Entertainment

આશાજીએ આપેલી ભેટ આનંદ બક્ષીએ જીવનભર સાચવી રાખી

ગીતકાર આનંદ બક્ષીને પણ યાદ કરવાનો સમય છે. 30 માર્ચ 2002માં તેમણે વિદાય લીધેલી. લોકો તેમને તુકબંધી માટે યાદ કરે ત્યારે નબળા ગીતકાર સમજે છે પણ ‘મેં તો એક ખ્વાબ હું ઇસ ખ્વાબ સે તુ પ્યાર ન કર’, ‘પરદેશીયોં સે ના અંખિયા મિલાના’, ‘એક થા બુલ ઔર એક થી બુલબુલ’, ‘જમાને મેં અજી ઐસે કઇ નાદાન હોતે હે, વહાં લે જાતે હે કશ્તી જહાં તુફાન હોતે હૈ, ‘યે જો મહોબ્બત હે, યે ઉનકા હે કામ’, ‘ખીજાં કે ફૂલ પે આતી કભી બહાર નહીં, મેરે નસીબ મેં એ દોસ્ત તેરા પ્યાર નહીં’, ‘આદમી મુસાફરી હૈ’,‘બિંદીયા ચમકેગી’, ‘સાવનકા મહિના પવન કરે શોર’ અને ‘કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હે કહેના’, ‘ચિંગારી કોઇ ભડકે’, ‘મેરે મહેબૂબ કયામત હોતી’, ‘જિંદગી કે સફર મેં ગુજર જાતે હે જો મકામ વો ફીર નહીં આતે’. સાચું એ છે કે તેઓ ‘અનહોની કો હોની કર દે હોની કો અનહોની’ના ગીતકાર હતા. ફિલ્મ જગતમાં નબળા ગીતકાર ચાલી ન શકે. આનંદ બક્ષીને કોઇ પણ સિચ્યુએશન આપો તેઓ રસપ્રદ ને લોકપ્રિય થાય એવું ગીત લખી આપે. સચિનદેવ બર્મન, રાહુલ દેવ બર્મન, લક્ષમીકાંત પ્યારેલાલથી માંડી અનેક સંગીતકારોના તેઓ ફેવરીટ હતા. તેઓ ‘અચ્છા તો હમ ચલતે હે’ લખે અને તે પણ લોકપ્રિય થાય અને ‘તુઝે દેખા તો યે જાના સનમ’ લખે તો લોકપ્રિયતતા દોડીને આવે. તેમનો જન્મ રાવલપિંડીમાં જે હવે પાકિસ્તાનમાં છે. 21 જુલાઇ 1920માં ત્યાં જન્મ્યા ત્યારે તે અવિભાજીત ભારતમાં હતું. બેન્ક મેનેજરના દિકરા હતા અને નેવીમાં એટલે નોકરી કરેલી કે થોડાક પૈસા થાય તો મુંબઇઅવાય પણ આવવાનું થયું ત્યારે મુંબઇના બદલે દિલ્હી જવું પડેલું. ત્યાન ટેલિફોન ઓપરેટર અને મોટર મિકેનીકનું કામ પણ કર્યું.

