એમેઝોનના સ્થાપક માલિક જયોફ બેઝોસ જેવા જગતના અનેક મહાનુભવોએ જીવનના શિક્ષણનો પ્રારંભ મોન્ટેસરી એજ્યુકેશનથી કર્યો હતો. આપણી મોટા ભાગની માતાઓને કિંડરગાર્ટન, અન્ય નર્સરી સ્કૂલો વગેરેનાં મૂળ વિચારો, અલિખિત બંધારણો કે તફાવતોનો ખ્યાલ નથી. દરેક ગામમાં આંગણવાડીઓ છે પણ છોકરાં સાચવવાનાં ઓરડાઓ જેવી છે. બાળમાનસ અથવા બાળકોનાં મનોવિજ્ઞાનને અનુરૂપ શિક્ષણ અપાતું હોય તેવી વ્યવસ્થા મોટા શહેરની અમુક ખાસ શાળાઓમાં છે. ગામડાંમાં આવું જ હોય તેવું. બહાનું કાઢીને જવાબદાર લોકો જવાબદારી ખંખેરી નાખે છે. તે સામે જગતભરમાં પોતાની હયાતી દરમિયાન જ જેમની બાળ શિક્ષણ પદ્ધતિ ખૂબ જ આવકાર્ય, લોકપ્રિય અને ખૂબ વિસ્તારિત બની તે મૂળ ઇટાલીના વિદૂષિ મારિયા મોન્ટેસરીએ ભારતમાં વરસો સુધી રહી મોન્ટેસરી સિસ્ટમનો મજબૂત પાયો નાખ્યો હતો. શાંતિનિકેતન અને મુંબઇમાં બાલકનજી બારી જેવાં અન્ય સ્તુત્ય પ્રયાસો પણ થયા હતા પરંતુ આજે મોન્ટેસરી જગતમાં સૌથી લોકપ્રિય છે.
જયોફ બેઝોસે ગરીબ દેશોનાં ગરીબ બાળકોને મફતમાં મોન્ટેસરી ઢબનું શિક્ષણ મળી રહે તે માટે ‘ડે વન ફંડ’ નામક એક ખાસ ધર્માદા ફંડ પણ સ્થાપ્યું છે. મોન્ટેસરીની વિચારધારાના પ્રમુખ મુદ્દા જોઇએ તે જુદી જુદી ઉંમરનાં બાળકો એક કલાસમાં ભણે. મિશ્ર-આયુનાં જૂથો હોય. બાળકોને વ્યક્તિગત ગ્રેડ આપવામાં ન આવે. મારિયા મોન્ટેસરી માનતાં કે જુદી જુદી વયનાં બાળકો એક જ વર્ગમાં ભણે તો એકમેકની મદદથી ઘણું શીખી શકે. સીનિયર બાળકો પાસેથી જુનિયરો શીખી શકે. આ સિસ્ટમ માટે સાનુકૂળ વાતાવરણ વર્ગમાં અને શાળામાં ઊભું કરાય છે. બાળકો માટેનાં ટેબલ, મેજ, ખુરશી, પાટલીઓ બાળકોનાં કદને અનુરૂપ રખાય છે જેથી તેઓને મનપસંદ હોય એ રીતે તેઓ બેઠકોની વ્યવસ્થા કરે. જેને જયાં અને જેની નજીક બેસવું હોય તેને તે કરવાની છૂટ હોય છે. શિક્ષકની અલગ જગ્યા કે મેજ હોતા નથી. માત્ર એક ખુરશી હોય છે. જે બાળકોને જે વિષયોમાં રસ હોય તેમને પોતાની રીતે ગ્રુપ રચવા દેવાય છે. શાળાનાં કબાટોમાંથી જેને જે ચીજ ભણવા કે સમજવા માટે જરૂરી હોય તે ઊંચકી શકે છે અને આટલો સમય આ વિષય ભણવો તેવું જરૂરી નથી. બાળકને કોઇ એક વિષયમાં રસ પડતો હોય તો તેમાં ફાવે એટલો સમય ગાળી શકે. મોન્ટેસરીના ખાસ હેતુઓ માટે મટીરિયલ્સ અને ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવે છે.
બાળકોને એક જગ્યાએ કલાકો બેસાડી રખાતાં નથી. સહેતુક રૂમમાં અવરજવર કરવાની છૂટ હોય છે. જેમાં તેનાં જ્ઞાન અને શિક્ષણમાં વધારો થતો હોય. બાળકોને આત્મનિર્ભર, જ્ઞાનની બાબતમાં પણ બનાવવાનો ઉદ્દેશ્ય છે. જાતે શીખે, રસ પડે તે શીખે, સમયનું અને બેસી રહેવાનું બંધન નહીં. આવાં બંધનોને કારણે જ બાળકોને શાળાએ જવું ગમતું નથી. અમેરિકામાં મોન્ટેસરી અને નર્સરીઓમાં બાળકોને ઊંઘી જવું હોય તો ઊંઘવા માટેનો રૂમ અને વ્યવસ્થા હોય છે. ઘણાં બાળકો ગરમ કપડાં અને શૂઝ પહેરીને બેઠાં હોય ત્યાં જ ઊંઘી જાય. અમુક નર્સરીઓમાં ખાસ ઊંઘાડવા માટેનો સમય ફાળવેલો હોય છે. આમ છતાં બાળક નર્સરીમાં જવા તૈયાર ન થાય તો વાલીઓ તરફથી શાળાને ઇન્કવાયરી થાય છે. મારિયા માનતા અને આજે બધાંએ માનવું પડે તેમ છે કે બાળક એ કોઇ પણ સમાજની સંસ્કૃતિ અને સભ્યતાનો પાયો છે. આથી મોન્ટેસરીમાં માનવીય લાગણીઓ અને સંબંધો પર ભાર અપાય છે. બાળકોનાં મનમાં પૂર્વાગ્રહો જાગે એવી કોઇ બાબતને પ્રોત્સાહન અપાતું નથી, દૂર રખાય છે. બાળકો પોતાની રીતે સમજુ, સભ્ય યુવાનો બને તે વાતને ખાસ મહત્ત્વ અપાય. આ સિવાય અન્ય મહત્ત્વની વિગતો છે જે દરેક શિક્ષકે વિગતવાર જાણવી આવશ્યક છે. તેઓએ તાલીમ અને શિક્ષણ વખતે આ પાસાંઓનો અભ્યાસ કર્યો હશે. તેથી વિગતમાં નથી જતાં. પણ આ લખવાપાછળની જિજ્ઞાસા એ છે કે મારિયા મોન્ટેસરીના જીવન વિષે એક વધુ બાયોગ્રાફી પ્રસિધ્ધ થઇ છે. મારિયા ભારતમાં રહ્યાં ઉપરાંત એમના વ્યકિતગત જીવનની થોડી નવી વિગતો તેમાં પ્રસિધ્ધ થઇ છે. તે દર્શાવે છે કે મારિયા એક જીનિયસ મહિલા હતાં અને સામાન્ય રીતે જીનિયસો સાથે જીવન વ્યતીત કરવાનું ઘણા લોકોને માટે મુશ્કેલ બની જાય છે. તેઓ દુનિયાના ઢાળમાં ઢળાયેલા હોતા નથી. કેટલાક તેઓને પાગલ ગણીને હસી કાઢે છે. આવા સેંકડો અને હજારો કિસ્સાઓ છે. ગણિતશાસ્ત્રી રામાનુજ લો કે વિજ્ઞાની નિકોલસ ટેસલા કે પછી બિહારના વશિષ્ટ નારાયણને લો. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે એવું પ્રતિપાદન કરવા બદલ ગેલેલિયોને આજીવન કેદ થઇ હતી. પરંતુ આવા લોકો જ ધૂની, પાગલ, દુનિયા
માં કશુંક નવું નક્કોર અને કાયમી મૂકીને જાય છે. એ અર્થમાં મારિયા મોન્ટેસરીનું વ્યકિતત્વ પણ અલગ હતું. વ્યકિતગત જીવનમાં કડક, આપખુદ પણ અંદરથી દયાનો છલકતો દરિયો. ક્રિસ્તિના ડેલ સ્ટીફાનો નામની લેખિકાએ આ બાયોગ્રાફી લખી છે. દરેકને પોતાના મનમુતાબિક સ્વતંત્ર અને સારું જીવન જીવવા મળે તે માટે આખી જિંદગી કામ કરતાં રહેલાં મારિયા આપખુદ હોઇ શકે અને પોતાની વહુ સાથે બિલકુલ ફાવતું ન હતું તે કોઇ માની ન શકે. મોન્ટેસરી શિક્ષણ પધ્ધતિના અર્થઘટનમાં મારિયાનું જ ચાલતું. પોતે જે વાતને માને તેને અડગ રીતે વળગી રહેતાં. ક્રિસ્તિનાએ જે બાયોગ્રાફી લખી છે તેનું શીર્ષક ‘ધ ચાઇલ્ડ ઇઝ ધ ટીચર’ રાખ્યું છે.મારિયા વિજ્ઞાન ભણ્યાં અને બાદમાં ફિઝિશ્યન ડોકટર બન્યાં. 1870માં જન્મેલાં મારિયામાં બાળપણથી જ અલગ ગુણો જોવા મળતા હતા. એમને ઠાઠથી રહેવું ગમતું. ઘરમાં એ લાડકાં પણ હતાં. એમની આ વૃત્તિ અને લાલનપાલનને કારણે એ પોતાને ઇટાલીના સર્વપ્રથમ મહિલા તબીબ તરીકે ગણાવતાં હતાં જે સાચું ન હતું. પરંતુ એ ખરું છે કે ઇટાલીમાં એ સમયમાં કોઇ મહિલા તબીબની ડિગ્રી મેળવે તે દુર્લભ ગણાતું.
