હથોડા: કીમ ચાર રસ્તા ખાતેના સર્કલ (Circle) નીચે પાળી પર બેસીને બે મિત્ર (Friend) મસ્તી કરતા હતા. ત્યારે ત્યાં સૂતેલા એક અન્ય વ્યક્તિને ધક્કો લાગતાં મિત્ર સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી બંને મિત્રના ગળાના ભાગે બ્લેડ વડે હુમલો (Attack) કરતાં લોહીલુહાણ થતાં સુરત સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે સારવાર માટે ખસેડ્યા હતા.
- બ્લેડથી હુમલો કરનારને પકડી બે મિત્ર લોહીલુહાણ હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા
- ગળાના ભાગે બ્લેડ મારી દેતાં લોહીલુહાણ હાલતમાં રાહુલ અને કુરબાન અલીને સુરત સિવિલમાં ખસેડાયા
મોટી નરોલી ખાતે રહેતો કુરબાન અલી અબ્બાસ અલી સૈયદ છૂટક મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. જે ગઈકાલે કીમ ચાર રસ્તા ખાતે આવેલા ઓવરબ્રિજ નીચે તેના મિત્ર રાહુલ સાથે ત્યાં આવેલી પાળી ઉપર બેઠો હતો. ત્યારે ત્યાં વસીમ હાજી કડીવાલા પણ સૂતેલો હતો. મિત્ર રાહુલ અને કુરબાન અલી મસ્તી કરતા હતા. એ વખતે ત્યાં સૂતેલા વસીમ હાજી કડીવાલાને પગમાં રાહુલથી ધક્કો લાગી ગયો હતો. જેથી વસીમ હાજી કડીવાલા રાહુલ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને ગાળો બોલી ઝપાઝપી કરવા લાગતાં તેમને છોડાવવા કુરબાન અલી પણ વચ્ચે પડતાં વસીમ હાજી કડીવાલા વધુ ઉશ્કેરાયો હતો અને રાહુલને ગળામાં બ્લેડ માર્યા બાદ બ્લેડ વડે કુરબાન અલી ઉપર પણ હુમલો કરી કુરબાન અલીના ગળા પર બ્લેડ ફેરવી દેતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનીને બંને મિત્ર લોહીલુહાણ થઈ ગયા હતા. લોહીથી લથપથ હાલત હોવા છતાં રાહુલ અને કુરબાન અલીએ હિંમત દાખવી બ્લેડ વડે હુમલો કરનાર વસીમને પકડી નજીકમાં આવેલી પાલોદ ચોકીએ લઈ આવી પોલીસને સોંપ્યો હતો. લોહીથી લથપથ થયેલા બધા મિત્રોને જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઊઠી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. કોસંબા પોલીસે બ્લેડ વડે હુમલો કરનાર વસીમ હાજી કડીવાલા સામે ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે.