Business

જાદુ જુગાડનો…..

યેનકેન કોઈ પણ પ્રકારે કામ કરી લેવું  કે કરાવી લેવુંની વૃત્તિ-પ્રવૃત્તિ માટે આપણી પાસે એક બહુ સરળ  છતાં સચોટ શબ્દ છે. એ છે : જુગાડ! અન્ય ભાષાના  ખૂબીપૂર્વક બહુ વપરાતા અને લોકોની જીભે ચઢી ગયેલા શબ્દ કે શબ્દપ્રયોગને ‘ઓક્સફર્ડ ’ જેવી ખ્યાતનામ ડિક્સનરી  એના વાર્ષિક  નવા શબ્દકોશમાં સમાવી લે છે. ગોરાસાહેબોનું આપણે  ત્યાં રાજ હતું  એ જમાનાથી ભારતની અનેક પ્રાંતીય  ભાષાના ઢગલાબંધ શબ્દો ‘ઓક્સફર્ડ’ શબ્દકોશમાં એવા રૂવાબથી પ્રવેશી ગયા છે કે ઘણી વિદેશી ભાષામાં પણ એ છૂટથી વપરાતા થઈ ગયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે મૂળ ભારતીય  એવા ૯૦૦થી વધુ શબ્દો ‘ઓક્સફર્ડ’  ડિક્સનરીમાં આજે હાજરાહજૂર છે. ઉદાહરણ તરીકે : પાયજામા-ચંપી-વરંડા-ચૂડીદાર-ચટની-કર્મ-મમરા-યાર-યોગા, ઈત્યાદિ. આ બધામાં એક શબ્દ બધાનો બહુ માનીતો છે. એ છે: ‘જુગાડ’. આ ‘જુગાડ’ શબ્દ  જ  વાપરવો પડે એવું  એક અફલાતૂન કામ  હમણાં થયું છે. એ કામની વાત જાણીએ.

આપણાં મહાનગરોમાં અનેક મોબાઈલ ફોન ઓપરેટર  કંપનીઓ ડેટા પૂરા પાડવાની  સેવા આપે છે જેના દ્વારા આપણે ફોન કરી શકીએ- મેસેજ મોકલી શકીએ- ઈન્ટરનેટ પર પણ લટાર મારીને જોઈતી માહિતી મેળવી શકીએ વગેરે-વગેરે. જો કે, આનાં માટે સિગ્નલ્સ મળવા જરૂરી છે. દૂર દૂર વસેલાં ગામડાની વાત છોડો, ખુદ મહાનગરોમાં સિગ્નલ્સ –   ઈન્ટરનેટ સેવાના ધાંધિયા હોય છે. સિગ્નલ્સની શોધમાં ઘરનાં છાપરાથી લઈને  વૃક્ષની ડાળીઓ પર ચઢવા સુધીના બધા જ ખતરા-અખતરા લોકો કરે છે પણ ઈશ્વરની જેમ  સિગ્નલ્સ અદ્રશ્ય રહે છે. વિદર્ભના ખોબા જેવા પિપરી ગામની પણ આ જ હાલત. ત્યાં કેબલ TV હતું પણ સર્વિસમાં ઈલ્લે….… મોબાઈલ હતા પણ એનાં  સિગ્નલ્સ ‘આયા રામ… ગયા રામ’ જેવાં.

આ ગામમાં સંદીપ અવાગન નામનો એક યુવા ખેડૂત રહે. એક વાર ન જાણે એને શું સૂઝ્યું કે સ્ટેનલેસ સ્ટીલના કેટલાક ટુકડા કેબલ વાયર સાથે જોડયા પછી વાંસના લાંબા ટુકડા સાથે જોડી વાંસને  મોબાઈલ ટાવરની જેમ  ઘરની અગાશી પર ગોઠવી દીધો. એ પછી કેબલ વાયરને પોતાના મોબાઈલ ફોન સાથે જોડયો ને જાણે ચમત્કાર થયો હોય તેમ ફટાફટ તગડા સિગ્નલ્સ પ્રગટ્યા! આને લીધે સંદીપનો મોબાઈલ બરાબર કામ કરતો થઈ ગયો. એટલું જ નહીં એની દીકરીના પણ ઓનલાઈન લેશન માટે નેટવર્ક પણ ધમધમતું થઈ ગયું! સંદીપનો  અખતરો એવો સફળ થયો છે કે  પિપરીનાં મોટાભાગનાં ઘરની અગાશીઓ પર આજે આવાં  કામચલાઉ  ‘મોબાઈલ ટાવર’ ખડા થઈ ગયા છે અને ગામવાળા આજે એ ‘નેટવર્ક’ થી મોબાઈલ વાપરવા ઉપરાંત યુટ્યુબ -ફિલ્મો માણે છે. અને હા, એ બધા ‘વૉટસ એપ‘ તો આડેધડ વાપરે છે…. આને કહેવાય શુદ્ધ ભારતીય ‘જુગાડ‘…!

