પારડી : કેરીના શોખીનોની પહેલી પસંદ એવી રત્નાગીરી હાફૂસ કેરી બજારમાં વેચાણ માટે આવી ગઈ છે. પારડી નેશનલ હાઇવે નંબર 48 પર ફળોના રાજા એવા રત્નાગીરી હાફૂસ કેરીનું વેચાણ માટે સ્ટોલના પ્રારંભ થઈ ચૂક્યો છે. આમ તો વલસાડ જિલ્લાની કેરીઓ દેશ-વિદેશમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને હાફૂસ કેરી વલસાડ જિલ્લામાં એપ્રિલ -મે માસમાં શરૂઆત થાય છે, જો કે માર્ચ માસમાં રત્નાગીરી હાફૂસ કેરીના સ્ટોલો હાઇવે પર લગાવી દેવાયા છે. વેપારીઓએ જણાવ્યું કે, વિવિધ કેરીઓમાં રત્નાગીરી, દેવગઢ, લાલબાગ, મહારાષ્ટ્ર કેસર વગેરે કેરીઓ બજારમાં આવી ગઈ છે. જેનો માર્કેટમાં ભાવ રત્નાગીરી હાફૂસના 1000 થી 1200 રૂપિયા ડઝન, લાલબાગના 200 રૂપિયા કિલો, કેસર 800 થી 900 રૂપિયા ડઝન માર્કેટમાં બોલાઈ રહ્યા છે.
કેમ કેરીને કહેવામાં આવે છે ફળોનો રાજા?
ભારત વિશ્વનો સૌથી વધારે કેરીનું ઉત્પાદન કરતો દેશ છે. વિશ્વના કેરીના કુલ ઉત્પાદનના પ૦ ટકા કરતાં વધુ ઉત્પાદન આપણા દેશમાં થાય છે. કેરીનું પોષણમૂલ્ય, સ્વાદ, આકર્ષક રંગ, દેખાવ અને વિવિધ ઉપયોગો તથા આ ફળની લોકભોગ્યતાની દષ્ટિએ વિશ્વમાં પેદા થતા વિવિધ ફળોમાં બિનહરીફ છે જેથી તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. પરંતુ કેરીની સીઝન ટૂંકી તથા ફળોની ટકાઉ શકિત ઓછી હોવાથી ફળોનો બજારભાવ ખેડૂતોને જોઈએ તે પ્રમાણમાં મળતા નથી. પ્રણાલીગત પધ્ધતિઓ દ્વારા કેરીના ફળોનો સંગ્રહ પણ વધારે સમય કરી શકાતો નથી.
આંબોળિયા શું છે?
વધારે પવન, વાવાઝોડુ, કમોસમી વરસાદ તેમજ વાતાવરણમાં થતા ફેરફારને લીધે કેરી પરિપકવ થતા પહેલાં ખરી પડે છે. આવી મધ્યમ મોટા કદની કેરીમાંથી આંબોળિયા બનાવી શકાય છે. સામાન્ય રીતે આંબોળિયાનો ઉપયોગ દાળશાક તેમજ બીજી અન્ય વાનગીઓમાં ખટાશનો સ્વાદ ઉમેરવા કરવામાં આવે છે જેથી વાનગી સ્વાદિષ્ટ બને. ખાટી, દેશી કેરીમાંથી સારી ગુણવત્તાવાળા આંબોળિયા બનાવી શકાય છે.
કેરીના ફાયદા
કેરીના ફાયદાની વાત કરીએ તો તેનાથી ઉચ્ચ ગુણવત્તાવાળી પેદાશ તૈયાર કરી શકાય છે જેના કારણે આર્થિક વળતર વધુ મળે છે. કેરી ઉતાર્યા પછી બગાડમાં નોંધપાત્ર રીતે ઘટાડી સંગ્રહશકિતમાં વધારો કરી શકાય છે. નવી પેદાશો સ્વાદીષ્ટ, પોષણક્ષમ અને આકર્ષક તૈયાર થાય છે. તૈયાર કરેલ પેદાશો પરદેશમાં નિકાસ કરી વિદેશી હુંડીયામણ કમાવી શકાય છે. ઉપજના ભાવો ખેડૂતોને વધુ મળવાથી તેમના જીવનમાં નોંધપાત્ર રીતે ફેરફાર થવાથી આર્થિક અને સામાજિક ધોરણો સુધારી શકાય છે. આ સાથે મૂલ્યવર્ધક ઉદ્યોગો ધ્વારા ગ્રામ્યક્ષેત્રે રોજગારીની તકો વધારી શકાય છે.