યુક્રેનમાં ફસાયેલ મેડીકલ શાખાના લગભગ બધા વિદ્યાર્થીઓ ધીમે ધીમે ભારત પરત થઇ ગયા છે. જે વિકટ સંજોગોનો સામનો કરીને આ વિદ્યાર્થીઓ પાછા આવ્યા છે એ સૌના માટે સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે અધૂરો રહેલ અભ્યાસ હવે કેવી રીતે અને ક્યાં પૂરો કરવો. સ્વદેશપ્રેમી સહિત સૌના મનમાં સ્વાભાવિકપણે એ સવાલ પેદા થાય કે આ છોકરાઓ ભારત છોડીને પરદેશ જવાનું પસંદ કેમ કરે છે? ભારતમાં લગભગ સોળ લાખ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપે છે, જેમાંથી આશરે આઠ લાખ ક્વોલીફાય થાય છે જેની સામે ભારતમાં ગવર્નમેન્ટ,ખાનગી, ડીમ્ડ મેડીકલ કોલેજો, સેન્ટ્રલ યુનિવર્સિટી વિગેરે સહિત અંદાજે ૬૦૪ મેડીકલ કોલેજો છે, જેમાં લગભગ નેવું હજાર છસો સીટો જ ઉપલબ્ઘ છે. આ સંજોગોમાં મેડીકલ સાયન્સનો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને અન્ય વિકલ્પોનો વિચાર કરી પોતાની ધ્યેયપ્રાપ્તિ માટે એ માર્ગે આગળ વધવું પડે છે.
એક્ષ્ટર્નલ એફેર મિનિસ્ટ્રીની માહિતી મુજબ સને ૨૦૨૦ માં લગભગ બે લાખ એકસઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરદેશ ભણવા ગયેલ જેમાંથી અંદાજે વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ યુક્રેન ગયેલ. યુક્રેનમાં અભ્યાસની ગુણવત્તા ઘણી સારી હોવા ઉપરાંત છેલ્લા લગભગ એક દાયકાથી એમ.બી.બી.એસ., ડેન્ટલ અને નર્સીંગનો કોર્સ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટેનો કુલ ખર્ચ ભારતના પ્રમાણમાં ઘણો ઓછો છે. યુક્રેનમાં છ વર્ષના એમ.બી.બી.એસ. કોર્ષનો કુલ ખર્ચ પાંત્રીસ હજાર ડોલર જેટલો આવે છે જે ખર્ચ ભારતમાં યુક્રેન કરતાં લગભગ ચાર ઘણો વધુ છે. આ સંજોગોમાં કોઇ પણ વિદ્યાર્થી એનું સ્વપ્ન સાકાર કરવા યુક્રેન જવાનું પસંદ કરે એ સ્વાભાવિક છે. જ્યાં સુધી મોટા ભાગનાં વિદ્યાર્થીઓને પરવડી શકે એવી સારી કોલેજ–હોસ્પિટલો, દરેક ક્ષેત્રે ધંધા–વ્યવસાય અને નોકરીની પૂરતી તકો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લોકોને વૈકલ્પિક વિકલ્પો શોધતાં રોકી ન શકાય. આ કારણોને લીધે જ તો વર્ષોથી આપણા દેશના બુધ્ધિધનનો લાભ અન્ય વિકસિત દેશોને મળી રહ્યો છે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ . આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.