ઝીલમીલ સિતારોં કા આંગન હોગા….
એક જમાનામાં ગુનો આચરવા માટે એક સ્થળેથી બીજે સ્થળે  જાતે જવું પડતું. ત્યાં સશસ્ત્ર ધાડ પાડવી પડતી. હવે  ડિજિટલના આગમન સાથે અપરાધનો સિનારિયો પલટાયો છે. કોઈ પણ કુશળ ગુનેગાર હજારો કિલોમીટરના અંતરે આવેલી કોઈ AC રૂમમાં બેસીને ચીલ્ડ બિયરની ચૂસકી મારતાં મારતાં પોતાના  કમ્પ્યુટરથી કોઈના પણ અંગત  ઍકાઉટન્ટથી લઈને બૅન્ક સુધ્ધાંની તિજોરી ધોળે દિવસે  તળિયાઝાટક કરી શકે છે. આવા સાઈબર ક્રાઈમ અનેક રીતે થઈ શકે. ‘ક્રાઈમ માસ્ટર ગોગો’ જેવાં અનેક ભેજાંબાજ હેકર્સનાં ક્રાઈમ કરતૂત તપાસીએ તો એક અહેવાલ મુજબ છેલ્લાં ૪ વર્ષમાં  આવા ગુનામાં ૩૦૬ % વધારો નોંધાયો  છે!

આમાં જે રાજ્ય-પ્રાંતના મુખ્ય મંત્રી આજે યોગી આદિત્યનાથ છે એ સાઈબર ગુનાખોરીમાંય અવ્વલ છે. ત્યાં સૌથી વધુ  11000થી પણ વધુ ક્રાઈમ થયા છે.  આવા અપરાધના ચાર્ટમાં બીજે નંબરે છે કર્ણાટક ( 10,741 કેસ) તો ત્રીજા સ્થાને છે 5,496 કેસ સાથે માઝા મહારાષ્ટ્ર… દેશની ‘આર્થિક રાજધાની’ તરીકે જેની નામના છે એ આમચી મુંબઈ સાઈબર ક્રાઈમમાં એક અલગ  ‘દરજ્જો’ ધરાવે છે. 2020ની તુલનામાં 2021માં ૪૪૦થી વધુ સાઈબર ક્રાઈમ મુંબઈમાં નોંધાયા છે. પોલીસ કહે છે કે કોરોના તથા લોકડાઉનને લીધે અનેકની આર્થિક અવસ્થા કથળી હતી. ઘણાએ અણધારી જોબ ગુમાવી હતી  પરિણામે એમાંનો એક વર્ગ નછૂટકે ગુનાખોરી તરફ ફંટાયો હતો.

આ બધા વચ્ચે આભાસી કરન્સી ક્રિપ્ટોના આગમન સાથે આવા સાઈબર અપરાધને એક નવો જ આયામ મળ્યો. ભારતની સ્વદેશી 15 જેટલી ક્રિપ્ટોકરન્સી સહિત વિશ્વભરમાં આજે 1100થી પણ વધુ ડિ઼જિટલ ક્રિપ્ટોકરન્સી ચલણમાં છે. ભારત ઉપરાંત અનેક દેશમાં આ આભાસી ચલણને સત્તાવાર માન્યતા નથી મળી. આમ છતાં 200થી વધુ દેશમાં એક યા બીજી રીતે  ક્રિપ્ટોનું  ચલણ છે.   પરિણામે ક્રિપ્ટો આધારિત આડેધડ અપરાધ વધી રહ્યા છે, જેમ કે, તમારા ખાનગી ખાતામાંથી ક્રિપ્ટોકરન્સી તફડાવવાથી માંડીને તમારા અગત્યના દસ્તાવેજોને વાઈરસગ્રસ્ત બનાવી એની ‘મુક્તિ’  માટે તગડી રક્મની ખંડણી અને તમારા 1 ગણા રોકાણના 80 ગણાની લાલચ આપી પડાવી લેવામાં આવતી જંગી રકમ વગેરે ગુનાઓનો ગુણાકાર આ કોવિડ કાળમાં આશરે 27 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે…! (1 ડોલર= 76 રૂપિયા) જો કે, ક્રિપ્ટોના અપરાધ પાછળ એના ગુનેગારોની કુશળતા કરતાં સામાન્ય નાગરિકોનું આવા ડિજિટલ ક્રાઈમ વિશેનું  અજ્ઞાન વધુ ભાગ બજવે છે. એમાંય એકના અનેક બનાવવાની લાલસા કે લોભ ગુનાના ગુણાકાર કરે છે. આખરે ક્રાઈમ એટલે ક્રાઈમ એટલે  ક્રાઈમ ….

આપણા  બેંગ્લુરુનો આવા ક્રાઈમનો એક  કિસ્સો જાણવા જેવો છે. એક ભણેલી-ગણેલી શ્રીમંત મહિલાને  એક વાર ફોન આવ્યો.સામે છેડેથી ચીપી ચીપીને શુદ્ધ ઈંગ્લિશ  બોલતી લેડી કહે:  ‘ હું ક્રિપ્ટોકરન્સીની ઍક્સપર્ટ છું. અમારી કંપની ક્રિપ્ટોમાં ઈનવેસ્ટ કરે છે. તમે લાખેક રૂપિયા જો રોકો તો તમને 40 ગણું વળતર અમે ક્રિપ્ટોકરન્સીમાં આપીશું અને હા, જો તમારે ક્રિપ્ટોમાં વળતર ન જોઈતું હોય તો અમે એટલી જ કિંમતની જમીનનો પ્લોટ  તમને 6 મહિના પછી મુન એટલે કે ચંદ્ર   પર આપીશું…!’ પછી તો પેલી લેડીએ ન જાણે મુનની એવી મોહિની લગાડી દીધી કે  આ શ્રીમંત મહિલા એની જાળમાં  ફસાઈ.  એણે 3 લાખ રૂપિયાની રક્મ  પેલીએ કહ્યું એ બૅન્ક ખાતામાં જમા કરી દીધા પછી કેટલીય રાત ચંદ્ર તરફ તાકીને મુનનો પોતાનો પ્લોટ કેવો હશે એવી ‘ઝીલમીલ  સિતારોં કા આંગન હોગા’ ની  કલ્પનામાં ગાળી. સમય જતાં એને બ્રહ્મ જ્ઞાન થયું કે  પોતે કેવી સુપર બેવકૂફ બની છે એટલે એણે પોલીસ ફરિયાદ કરી.  પોલીસ હજુ સુધી પેલી લેડી ક્રિપ્ટો અપરાધીની શોધમાં છે અને શિકાર બનેલી માનુની હજુ ય   ચંદ્રને  રોજ રાતે જોઈને નિસાસા નાખે છે…!

ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
આજે અહીં  જાતજાતના ક્રાઈમની વાત નીકળી છે તો આ મિનિ -અપરાધકથા પણ જાણી  લો. ઓનલાઈન શોપિંગનો ઘણાને શોખ હોય છે. આવી ખરીદી જો બરાબર પાર ઊતરે તો ઠીક, નહીંતર તાજેતરમાં આમચી મુંબઈના એક યુવાને  જાતભાતનાં શર્ટસ વેચતી એક કંપનીની ઓનલાઈન જાહેરખબર જોઈ. આકર્ષક બ્રાન્ડેડ શર્ટસ જોઈને પેલા યુવાને બે મનપસંદ શર્ટની ઓનલાઈન વરદી આપીને બિલના રૂપિયા 949/- પણ ભરી દીધા. પછી શર્ટસની 15-20 દિવસ રાહ જોઈ. એ આવ્યા નહીં એટલે ફરિયાદ કરી.  થોડી વારમાં  વળતો જવાબ આવ્યો. કહે: સૉરી,તમે પસંદ કરેલાં શર્ટસ  તમારી સાઈઝના હમણાં  સ્ટોકમાં નથી. માલ આવતાની સાથે રવાના કરશું. અત્યારે તો તમે મોકલેલી રકમ પરત મોકલી આપશું. …જસ્ટ, તમારી બૅન્ક વિગત આપો…. યુવાને પોતાની બધી  બૅન્ક વિગતો મોકલી આપી. સામેથી ‘થેન્કસ‘ નો સંદેશ આવી ગયો ને ગણતરીની મિનિટમાં પેલા યુવાનને એની બૅન્કમાંથી બે મેસેજ આવ્યા : એના ઍકાઉન્ટમાંથી વારાફરતી 43000 અને 49000ની રકમ બીજા કોઈ ભળતા જ ખાતામાં  જમા થઈ ગઈ હતી!
તાત્કાલિક સાઈબર ક્રાઈમ સેલમાં  ફરિયાદ કરી અને એના સદનસીબે સાઈબરે પેલા ઓનલાઈન તફડંચીકારોને છેક મમતાદીદીના બંગાળ- મુર્શીદાબાદ જિલ્લામાંથી શોધી કાઢ્યા! બીજા શબ્દોમાં કહીએ તો ધ્યાન ન રાખો તો આવાં ઓનલાઈન શોપિંગમાં શર્ટ લેવા જાવ તો બીજાં કપડાં પણ  ઊતરી  જાય!
 — પ્રાણી પ્રત્યે હમદર્દી લગભગ બધા રાખે પણ 13મી સદીના પોપ જ્યોર્જ – ફોર્થને બિલાડી પ્રત્યે એવું  ઝનૂન હતું કે સમગ્ર રોમમાંથી  ‘બિલાડી નાબૂદ’ કરવાની એમણે ઝુંબેશ ઉપાડી હતી કારણ કે એ માનતા કે બિલાડી તો શેતાનનું  પ્રતીક છે…!
* ઈશિતાની એલચી *
હું એના કરતાં સારું કરું એ ઈર્ષા પણ હું એનું સારું કરું એ સંસ્કાર…!!

Most Popular

To Top