નવી દિલ્હી: એમએસ ધોનીએ આઈપીએલની 15મી સીઝન શરૂ થવાના બે દિવસ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. ધોનીના આ નિર્ણયથી ફેન્સ ખૂબ જ નિરાશ છે. એમએસ ધોની 2008થી CSKનો કેપ્ટન છે. ધોનીના નેતૃત્વ હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સ IPL ઈતિહાસમાં સૌથી વધુ પ્લેઓફ માટે ક્વોલિફાય કરનારી ટીમ છે. એમએસ ધોનીએ પોતાની કપ્તાનીમાં ફ્રેન્ચાઈઝીને ચાર વખત આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું છે. IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ પછી ચેન્નાઈ સુપર કિંગ્સ બીજી સૌથી વધુ ટીમ છે.
આ વખતે ચેન્નાઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જ્યારે ધોનીને આ સિઝન માટે માત્ર 12 કરોડમાં જ રિટેન કરવામાં આવ્યો હતો. આના પરથી શરૂઆતથી જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.
જાડેજા ચેન્નાઈ ટીમનો ત્રીજો કેપ્ટન હશે જાડેજા 2012થી ચેન્નાઈની ટીમ સાથે છે. તે CSK ટીમનો ત્રીજો કેપ્ટન હશે. મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝન એટલે કે 2008થી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. 213 મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોનીએ 130 મેચમાં ટીમને જીત અપાવી છે. આ વચ્ચે સુરેશ રૈનાએ 6 મેચમાં કેપ્ટનશિપ પણ કરી છે જેમાંથી ટીમ માત્ર 2 મેચ જીતી શકી છે.
CSKએ ગુરુવારે એક નિવેદનમાં કહ્યું, “મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કમાન ટીમના અનુભવી અને સૌથી વૃદ્ધ ખેલાડી રવિન્દ્ર જાડેજાને સોંપવાનો નિર્ણય કર્યો છે. જાડેજા, જે 2012 થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન ભાગ છે, તે CSKનું નેતૃત્વ કરનાર માત્ર ત્રીજો ખેલાડી હશે. ધોની આ સિઝનમાં અને તે પછી પણ ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે.
IPL 2022 મેગા ઓક્શન પહેલા, ચેન્નાઈ સુપર કિંગ્સે તેના ચાર સ્ટાર ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, ઋતુરાજ ગાયકવાડ અને મોઈન અલી. પરંતુ ફ્રેન્ચાઈઝીએ જાડેજાને ધોની કરતા વધુ પૈસા આપીને ટીમમાં રાખ્યો, ત્યાર બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે જાડેજા ટીમનો આગામી કેપ્ટન બની શકે છે.