સુરત: સુરતમાં (Surat) હજીરા (Hajira) વિસ્તારમાં મધ્યરાત્રિએ હજીરા પોલીસ મથકના કર્મચારીએ માછીમારોને (Fisherman) કોઇપણ કારણ વગર આડેધડ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યાર બાદ શહેર પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ (Complain) કરવામાં આવી છે. જે મુદ્દે હજીરા પોલીસે દલીલ કરતા માછીમારો પર ફરજમાં રૂકાવટ બદલનો ગુનો નોંધવામાં આવ્યો છે. આમ થયા બાદ હવે પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે. આ મામલે હજીરા પોલીસ પર ભોગ બનનારાઓને સમાધાન કરી લેવા માટે દબાણ કર્યુ હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પોલીસની કામગીરી પર સવાલ ઊઠતા સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે ગંભીર તપાસનો વિષય બની ગયો છે.
પોલીસે ગેરવર્તન કર્યાનો આક્ષેપ
આ ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિએ જણાવ્યુ હતુ કે તે માછીમારી કરી ઘરે જઇ રહ્યો હતો, તે દરમિયાન તેના પિતરાઈ ભાઈને માછલી આપવા ઊભો હતો. ત્યારે જ અચાનક પીસાઆરની ગાડી ત્યા ઊભી થઇ. ત્યાર પછી વાનમાંથી ઉતરેલા એક પોલીસે માથાકૂટ કરી એકાએક માર મારવાનુ શરૂ કરી દીધુ હતુ. જાણે કોઇ રીઢા ગુનેગાર હોય તેમ ગેરવર્તણુક કરી મારવામાં આવ્યો હતો. હાલ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. તેમજ પોલીસ મથકના અન્ય અધિકારીઓને પણ આની રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે પોલીસ જવાન સામે કાર્યવાહી થાય તેવી માગ છે.
મોપેડની ચાવી કાઢી, મોબાઇલ ફેંકી દેવાયો
મળતી માહિતી મુજબ મારનો ભોગ બનેલા માછીમાર જીતેન્દ્ર વીનુ પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોપેડની ચાવી કાઢી લેતા પીસીઆર વાનના જવાનને કારણ પૂછવામાં આવતા પોલીસ જવાને માથાકૂટ શરૂ કરી મોબાઈલ પણ ફેંકી દીધો હતો. આ મામલે પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી. પરંતુ માત્ર અરજી જ લેવામાં આવી હતી. જવાબ ન મળતા પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી કાર્યવાહીની માગ કરવામાં આવી છે. જીતેન્દ્રના જણાવ્યા પ્રમાણે ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરા પણ આ ઘટના કેદ થઈ હતી. પોલીસ કમિશનર કચેરીએ કરવામાં આવેલ ફરિયાદની સાથે સીસીટીવી કેમેરાના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે.