National

હવે કોવિશીલ્ડનો બીજો ડોઝ ટૂંક સમયમાં અપાશે, બે ડોઝ વચ્ચેનો સમય આઠ અઠવાડિયા સુધી ઘટાડવાની તૈયારી

નવી દિલ્હી : ભારતમાં રસીકરણ (Vaccination) માટેના નિયમો નક્કી કરવા માટે સરકાર દ્વારા સ્થપાયેલી ટાસ્ક ફોર્સ નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (એનટીએજીઆઈ)એ હજી સુધી ભારત બાયોટેકના કોવેક્સિનના બે ડોઝ (Dose) વચ્ચે 28 દિવસના સમયગાળામાં કોઈ ફેરફાર કર્યો નથી. એનટીએજીઆઈએ કોરોના વેક્સિન કોવિશીલ્ડના (Covishield) બે ડોઝ વચ્ચેનો સમયગાળો ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એવું નોંધવામાં આવે છે કે, એનટીએજીઆઈએ કોવિશીલ્ડના પ્રથમ ડોઝના 8-16 અઠવાડિયા પછી બીજો ડોઝ લાગુ કરવા માટેની ફોર્મ્યુલાને મંજૂરી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં રસીકરણ નીતિ હેઠળ, કોવિશીલ્ડના પ્રથમ ડોઝ લીધાના 12થી 16 અઠવાડિયા પછી બીજો ડોઝ આપવામાં આવે છે. એનટીએજીઆઈએ ભારત બાયોટેકના કોવેક્સિનના બે ડોઝ વચ્ચેના 28 દિવસના સમયગાળામાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં કોવિશીલ્ડ પર એનટીએજીઆઈ દ્વારા કરવામાં આવેલી દરખાસ્તનો અમલ કરવાનો બાકી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સલાહકાર જૂથનો પ્રસ્તાવ વૈશ્વિક સ્તરે હાથ ધરવામાં આવેલા કેટલાક તાજેતરના વૈજ્ઞાનિક અભ્યાસોના આધારે કરવામાં આવ્યો છે.

આ હેઠળ જ્યારે કોવિશીલ્ડનો બીજો ડોઝ આઠ અઠવાડિયા પછી આપવામાં આવે છે ત્યારે તેના દ્વારા ઉત્પાદિત એન્ટીબોડીઝની પ્રતિક્રિયા 12થી 16 અઠવાડિયાની વચ્ચે બીજો ડોઝ આપ્યા બાદ સમાન હોય છે. એવું કહેવાય છે કે, જો સરકાર આ પ્રસ્તાવને મંજૂરી આપે છે તો તે લાભાર્થીઓને કોવિશીલ્ડનો બીજો ડોઝ ઝડપથી મેળવવાનો માર્ગ સાફ કરશે. વિશ્વભરમાં ફરી એક વાર કોરોના વાયરસના મામલાઓ વચ્ચે દેશમાં 6થી 7 કરોડ લોકો એવા છે જેમને આ રસીનો બીજો ડોઝ મળ્યો નથી.

ભારતમાં કોવિડના છેલ્લા 688 દિવસના સૌથી ઓછા 1761 કેસ નોંધાયા
નવી દિલ્હી: ભારતમાં રવિવારે કોરોન વાયરસના નવા 1761 કેસ નોંધાયા હતા જે છેલ્લા 688 દિવસોમાં સૌથી ઓછા છે. દેશમાં કુલ કેસોની સંખ્યા વધીને 4,30,07,841 થઈ હતી જ્યારે સક્રિય કેસ વધુ ઘટીને 26,240 થયા હતાં, એમ આરોગ્ય મંત્રાલયના આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું. 127 નવા મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 5,16,479 થયો હતો, એમ સવારે 8 વાગે જારી કરાયેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યામાં 1562નો ઘટાડો તયો હતો. દૈનિક પોઝીટીવીટી દર 0.41 ટકા રહ્યો હતો. બીમારીથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,24,65,122 થઈ હતી.

દેશભરમાં રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 181.21 કરોડ કોવિડ-19 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં 7 ઓગસ્ટ 2020ના રોજ કોવિડ-19 કેસોની સંખ્યા 20 લાખને પાર ગઈ હતી જ્યારે ડિસેમ્બર 2020માં તે 1 કરોડને વટાવી ગઈ હતી. ભારતમાં દુ:ખદ 2 કરોડનું સીમાચિન્હ 4 મે, 2021ના રોજ પાર થયું હતું જ્યારે 23 જૂનના રોજ કેસોની સંખ્યા 3 કરોડને વટાવી ગઈ હતી. જ્યારે આ વર્ષે 26 જાન્યુઆરીના રોજ દેશમાં કેસોની સંખ્યા 4 કરોડને પાર થઈ હતી.

Most Popular

To Top