એમણે કિશોરી વયમાં જ કુંવારાં રહેવાનું નક્કી કરી લીધું હતું. આમ છતાં 17 વરસની ઉંમરે 1897માં એમને કુંવારા ગર્ભ રહ્યો હતો. સમાજમાં આબરૂના ભયે મારિયાને એમની માતાએ રોમમાંથી કોઇ દૂરના ગામડામાં ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન મોકલી આપ્યાં હતાં. એ બાળકને ગુપ્તાવાસમાં રાખવામાં આવ્યું. દરમિયાન એક ડૉકટરના નાતે મારિયા રોમની એક બાળ મનોરોગીઓની હોસ્પિટલમાં કામ કરવા માંડયાં. ત્યાં કુંઠિત અને માનસિક રીતે બીમાર બાળકોને મા-બાપ ભગવાનના ભરોસે છોડીને જતાં રહેતાં. તે બાળકોની હાલત ખૂબ જ દયનીય હતી. આવાં અસમર્થ બાળકોની અમુક પ્રકારની માનસિક સારવાર માટે એક ફ્રેન્ચ તબીબે કેટલીક પધ્ધતિઓ ઇજાજ કરી હતી. મારિયાએ તે અમલમાં મૂકી. તેના વડે બાળકોમાં ખાસ્સો સુધારો જણાયો. ત્યારથી મારિયા મોન્ટેસરીને ખાતરી થઇ કે બાળકો માટેની સમગ્ર શિક્ષણપધ્ધતિ જ ભૂલભરેલી છે. જેમાં બાળકને રસ ન હોય એ વાત એને પરાણે શિખવાડવામાં આવે છે. મારિયાએ પોતે લખ્યું છે કે, ‘વિદ્યાર્થીઓ એટલે સુંદર પતંગિયાંઓ, જેને પીન મારીને સોફટ બોર્ડ પર જડી દેવામાં આવ્યાં છે.’ આ કટાક્ષ એમણે ત્યારની શિક્ષણપધ્ધતિ માટે વાપર્યો હતો.
ત્યાર બાદ 1907માં રોમના સાન લોરેન્ઝો નામના નબળા વિસ્તારમાં એક નર્સરી સ્કૂલોના ગ્રુપના ડિરેકટર તરીકે એમની નિમણૂક થઇ. પોતાની શૈક્ષણિક વિષયને લગતી થિયરીઓની કસોટી કરવાની એમને અહીં તક મળી. સાન લોરેન્ઝોનાં બાળકોમાં ચમત્કારિક સુધારાઓ થતાં જોવા મળ્યા. ત્યારનાં અખબારોએ તેની ખાસ નોંધ લીધી. જગતભરમાં આ નવી પધ્ધતિની ચર્ચા ચાલી. મારિયા એક ચુસ્ત કેથોલિક હતાં. એક વિજ્ઞાની પણ હતાં. એ પોતે વિગતવાર લેખો લખતાં. એમની ભાષા પણ સમય પ્રમાણે બદલાતી ગઇ અને તેમાં સાધુતા વધુ દાખલ થતી જોવા મળી. એ કહેતા કે, ‘કુદરતે બાળકોના આત્માને મારી સમક્ષ ખુલ્લો કર્યો છે. રહસ્યો સમજાવ્યાં છે.’
પરંતુ એમનાં તીક્ષ્ણ વ્યકિતત્વ અને અંકુશો હાથમાં રાખવાની વૃત્તિના કારણે સાન લોરેન્ઝો ગ્રુપથી અલગ થવું પડયું. ત્યાર બાદ એ મોન્ટેસરી સિસ્ટમના પ્રચાર માટે યુરોપ અને વિદેશોમાં ફર્યાં. 1909માં મારિયાનું પુસ્તક પ્રકાશિત થયું. ત્યાર બાદ એ જગતમાં એક સેલિબ્રિટી બની ગયાં. લોકોનાં ટોળાં એમના રોમ ખાતેના નિવાસસ્થાને એકઠાં થતાં. ઘણાં લોકો એમના અનુયાયીઓ અને ભકતો બની ગયાં હતાં, જે મારિયા કહે તો સર્વસ્વ ત્યાગીને સેવામાં લાગી જવા તૈયાર હતાં. મારિયાના મિશનને એક દૈવી, ડિવાઇન મિશન ગણાવવામાં આવ્યું હતું. પરંતુ એ બધામાં મારિયાને ભારત તરફથી અને ભારતને મારિયા તરફથી ખૂબ પ્રેમ અને સદભાવના મળ્યાં. ત્યાં સુધી કે આજે અમેરિકામાં બાળશિક્ષણના ક્ષેત્રે મોન્ટેસરી સૌથી મોટું ગ્રુપ છે. મારિયા મોન્ટેસરીના ભારતમાંના નિવાસ અને વૈશ્વિક વિસ્તાર વિષે વધુ રસપ્રદ વિગતો આ જ સ્થળે પ્રગટ કરીશું.