સંગીત (Music) એ કોઈપણ પ્રકારનો માહોલ બદલી નાખે છે અને તેમાં પણ જો કોઈ તહેવાર (Festival) હોય તો તેની ઉજવણી વાજિંત્રો વગર થઈ જ શકે નહીં અને તેમાંય જો તહેવાર હોળીનો હોય તો પછી પુછવું જ શું? દર વખતે હોળીમાં ઢોલ-નગારાની બોલબાલા હોય છે. અનેક ઠેકાણે હોળી-ધૂળેટીની ઉજવણીમાં ગીત-સંગીતનો કાર્યક્રમ થાય તો તેમાં હાર્મોનિયમની સાથે અન્ય વાંજિત્રો પણ હોય જ છે. સુરતમાં એક એવી પેઢી છે કે જે દોઢથી બે સદીથી…હાં, દોઢથી બે સદીથી ઢોલ-નગારાની સાથે હાર્મોનિયમ (Harmonium) વેચી રહી છે, રિપેર કરી રહી છે. એવું કહી શકાય કે સુરતીઓને સંગીતનો શોખ લગાડી રહી છે. તો આ વખતે આપણે ધૂળેટી પર્વે જાણીશું સુરતની આટલી જૂની હીરાલાલ નરોત્તમદાસની પેઢીને….
શરૂઆત કેવી રીતે થઈ
હાલમાં તો ચોથી પેઢી હીરાલાલ નરોત્તમદાસની પેઢી સંભાળી રહી છે પરંતુ આશરે 150થી 200 વર્ષ પહેલા વલ્લભભાઈ મિસ્ત્રી દ્વારા આ વ્યવસાયનો સુરતમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજમાર્ગ પર ડબગરવાડમાં આવેલી આ પેઢીમાં હાર્મોનિયમ સહિતના વાજિંત્રોનું વેચાણ તેમજ રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. વલ્લભભાઇ મિસ્ત્રી બાદ તેમના પુત્ર નરોત્તમદાસ અને ત્યારબાદ તેમના પુત્ર હીરાલાલ હતા. હીરાલાલે વારસો સંભાળ્યા બાદ તેમના ત્રણ પુત્ર રમેશભાઇ, જયેશભાઇ અને ભરતભાઇએ હાર્મોનિયમની કારીગરી શરૂ કરી હતી. ત્રણેય ભાઇના પુત્ર નિતીન રમેશ મિસ્ત્રી, ત્યારબાદ ચેતન જયેશ મિસ્ત્રી, વિક્કી જયેશ મિસ્ત્રી અને મિકેનિકલ એન્જિનિયરનું દહેજમાં કામ કરી ચૂકેલા નીરવ ભરતભાઇ મિસ્ત્રી અને વિનય મિસ્ત્રી પણ આજ વ્યવસાયમાં જોડાયેલા છે.
વાજાપેટીનો વારસો ભારતમાં જળવાયો
મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ રિપેરિંગ જેમાં પણ ખાસ કરીને હાર્મોનિયમ (વાજાપેટી) રિપેર કરવામાં એકહથ્થુ શાસન ધરાવતા ભરતભાઇ મિસ્ત્રીએ હાર્મોનિયમનો ઇતિહાસ જણાવતાં કહ્યું હતું કે, સૌથી પહેલા ફ્રાંસમાં હાર્મોનિયમ ચાલતા હતા. ફ્રાંસે હાર્મોનિયમની શોધ કરી હતી. જો કે, હાલ ત્યાં હાર્મોનિયમ બંધ થઇ ગયા છે. તેના બદલે અન્ય મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગમાં લેવાય છે. પરંતુ ભારતમાં વારસો જળવાયેલો છે. ગુજરાતમાં તેઓ એકમાત્ર હાર્મોનિયમનું રિપેરિંગ કામ જાણે છે.
