SURAT

ગર્ભવતી મહિલાની હત્યા બાદ યુવક માસૂમ બાળકીને રેલવે સ્ટેશન પર મુકી ભાગી ગયો

સુરત: (Surat) ઉધના રેલવે (Railway) યાર્ડમાં ગર્ભવતી મહિલાની લાશ મળી આવવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પોલીસને સુરત રેલવે સ્ટેશન પાસેથી એક બે વર્ષની બાળકી મળી આવી છે. આ બાળકી મૃત મહિલાની હોવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. ઉપરાંત બાળકીનો (Girl) પિતા તેને સુરત સ્ટેશન ઉપર જ મૂકીને ભાગી ગયો હોવાની પણ શક્યતા છે. પોલીસના કહેવા પ્રમાણે આરોપીએ પહેલા પત્નીની હત્યા કરી, બાદ સુરત રેલવે સ્ટેશન આવ્યો અને બાદમાં તે બાળકીને મૂકી વતન ભાગી ગયો હોવાની શંકા છે. આ બાબતે પોલીસે વિવિધ સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

  • બે વર્ષની બાળકી સ્ટેશન પરથી મળી : હત્યાનો ભોગ બનેલી મહિલાની હોવાની શક્યતા
  • પત્ની હત્યા કરી પતિ બાળકી સુરત સ્ટેશન ઉપર જ મૂકીને ભાગી ગયો હોવાનું અનુમાન
  • મહિધરપુરા પોલીસ બાળકીનો કબજો લઈ કતારગામ બાળાશ્રમમાં મૂકી આવી

પ્રાપ્ત વિગતો મુજબ ઉધના રેલવેની આરપીએફને ઉધના રેલવે યાર્ડની સેન્ટિંગ લાઇન નં.7-8 વચ્ચે એક ગર્ભવતી મહિલાની લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે અજાણ્યાની સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ હત્યાની સાથે જ સુરત રેલવે પોલીસની ટીમ પણ તપાસમાં જોતરાઇ છે. દરમિયાન મહિધરપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને સ્ટેશનની મોહન મીઠાઇ દુકાન પાસેથી એક બાળકી રખડતી હાલતમાં મળી આવી હતી. આ બાળકીનો કબજો મહિધરપુરા પોલીસે લઇ તેને કતારગામ પોલીસની મદદથી બાળગૃહમાં મોકલી આપી હતી.

બીજી તરફ પોલીસે સુરત રેલવે સ્ટેશનનાં સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક યુવક બાળકીને લઇ જતો નજરે પડે છે. આ યુવકે પહેલાં બાળકીને આઇસક્રીમ ખવડાવ્યા બાદ તરછોડી દીધી હતી. આ યુવક કોઇ ટ્રેન મારફતે પોતાના વતન જતો રહ્યો હોવાની પણ શંકા છે. પોલીસે સીસીટીવી તપાસતા ઉધના રેલવે યાર્ડમાં સગર્ભા મહિલાની હત્યા કર્યા બાદ હત્યારો અઢી વર્ષની બાળકી સાથે ઉધના રેલવે સ્ટેશનની બહાર નીકળી રિક્ષા પકડી સુરત રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો. સુરત રેલવે સ્ટેશન પર બાળકી સાથે બેસે છે. થોડો સમય વિતાવ્યા બાદ તાપ્તિગંગા ટ્રેન આવે તે પહેલા હત્યારો બાળકીને છોડીને નાસી છૂટે છે અને ટ્રેનમાં બેસી ફરાર થઈ જાય છે. આ અંગે રેલવે પોલીસના જણાવ્યા પ્રમાણે આ યુવક મૃત મહિલાનો પતિ હોવાની શક્યતા છે. આ યુવક પહેલાં પત્નીની હત્યા કરી બાદ બાળકીને સુરત રેલવે સ્ટેશને મૂકી જતો રહ્યો હોવાનું જણાય છે. હાલ તો પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવવાની સાથે જ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top