ઉમરગામ : ઉમરગામના માણેકપુરમાં પુત્રએ (Son) રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે પિતા (Father) સાથે ઝઘડો કરી માથામાં લાકડાના ફટકા મારી પતાવી દેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે (Police) હત્યારા પુત્રની ધરપકડ (Arrest) કરી હતી. ઉમરગામના માણેકપુર નવી નગરીમાં રહેતા મનજીભાઈ રઘુભાઈ ઠાકરીયા (ઉંમર ૫૮) અને તેના પુત્ર યોગેશ મનજી ઠાકરીયા (ઉંમર ૩૮) વચ્ચે શુક્રવારે ધુળેટીના દિવસે બપોરના સમયે જમવાનું બનાવવા જેવી બાબતમાં ઝઘડો થયો હતો. ત્યાં પુત્રએ યોગેશે ગુસ્સામાં આવી ત્રણથી ચાર લાકડા ફટકો પોતાના પિતા મનજીભાઈને માંથાના ભાગે મારી દીધો હતો.
ગંભીર રીતે ઘાયલ થયેલા મનજીભાઈને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ભીલાડ સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ મોત નિપજ્યું હતું આ બનાવની પોલીસમાં ફરિયાદ ઈશ્વરભાઈ રઘુભાઈ ઠાકરીયાએ આપતા ઉમરગામ પોલીસે હત્યાના આરોપી યોગેશ મનજી ઠાકરીયા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ધૂળેટીએ ક્રિકેટ રમવા બાબતે બે જૂથ ઝઘડ્યા : વૃદ્ધની હત્યા
નવસારી : નવસારીના સંદલપોર ગામે ધૂળેટી લોહિયાળ બની છે. ક્રિકેટ રમવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થતા એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ જૂથ અથડામણને પગલે નવસારી જીલ્લા પોલીસ દોડતી થઇ હતી. અને ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે ૧૬ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. જયારે પોલીસે સામે પક્ષની પણ ફરિયાદ લઈ ૧૬ સામે ગુનો નોંધતા કુલ ૩૨ લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોકે પોલીસે હત્યાના ૫ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
જલાલપોર તાલુકાના સંદલપોર ગામે નિશાળ ફળીયામાં કાળુભાઈ ખીમાભાઈ ભરવાડ તેમના પરિવાર સાથે રહે છે. ગત ૧૮મીએ ધૂળેટીનો તહેવાર હોવાથી બપોરે સંદલપોર ગામે તળાવ ફળીયાના છોકરાઓ અને કાળુભાઈના ફળિયાના છોકરાઓ ક્રિકેટ રમવા માટે ગયા હતા. જ્યાં રમવા બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી ક્રિકેટ મેચ જોવા માટે આવેલા કાળુભાઈ અને અન્ય લોકોએ વચ્ચે પડી સમાધાન કરાવી છુટા પાડ્યા હતા.
ત્યારબાદ સાંજે કાળુભાઈ, તેમના કાકા સુખાભાઈ વિહાભાઇ મેર, શૈલેશભાઈ ભરવાડ, ખીમાભાઈ ભરવાડ, ગંદુભાઈ ભરવાડ, વિરમભાઇ ભરવાડ, સંજુભાઈ દામલા, વજુભાઈ દામલા, કાનાભાઈ અર્જુનભાઈ ભડિયાદરા, ઝાલાભાઇ દામલા સાથે ગામના બસ સ્ટોપ પાસે આવેલા ચોર ઉપર બેસેલા હતા. ત્યારે બપોરના ક્રિકેટ રમવા બાબતે થયેલા બોલાચાલી ઝઘડાની અદાવત રાખી તળાવ ફળીયામાં રહેતા ૧૫ થી ૧૬ લોકો હાથમાં લાકડાનો ફટકો સાથે લાવી એકસંપ થઇ આવી ગામના દાદા બની ગયા છો તેમ કહી કાળુભાઈ અને તેમની સાથેના લોકો સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા. ત્યારે કાળુભાઈના કાકા સુખાભાઈ વિહાભાઇ મેર વચ્ચે પડી સમજાવવા જતા હર્ષદ ઉર્ફે દળો સુખાભાઈ પટેલે હાથમાંના લોખંડનો પાઈપથી તથા ધવલ શાંતુ પટેલે તેને હાથમાંના લાકડાના ફટકાથી તથા અન્ય લોકોએ તેઓના હાથમાંના હથિયારોથી ફટકા તથા લાતો મારવા લાગ્યા હતા. ત્યારે કાળુભાઈ, વિરમભાઇ ભરવાડ, સંજુભાઈ દામલા, વજુભાઈ દામલા, કાનાભાઈ ભડીયાદરા વચ્ચે પડતા સોમાભાઈ જયંતીભાઈ મૈસુરીયાએ તેના હાથમાંના લાકડાથી પીઠના ભાગે ફટકો માર્યો હતો. જીજ્ઞેશ પટેલે સંજુભાઈને ડાબા હાથના બાવળના ભાગે ચપ્પુ માર્યું હતું. તેમજ અન્ય લોકોને પણ લાકડાના તથા બીજા હથિયારોથી ફટકા માર્યા હતા. જોકે ફળિયાના ઘણા માણસો ભેગા થઇ જતા તળાવ ફળિયાના લોકો નાસી ગયા હતા. પરંતુ સુખાભાઈ વિહાભાઇ મેરને માથામાં અને શરીરે ફટકા મારવાથી તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. જેથી કાળુભાઈ અને અન્ય લોકો સુખાભાઈને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે કાળુભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ૧૬ લોકો સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.
જયારે સામે પક્ષે રાજકુમાર હર્ષદ ઉર્ફે દળો પટેલે પણ બપોરે ક્રિકેટના ગ્રાઉન્ડમાં બાઈક મુકવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી તળાવ ફળિયાના લોકો ઉપર હુમલો કરી માર માર્યો હોવા બાબતે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નિશાળ ફળીયાના ૧૬ લોકો સામે ગુનો નોંધાવતા પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ કુલ ૩૨ લોકો સામે ગુનો નોંધ્યો હતો. જોકે પોલીસે હત્યાના ગુનામાં ૫ આરોપીઓને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.
આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર, પોલીસે સમજાવ્યા
નવસારી : સંદલપોર ગામે ક્રિકેટ રમવા બાબતે થયેલી જૂથ અથડામણમાં ભરવાડ સમાજના એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જોકે પોલીસે મૃત દેહને પી.એમ. અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ ઘટનાને પગલે ભરવાડ સમાજમાં રોષ જોવા મળ્યો હતો. અને હત્યાના આરોપીઓ ન ઝડપાઈ ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી પોલીસે ભરવાડ સમાજના આગેવાનોને સમજાવ્યા હતા. ત્યારબાદ ભરવાડ સમાજના આગેવાનોએ લાશનો સ્વીકાર કરી અંતિમવિધિ શરૂ કરી હતી.