મુંબઇ આવ્યા ત્યારે માસ્ટર ભગવાને ‘ભલા આદમી’ (1958)માં કામ આપ્યું. એ ફિલ્મ પછી ‘હમ ભી કુલ કમ નહીં’, ‘પહલા પહેલા પ્યાર’ વગેરે ફિલ્મો મળી. ફિલ્મોમાં ગીતો લખ્યા કર્યા પણ 1963માં ‘ફૂલ બને અંગારે’ ફિલ્મ આવી જેમાં તેમણે ‘ચાંદ આંહે ભરેગા’, ‘વતન પે જો ફીદા હોગા અમર વો નૌજવાં હોગા જેવા ગીતો લખ્યા. ત્યારપછી ‘મિસ્ટર એકસ ઇન બોમ્બે’માં ‘ખૂબ સૂરત હસીના જાને જાં જાને મન’, ‘મેરે મહેબૂબ કયામત હોગી’ ગીતો લખ્યા. ત્યારના સંગીતકારોની નજરથી હવે તે ચુકે તેમ નહોતા અને ‘હિમાલય કી ગોદ મેં’,‘જબ જબ ફૂલ ખીલે’, ‘જીને કી રાહ’, ‘દો રાસ્તે’, ‘મેરે હમસફર’, ‘આપ આયે બહાર આઇ’, ‘હાથી મેરે સાથી’, ‘સીતા ઔર ગીતા’, ‘બોબી’, ‘ચૂપકે ચૂપકે’, ‘નમક હરામ’, ‘જૂલી’, ‘કર્ઝ’ જેવી ફિલ્મો આવતી ગઇ. એ વખતેએક મજરુહ ને બીજા આનંદ બક્ષી જ ટોપ પર હતા.

તેઓ રાજ ખોસલા, શકિત સામંત, ઋષિકેશ મુખરજીથી માંડી યશ ચોપરાના ફેવરીટ બની ગયા હતા. ‘માર દિયાજાય કે છોડ દિયાજાય’ પણ તેમનું લખેલું છે અને ‘મેં શાયર બદનામ’ પણ તેમનું જ છે. પણ ‘ડર’, ‘લમ્હે’, ‘દિલ તો પાગલ હૈ’, ‘દિલ વાલે દુલ્હનીયાં લે જાયેંગે’ જેવી યશ ચોપરાની ફિલ્મોના ગત બક્ષી સાહેબના છે. રાજકપૂરે ‘બોબી’ માટે આનંદ બક્ષીને જ પસંદ કરેલા. રમેશ સીપ્પીની ‘શોલે’ના ગીતો કે સુભાષ ઘઇની ‘પરદેશ’, ‘તાલ’ના ગીતો, મનમોહન દેસાઇની ‘અમર અકબર એન્થની’નાં ગીતો આનંદ બક્ષીનાં છે. અને હા, તેમણે ‘મોમ કી ગુડીયા’માં લતાજી સાથે ‘બાગો મેં બહાર આઇ’ ગીત પણ ગાયું છે. તેઓ હેન્ડસમ હતા એટલે અભિનય પણ કરી શકયા હોત પણ ન કર્યો.

ખેર! 2002ના માર્ચમાં તેઓ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે પણ સતીશ કૌશિકની ‘મજનુ’ માટે ગીત લખેલું જે અનુ મલિકે કમ્પોઝ કરેલું. પણ તેમના જીવન ગીતનો આખરી અંતરો આવી ચુકયો હતો અને 30 માર્ચે વિદાય લીધી. જાવેદ અખ્તરને બક્ષી સાહેબનું ‘ઝિંદગી કે સફર મેં ગુજર જાતે હે જો મકામ’ ખૂબ ગમતું ગીત છે. એકવાર તેઓ બક્ષી સાહેબને મળવા ગયેલા ત્યારે કહેલું કે તમે જે પેનથી ગીતો લખો છો તે મને આપો. બક્ષીસાહેબ હસ્યા અને કહ્યું, ‘એ તો ન આપી શકું કારણ કે આશા ભોંસલેએ મને તે ભેટ તરીકે આપી છે.’ જો કે બીજી પેન જરૂર આપેલી. બક્ષી સાહેબે જે પેનોથી ગીત લખ્યા તેમાંની કેટલીક હજુ સચવાયેલી છે પણ ગીત કાંઇ પેન નથી લખતી ને લખનાર હવે નથી તો કોણ લખે? ‘કુછ લોગ એક રોજ જો બિછડ જાતે હે વો હજારોં કે આને સે મિલતે નહીં, ઉમ્રભર ચાહે પુકારા કરે ઉનકા નામ, વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે!

Most Popular

To Top