દમણ : સંઘપ્રદેશ દમણમાં (Daman) ફરી ડિમોલિશનની (Demolition) કાર્યવાહી પ્રશાસને શરૂ કરતાં ગેરકાયદે (Illegal) દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પ્રશાસને ડાભેલ (Dabhel) વિસ્તારની 2 ચાલની બિલ્ડીંગ (Building) અને એક સ્કૂલ (School) સાથે અન્ય નાના મોટા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
- દમણ પ્રશાસને ફરી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરતાં ગેરકાયદે દબાણકર્તાઓમાં ફફડાટ
- ડાભેલની 2 ચાલની બિલ્ડીંગ અને એક સ્કૂલ સાથે અન્ય નાના મોટા દબાણો હટાવી દેવાયા
- દબાણકર્તાઓને ગેરકાયદે દબાણ દૂર કરવા નોટિસ છતાં અવગણના કરાતા કાર્યવાહી
છેલ્લા ઘણા સમયથી દમણનાં વિવિધ વિસ્તારોમાં સરકારી જમીન અને નહેર પર કરાયેલા દબાણોને પ્રશાસને સમયાંતરે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ કોવિડ-19 અને લોકડાઉનને લઈ આ કાર્યવાહીને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે ફરી પ્રશાસને પ્રદેશની નહેર અને સરકારી જમીન પર કરેલા ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સોમવારે પ્રશાસને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડાભેલનાં તળાવ ફળિયા પાસે દિવ્ય જ્યોતિ સ્કૂલ જેમણે નહેરની જમીન પર સ્કૂલની દિવાલ ચણી દીધી હતી. એ દિવાલ પર બુલડોઝર ફેરવી તેને દૂર કરવાની કાર્યવાહી કરી હતી. ડાભેલ વિસ્તારમાં જ આવેલી 2 ચાલની બિલ્ડીંગ જેણે નહેર પર ગેરકાયદે દબાણ કરી ચાલને ઉભી કરી દીધી હતી. એ ચાલના દબાણને બૂલડોઝરની મદદથી દૂર કરવાનું શરૂ કર્યું હતું.
જો કે, પ્રશાસન દ્વારા અગાઉ આ અંગે દબાણકર્તાઓને ગેરકાયદે દબાણ દૂર કરવા માટે નોટિસ ફટકારી હતી. તેમ છતાં નોટિસની અવગણના કરી ચાલ માલિકોએ રૂમ ખાલી નહીં કરતા આજે રૂમમાં રહેતા પરપ્રાંતિય પરિવારોએ ડિમોલિશન વેળાએ પોતાના ઘર વખરીના સામાન સાથે ઘર ખાલી કરી બહાર જતાં જોવા મળ્યા હતા. ડાભેલની નહેર પર કરેલા ગેરકાયદે દબાણોને દૂર કર્યા બાદ આગામી દિવસોમાં પ્રદેશનાં અન્ય વિસ્તારોમાં જેમણે સરકારી જમીન અને નહેર પર કબ્જો કરી દબાણ કર્યું હશે, એવા દબાણોને દૂર કરવાની કાર્યવાહી પ્રશાસન દ્વારા કરવામાં આવશે.
આહવા નજીકનાં ઘાટમાં બે બાઇક વચ્ચેના અકસ્માતમાં એકનું મોત
સાપુતારા : ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇને જોડતા રાજ્ય ધોરીમાર્ગનાં શિવઘાટનાં વળાંકમાં બાઇક ચાલકે અન્ય બાઇકને રોંગ સાઈડથી ભટકાવતા થયેલા અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગતરોજ આહવાનો સંજયભાઈ ફકીરા મોહિતે વ્યારાથી કામકાજ પતાવી મોટરસાઇકલ ન. જી.જે. 30 બી 6147 પર સવાર થઈ આહવા આવી રહ્યો હતો. તે દરમ્યાન આહવાથી વઘઇને સાંકળતા રાજ્યધોરી માર્ગનાં શિવઘાટ આંબાનાં વળાંકમાં સામેથી અન્ય બાઇક ન. જી.જે. 05 એમ.એ. 0378નાં ચાલકે રોંગ સાઈડમાં હંકારી અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહી આહવાનાં બાઇક ચાલક સંજય મોહિતેને ગંભીર ઈજા પહોચતા તેનું મોત નિપજ્યુ હતુ. જ્યારે અકસ્માત કરી અજાણ્યો નાસી છૂટયો હતો. આ બનાવ સંદર્ભે આહવા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.