જર્મન, પેરિસ, પાલીતાણા, દિલ્હી, પંજાબના સૂર હાર્મોનિયમમાં…
હાર્મોનિયમમાં જર્મન, પેરિસ અને ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણામાં પિત્તળમાંથી ઉદભવતા સૂર બેસાડવામાં આવે છે. જર્મનીના સૂર પણ હવે મળવા મુશ્કેલ છે. પરંતુ સુરતની અલગ-અલગ શાળા-કોલેજોમાં સંગીત શીખવતા સંગીતકારો જ્યારે રિપેરિંગ માટે કોઇ જૂનું હાર્મોનિયમ લાવે છે ત્યારે અમુક વખત તેમાં જર્મન અથવા તો પેરિસના સૂર હોય છે. ગુજરાતમાં હાર્મોનિયમની કોઇ કંપની નથી. હેન્ડ મેડ હાર્મોનિયમ સ્વ.હીરાલાલની પેઢી જ બનાવે છે. ગુજરાત ઉપરાંત દિલ્હી-પંજાબમાં પણ સૂર બને છે.
પિતાને હાર્મોનિયમ રિપેર કરતા જોઇ પુત્રમાં પણ કારીગરી ઉતરી
પિતા હીરાલાલના નામથી ડબગરવાડ રાજરત્ન ચેમ્બર ખાતે તમામ પ્રકારનાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના ડિલર અને મેકર ભરતભાઇ હીરાલાલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, હાર્મોનિયમ, સિતાર, ગીટાર, તંબુરો, વાયોલીનની રિપેરિંગની કારીગરી તેમને વારસામાં મળી છે. ધોરણ-10 સુધીનો અભ્યાસ કર્યા બાદ દીપક મિસ્ત્રી પિતા હીરાલાલ પાસે દુકાન ઉપર બેસવા જતા હતા. પિતાની કારીગરી અને હાર્મોનિયમ વગાડતા જોઇ તેમને પણ રસ જાગ્યો અને તેઓ પણ પિતાની જેમ હાર્મોનિયમ રિપેરિંગ કામમાં માસ્ટર બની ગયા.
વાજાપેટીનો વારસો ભારતમાં જળવાયો
મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ રિપેરિંગ જેમાં પણ ખાસ કરીને હાર્મોનિયમ (વાજાપેટી) રિપેર કરવામાં એકહથ્થુ શાસન ધરાવતા ભરતભાઇ મિસ્ત્રીએ હાર્મોનિયમનો ઇતિહાસ જણાવતાં કહ્યું હતું કે, સૌથી પહેલા ફ્રાંસમાં હાર્મોનિયમ ચાલતા હતા. ફ્રાંસે હાર્મોનિયમની શોધ કરી હતી. જો કે, હાલ ત્યાં હાર્મોનિયમ બંધ થઇ ગયા છે. તેના બદલે અન્ય મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગમાં લેવાય છે. પરંતુ ભારતમાં વારસો જળવાયેલો છે. ગુજરાતમાં તેઓ એકમાત્ર હાર્મોનિયમનું રિપેરિંગ કામ જાણે છે.
હાર્મોનિયમમાંથી નીકળતા સૂરનો મુકાબલો નથી
ભરતભાઇ મિસ્ત્રીના મોટાભાઇ જયેશભાઇએ જણાવ્યું હતું કે, તેઓ માં રેણુકા મ્યુઝિકલના નામે નવાં હાર્મોનિયમ બનાવે છે. સંગીતની દુનિયામાં કેટલા પણ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આવે, પણ હાર્મોનિયમમાંથી નીકળતા સૂરનો કોઇ મુકાબલો ન કરી શકે. પિત્તળના સૂરમાંથી નીકળતું સંગીત હૃદયને સ્પર્શી જાય તેવું હોય છે. લોકગાયકો આજે પણ હાર્મોનિયમનો, તબલા, સિતાર, ગીટારનો જ ઉપયોગ કરે છે.
સુરતના કલાકારો અમારી પાસે જ હાર્મોનિયમ બનાવડાવે છે : ભરતભાઇ મિસ્ત્રી
પરંપરાગત વાજિંત્રો રિપેર કરવાની કલાકારી જાણતા ડબગરવાડના મિસ્ત્રી પરિવાર પાસે વર્ષોથી સંગીતકારો હાર્મોનિયમ રિપેરિંગ કરવા માટે આવે છે. શહેર બહારથી પણ કલાકારો સુરત તેમની પાસે રિપેરિંગ માટે આવે છે, ત્યારે સુરતના કલાકારો પૈકી સુધીરભાઇ પારડી, સુનીલભાઇ મોદી, હેમંત ગાંધર્વ, સુનીલ રેવર તેમજ હેમાંગ વ્યાસ તેમની પાસે જ હાર્મોનિયમનું કામ કરાવે છે.
