ભરૂચ: ફાગણ માસના ધોમધખતા તાપના દિવસોમાં હોળી (Holi) અને ધુળેટીના (Dhuleti) પર્વેમાં કેસૂડાનાં ફૂલનું (Cassowary flower) આદિકાળથી મહત્ત્વ છે. સાંપ્રત યુગમાં કેમિકલયુક્ત (Chemical) રંગોએ (Colors) કેસૂડાને ભુલાવ્યો છે. ત્યારે પ્રાકૃતિક પૂજક ગણાતો આદિવાસી સમાજ હોળી-ધુળેટીનો પર્વ આજે આદિકાળથી કેસૂડાંનાં ફૂલો સાથે ઊજવે છે. જે પરંપરા આજે પણ આદિવાસીઓએ જાળવી રાખી છે. સાતપુડાની પર્વતમાળા વચ્ચે ભરૂચ (Bharuch) જિલ્લાના ઝઘડિયા, વાલિયા, નેત્રંગ અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા તાલુકામાં રહેતા આદિવાસીઓ આ પર્વની ઉજવણીની શરૂઆત કરવા માંડ્યા છે.
કેસૂડાનાં ફૂલો ઉનાળાના દિવસોમાં જ અને તે પણ ફાગણ માસમાં જંગલ વિસ્તારોની શોભા વધારે છે. કેસૂડાનાં ફૂલો ત્રણ પ્રકારનાં હોય છે. કેસરી, રાતો અને પીળો. આ ત્રણ રંગના ફૂલનું અલગ અલગ મહત્ત્વ છે. સૌથી વધુ કેસરી રંગના કેસૂડા વધુ પ્રમાણમાં છે. જ્યારે પીળા રંગના કેસૂડાનાં ફૂલો ખૂબ ઓછા પ્રમાણમાં દેખાય છે. કેસૂડાનાં ફૂલને “પલાશ” પુષ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂળ તો કેસૂડાના ફૂલથી સ્નાન કરવાથી ગરમીથી બચવા, બળતરા અને અળાઈ દૂર થાય છે.
આદિવાસી સમાજ દ્વારા કેસૂડાના રંગનો ધુળેટીમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરના પ્રકૃતિપ્રેમી દીપક પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જ્યારે કેમિકલયુક્ત રંગનું સામ્રાજ્ય સમાજ પર ન હતું. ત્યારે કેમિકલયુક્ત રંગોના કારણે પાણીનો ખૂબ વ્યય થઈ રહ્યો છે. ત્યારે કેસૂડા જેવાં ફૂલો બહુગુણી ફૂલોના રંગોની ધૂળેટી જો મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ પૂરતી જાળવણી થાય છે.” આદિવાસી લોકો કેસૂડાનાં ફૂલ પાણીમાં પલાળી તેનો રંગ તરીકે ઉપયોગ કરે છે. હોળી દરમિયાન આદિવાસી સમાજમાં થતાં ઘેર નૃત્યમાં આદિવાસી લોકો કેસૂડાનાં ફૂલ થકી તૈયાર કરેલો રંગ લગાડી હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરે છે.
કેસૂડાંના ફૂલોથી કઈ રીતે બને કલરવાળું પાણી
આજે પણ આધુનિક યુગમાં આદિવાસી સમાજ દ્વારા કેસૂડાંના ફૂલોનો ઉપયોગ કરીને હોળી-ધૂળેટી ઉજવવામાં આવે છે. આ પરંપરા આજે પણ અકબંધ છે. તેઓ કેસૂડાંના ફૂલોને વીણી લાવે છે અને ત્યાર બાદ તેના ફૂલોને પાણીમાં નાખી ગરમ કરવામાં આવે છે. પાણી ગરમ થતાં જ તેમાં થી કલર છૂટે છે અને પાણી કલરવાળું થઈ જાય છે અને તે પાણીનો ઉપયોગ ધૂળેટી અને હોળીની ઉજવણી માટે લેવાય છે.