્લોક નં-૪૨ વાલક મસ્જીદ ટ્રસ્ટની જગ્યા નવા બનતા રેલવે ટ્રેકની બાજુમાંથી ગુરુવારે સાંજે અજાણ્યાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. શ્રમજીવી દેખાતા અજાણ્યા યુવકની પહેલા હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ તેની ઓળખ છતી ન થાય તે માટે લાશને સળગાવી દેવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે ડેડબોડીને સ્મીમેર હોસ્પિટલમાં ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં યુવકને પહેલા માથામાં બોથર્ડ પ્રદાર્થ મારી દેવાયો હતો, આ યુવક બેભાન થઇ ગયો ત્યારબાદ તેને સળગાવી દેવામાં આવ્યો હતો.
પોલીસના કહેવા પ્રમાણે મૃતકના ખિસ્સામાંથી એક મોબાઇલ મળી આવ્યો છે, આ મોબાઇલ રવિ નામના યુવકનો છે અને હાલમાં તે દારૂના કેસમાં જેલવાસ ભોગવી રહ્યો છે. આ ઉપરાંત પોલીસના કહેવા પ્રમાણે રવિએ આ મોબાઇલ પહેલા દગડુને વેચ્યો હતો, દગડુએ આ મોબાઇલ ગજાનંદ નામના યુવકને વેચ્યો હતો. થોડા દિવસોથી ગજાનંદ જ મોબાઇલ વાપરી રહ્યો હતો, તેવામાં ગત તા. 23મી માર્ચના રોજ ગજાનંદ કાપોદ્રાની ફૂટપાથ પાસે સૂતો હતો ત્યારે મોબાઇલ ચોરી થઇ ગયો હતો અને તે જ મોબાઇલ મૃતકના ખિસ્સામાંથી મળ્યો છે. હાલ તો આ મોબાઇલની માલિકી તેમજ મોબાઇલના ડેટાને લઇને જ પોલીસ ચકરાવે ચડી ગઇ છે. પોલીસે ટેક્નિકલ સ્ટાફને પણ મદદગારીમાં લઇને મોબાઇલના તમામ ડેટા કઢાવ્યા છે, આ સાથે જ હત્યારાને પકડવાની પણ તજવીજ કરવામાં આવી છે.