SURAT

ડોક્ટર બનવા માટે હવે યુક્રેન ભણવા જવું નહીં પડે, સુરતમાં જ ગોઠવાઈ આવી વ્યવસ્થા

સુરત: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ભારત માટે સૌથી મોટી સમસ્યા યુક્રેનમાં ભણતા મેડિકલના વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવાની હતી. ઓપરેશન ગંગા હેઠળ કેન્દ્ર સરકાર ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લાવી હતી. આ યુદ્ધમાં કર્ણાટકના એક ભારતીય વિદ્યાર્થી નવીનનું મોત નિપજ્યું હતું, ત્યારે એવી ચર્ચા ઉઠી કે કેમ આટલી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ અર્થે જવું પડે છે? ત્યારે સરકાર દ્વારા ભારતમાં જ વધુમાં વધુ મેડિકલ કોલેજ ખુલે તે માટે જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે સુરતના પણ સંખ્યાબંધ મેડીકલ સ્ટુડન્ટ્સ યુક્રેનમાં ફસાયા હતા, હવે ભવિષ્યમાં આવા વિદ્યાર્થીઓને વિદેશ જવું નહી પડે તે માટે સુરતમાં વધુ એક મેડિકલ કોલેજ ખુલવાની તૈયારીઓ થઈ ચૂકી છે.

  • ઓલપાડ તાલુકાના વડોદ ગામ ખાતે 65 હજાર વાર જગ્યામાં આ મેડિકલ કોલેજ ઊભી કરાશે
  • સંભવત: આગામી શૈક્ષણિક વર્ષથી 150 સીટની આ મેડિકલ કોલેજ કાર્યરત થઈ જશે
  • આઉટર રિંગ રોડથી બે જ કિ.મી. દૂર આ કોલેજ અત્યાધુનિક અને મોર્ડન ટેકનોલોજીથી સજ્જ હશે

દ.ગુ.ની સૌથી મોટી મનાતી મલ્ટિસ્પેશ્યાલિસ્ટ કિરણ હોસ્પિ. હવે નવું સાહસ કરવા જઇ રહી છે. જેમાં સુરતને વધુ એક મેડિકલ કોલેજ (Medical College) મળશે. કિરણ હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રમાં વધુ એક ડગલું માંડીને ઓલપાડ તાલુકાના વડોદ ગામ ખાતે 150 સીટ સાથેની મેડિકલ કોલેજ શરૂ કરશે. આગામી તા.27મી માર્ચના રોજ યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ મેડિકલ કોલેજ માટે ભૂમિપૂજન કરવામાં આવશે. કિરણ હોસ્પિ.ની આ મેડિકલ કોલેજ ઓલપાડ તાલુકાના વડોદ ગામ ખાતે 65000 વાર જગ્યામાં બનાવવામાં આવશે. કોલેજ કેમ્પસમાં એમબીબીએસ, પીજી સહિત અન્ય કોર્ષ ભણાવવામાં આવશે. સંભવત: છ માસમાં તમામ મંજૂરી લઈ લેવામાં આવશે અને આગામી શૈક્ષણિક વર્ષથી તેને શરૂ કરી દેવામાં આવશે.

આ અંગે કિરણ હોસ્પિટલના (Kiran Hospital) ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણીએ જણાવ્યું હતું કે, દેશની આરોગ્ય વ્યવસ્થાને મજબુત કરવા માટે ડોક્ટરોની ખાસ જરૂરીયાત હોય છે. આપણા દેશમાં મેડિકલ અભ્યાસ માટે સીટો ઓછી હોવાના કારણે હજારો વિદ્યાર્થીઓને ડોક્ટર બનવા માટે અન્ય દેશોમાં જવું પડે છે. વિદેશમાં ભારતના નાગરિકોએ સારવાર માટે લાખો રૂપિયા ખર્ચીને જવું પડતું હોય આપણે ત્યાં જ આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે દિશામાં કિરણ હોસ્પિટલે પ્રયાસ કર્યો છે. સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ હોસ્પિટલ દ્વારા તૈયાર થનારી આ મેડિકલ કોલેજ જ્યાં બનનારી છે તે વડોદ ગામ આઉટર રિંગરોડથી 2 કિ.મીના અંતરે છે. આ મેડિકલ કોલેજ અત્યાધુનિક સુવિધા તેમજ મોર્ડન ટેક્નોલોજીથી સુસજ્જ હશે. ભૂમિપૂજનનો કાર્યક્રમ 27મી માર્ચના રોજ સવારે 9 કલાકે વરિયાવ ખાતે ડી.ડી.સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે કરવામાં આવશે.

ભુમિપુજનમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે ઉદઘાટક તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય રાજ્ય કાપડ અને રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ, માર્ગ અને મકાન વિભાગ મંત્રી પુર્ણેશ મોદી, બારડોલી સાંસદ પ્રભુભાઇ વસાવા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી, શહેરી વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી વિનુ મોરડીયા, મેયર હેમાલી બોઘાવાલા, કૃષિ અને ઉર્જા વિભાગના મંત્રી મુકેશપટેલ અને વીએનએસજીયુના કુલપતિ કે.એન.ચાવડા તથા અન્ય અગ્રણીઓ અને શહેરના મહાનુભાવો હાજર રહેશે.

કિરણ હોસ્પિટલે 5 વર્ષમાં 200થી વધુ નિષ્ણાંત તબીબોની ટીમ થકી 16 લાખ દર્દીની સારવાર કરી
સમસ્ય પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ, સુરત સંચાલિત દક્ષિણ ગુજરાતની નામાંકિત કિરણ હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે આધુનિક ટેક્નોલોજી સાથે ઉત્તમ સારવાર માટે સતત પ્રયાસ કરી રહી છે. પાંચ વર્ષમાં 200થી વધુ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા 16 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી છે.

Most Popular

To Top