જમાના સાથે હાર્મોનિયમની બદલાતી કિંમત
સ્વ.વલ્લભદાસ મિસ્ત્રીના સમયમાં હાર્મોનિયમની કિંમત કેટલી હતી તે તો નવી પેઢીને અંદાજે પણ યાદ નથી. પરંતુ 40 વર્ષ પહેલાં 1100થી 1200 રૂપિયામાં નવું હાર્મોનિયમ બનતું હતું. હાલ નવાની કિંમત 7,500થી શરૂ થઇને 1 લાખ રૂપિયા સુધી થઇ જાય છે.
હાર્મોનિયમ મૂળ ફ્રાન્સનું વાજિંત્ર છે
જે વાજિંત્રો વાગે છે અને આપણે ઝુમી ઉઠીએ છીએ તેવા હાર્મોનિયમમાં હીરાલાલ નરોત્તમદાસની પેઢી માસ્ટર ગણાય છે. હાર્મોનિયમ ભારતીય વાજિંત્ર નથી. મુળ એ ફ્રાન્સનું વાજિંત્ર ગણાય છે. સૌ પ્રથમ ફ્રાન્સના કારીગરો દ્વારા હાર્મોનિયમ બનાવવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ બાદ સંગીતની દુનિયામાં તેનો વપરાશ ઓછો થયો પરંતુ ભારતના કલાકારોએ વાજાપેટી (હાર્મોનિયમ)ના સૂરને જાળવી રાખ્યા છે, ટેક્નોલોજી વધતા હાર્મોનિયમને બદલે બેન્જો અને કિબોર્ડ સંગીતકારો વપરાશ કરતા થયા, પરંતુ હાર્મોનિયમના જે સૂર નીકળે છે તેવા સૂરનો કોઇ મુકાબલો નથી તેવું સુરતમાં વર્ષોથી હાર્મોનિયમનું રિપેરિંગ કરતા ભરત હીરાલાલ મિસ્ત્રી જણાવી રહ્યા છે. ભરત મિસ્ત્રીના પિતા સ્વ.હીરાલાલ નરોત્તમદાસ મિસ્ત્રીનો જન્મ તા.27-7-1911ના રોજ થયો હતો. હીરાલાલને પેઢી દર પેઢી તેમના પિતા સ્વ.વલ્લભભાઇ મિસ્ત્રી પાસેથી વાજિંત્રો તેમાં પણ ખાસ કરીને હાર્મોનિયમ રિપેર કરવાની કારીગરી આવડી ગઈ હતી. વાજિંત્રોમાં હાર્મોનિયમ ઉપરાંત સિતાર, ગીટાર, તંબુરો, ફ્લ્યૂટ, વાયોલીન રિપેર કરવામાં હીરાલાલ નરોત્તમદાસના પુત્ર જયેશ મિસ્ત્રી તેમના ભાઇ ભરત મિસ્ત્રી તેમજ રમેશ મિસ્ત્રીની માસ્ટરી છે.
વંશવેલો
સ્વ. વલ્લભભાઇ મિસ્ત્રી, સ્વ. નરોત્તમદાસ વલ્લભભાઈ મિસ્ત્રી, સ્વ. હીરાલાલ નરોત્તમદાસ મિસ્ત્રી, રમેશભાઈ હીરાલાલ મિસ્ત્રી, જયેશભાઈ હીરાલાલ મિસ્ત્રી, ભરતભાઈ હીરાલાલ મિસ્ત્રી, નિતીન રમેશ મિસ્ત્રી, ચેતન જયેશ મિસ્ત્રી, વિક્કી જયેશ મિસ્ત્રી, નીરવ ભરતભાઈ મિસ્ત્રી, વિનય મિસ્ત્રી