અનાવલ: (Anaval) મહુવાના અનાવલ ખાતે શિક્ષક દંપતીના ઘરે ચોરી કરનાર તસ્કરોની ગેંગ ઝડપાઇ છે. મહુવા જી.એચ.ભકત શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક દિલીપ પટેલના બંને બાળકો નવસારી ખાતે અભ્યાસ કરતા હોવાથી તેઓ અનાવલની એ-વન પાર્ક સોસાયટીનું ઘર બંધ કરી પરિવાર સાથે નવસારી ખાતે રહેતા હતા. બંને શિક્ષક દંપતી નવસારીથી (Navsari) અપડાઉન કરતા હતા. ગત તા.26/02/2022ના રોજ દિલીપ પટેલના ઘરમાં ધાપ મારી રૂ. 57,750 રૂપિયાની મત્તાની ચોરી (Theft) કરી પલાયન થઈ ગયા હતા.
- અનાવલના શિક્ષક દંપતીના ઘરમાં ચોરી કરનાર પાડોશીની ગેંગ પકડાઈ
- મહુવાની જી.એચ.ભક્ત શાળાના શિક્ષકના પુત્રો નવસારી અભ્યાસ કરતા હોવાથી દંપતી નવસારી રહી અપડાઉન કરે છે
- દિલીપ પટેલના ઘરમાં ધાપ મારી રૂ. 57,750 રૂપિયાની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા
શિક્ષકે ચોરી અંગે મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગત તા.19/03/2022ના રોજ શિક્ષક દિલીપભાઈને ઘરની સામે કામ કરતો અને એ વન પાર્ક સોસાયટીમાં જ રહેતા અશોકભાઈ છીબુભાઈ કોળઘા પર શંકા હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસે અશોક કોળઘાને પોલીસ મથકે લઈ જઈ કડક પૂછતાછ કરતાં તે ભાંગી પડ્યો હતો. તેણે ઉનાઈ ખાતે રહેતા અન્ય ચારથી પાંચ સાગરિતો અંબુભાઈ રાજારામ પવાર, અજયભાઈ જેયસિંગભાઈ ગુજ્જર અને અશોકભાઈ રામદાસભાઈ ગુજ્જર (તમામ રહે. ઉનાઈ નાકા, રેન્જ ઓફિસ સામે, તા.વાંસદા)ની ચોરી કર્યાની કબૂલાત કરતાં પોલીસે આ ગેંગની ધરપકડ કરી વધુ ચોરી અંગે પુછપરછ કરી હતી.
સુરતના પ્લોટ માલિકે બેંકમાં ગીરવે મૂકેલો પ્લોટ મોટા બોરસરાના ખેડૂતને વેચી 45 લાખની છેતરપિંડી કરી
હથોડા: સુરત લાલ દરવાજા ખાતે રહેતા હીરાલાલ છગનભાઈએ કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મોટા બોરસરા ગામે આવેલા પોતાના પ્લોટને ગીરવે મૂકી તેના પર બેંકમાંથી લોન લીધી હતી. એ વાત છુપાવીને તેમણે મોટા બોરસરા ગામના ખેડૂત મહંમદ સલીમ યુસુફભાઈ પટેલને 2019ની સાલમાં આ પ્લોટનો ૯૫ લાખમાં સોદો કરી 45 લાખ ચેક પેટે ઉસેટી લઈ સાટાખત કરી આપ્યા હતા. તેણે બેંક લોન નહીં ભરતાં બેંક દ્વારા પ્લોટની હરાજી અંગે જાહેર નોટિસ પ્રસિધ્ધ કરતા સલીમ ભાઈને છેતરપિંડી થયાનું સામે આવતા તેણે સુરતના હીરાલાલ છગનભાઈ પટેલ વિરૂધ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.