ભક્તિ અને યોગબળની વાતને સમજ્યા. હવે ભગવાન અક્ષરબ્રહ્મનો મહિમા વર્ણવે છે. આ અક્ષરબ્રહ્મને પામવા માટે અનિવાર્ય તત્ત્વ બ્રહ્મચર્ય અને વૈરાગ્યને આ અંકમાં સમજીએ.
ભગવાન કૃષ્ણ કહે છે-
“यदक्षरंवेदविदोवदन्ति विशान्तियद्यतयोवीतरागा:।
यदिच्छन्तोब्रह्मचर्यंचरन्ति तत्तेपदंसंग्रहेणप्रवक्ष्ये।।૮/૧૧”
“અક્ષરધામને પામવા ઇચ્છુક મુક્તો જગતના પંચ વિષયોથી અલિપ્ત થઈ બ્રહ્મચર્યનું આચરણ કરે છે અને એવા નિર્વાસનિક જે ધામને પામે છે તેને વેદના વિદ્વાનો અક્ષરબ્રહ્મ કહે છે. એ અક્ષરબ્રહ્મનું નિરૂપણ હવે હું કરીશ.”
મિત્રો, આપણા નેત્રરૂપી કેમેરાના લેન્સને બ્રહ્મચર્ય શબ્દ પર કેન્દ્રિત કરીએ તો સમજાશે કે આ શબ્દ વ્યાપક અર્થમાં બ્રહ્મની ચર્યા એટલે કે અક્ષરબ્રહ્મની સેવા, પરિચર્યા અને પ્રસંગ સાથે સંબંધિત છે. વળી, બીજા અર્થમાં બ્રહ્મચર્ય શબ્દ ઇંદ્રિયોના સંયમને દર્શાવે છે. હા, નિયમ અને ધર્મથી સુરક્ષિત સંયમ! વસ્તુત: પથ પરમ મુક્તિનો હોય કે લૌકિક ભક્તિનો, નિયમમાં દૃઢતા તો અનિવાર્ય છે. સફળતાની સફર સારુ આ સિદ્ધાંત સર્વ સામાન્ય અને અનિવાર્ય છે. હા, જો પાંખો વિના પક્ષી ઊડી શકે, આત્મા વિના માનવ જીવી શકે, આંખો વિના જો બાહ્ય દૃશ્ય જોઈ શકે, જીભ વિના સ્વાદ પરખ કરી શકે તો જ નિયમ કે અનુશાસન વિના માનવ સફળતાનાં ચઢાણ કરી શકે. લૌકિક ક્ષેત્રની વાત કરીએ તો તાજેતરમાં ભારતીય ક્રિકેટ રસિયાઓના હોઠે અને હૈયે રમતું નામ એટલે ‘વિરાટ કોહલી’! પરંતુ શું વિરાટ કોહલીના પ્રચંડ પુરુષાર્થ સાથેની નિયમની દૃઢતાને તમે જાણો છો?
વિરાટ કોહલીના જીવનમાં નિયમ પ્રત્યે દૃઢતા જ તેની વિરાટ સિદ્ધિનું રહસ્ય બની છે. તેના ક્રિકેટ કોચ રાજકુમાર કહે છે કે “વિરાટ કોહલી જેવી વિજય માટેની તીવ્ર અપેક્ષા અને પ્રચંડ પુરુષાર્થ ક્યાંય જોવા મળતો નથી. વળી નિયમપાલન પણ દૃઢ!” વિરાટ કોહલીએ નિયત ધોરણે કરવાના વ્યાયામમાંથી કદાપિ રજા લીધી નથી કે ‘આજે ચાલશે’. તેથી જ સિદ્ધિ સ્વયં વિરાટનાં કદમો ચૂમે છે. વિરાટે રોજ કરવાની મહેનતથી મુખ મોડનારાને નિયત નિયમમાં અડગ રહેવા શીખ આપી છે કે“This is boring because we have to do it daily but there are no other options ” અર્થાત્ “નિયમ પાળવા કઠીન કે કંટાળાનું કામ હોય છતાં દૈનિક ધોરણે એ પાળવા જ પડશે, એ વિના બીજો વિકલ્પ નથી.” હા, વહેલા ઊઠીને શાળાએ જનાર વિદ્યાર્થીને પથારી છોડવી કઠણ પડતી હોય, બીમારી કે ડાયાબીટીસના દર્દીને સ્વાસ્થ્યમાં હાનિકારક એવી સ્વાદિષ્ટ વાનગી છોડવી અઘરી પડતી હોય છે, જરૂર વિના Whats App-Facebook ના ઉપયોગ પર રોક લગાવવી કઠીન પડતી હોય તો પણ એ કરવું જ પડશે કારણ કે પ્રગતિ પામનાર માટે આ સોપાન અનિવાર્ય છે, જે માટે મનમાં દૃઢતા રાખવી જ પડશે.
તારીખ 14/11/1974 પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની દક્ષિણ આફ્રિકામાં ‘સિવિક સેન્ટર’માં જો’બર્ગના મેયર એચ.એફ.ડેવિસ સાથે મુલાકાત યોજાઇ. વળી તેઓએ સવારે 9:00 વાગ્યે પ્રમુખસ્વામી મહારાજને પ્રેમપૂર્વક વિવિધ ફળફળાદિ અને ખાદ્યપદાર્થો અર્પી અંગીકાર કરવા વિનંતી કરી, ત્યારે બાપાએ નમ્રતાથી જણાવ્યું કે “આજે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવાનો છે. તે ધરાવી, આરતી કરીને પછી જ અમે અન્ન, ફળ ગ્રહણ કરીશું, આવો અમારો નિયમ છે.” ‘હું ના કહીશ તો મેયરને ખોટું તો નહીં લાગે ને?’ ‘અરે, આજે વાંધો નહીં’ કે ‘ચાલો થોડું લઈ લઈએ’. એવા વિચારો બ્રહ્મચર્યનિષ્ઠ વ્યક્તિમાં કદાપિ જોવા ન મળે, તો બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજમાં આવી વાત ક્યાંથી બને.
ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે “પોતાને ઇષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાટે દૃઢ કરીને પાળે પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે…અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ-પરદેશમાં જાય ને ત્યાં કનક-કામિનીનો યોગ થાય તો પણ તેમાં ફેર પડે નહીં અને પોતાના જે જે નિયમો હોય તે સર્વે દૃઢ કરીને રાખે, તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય.” આમ, જેમાં આવી હિમાલય જેવી નિયમ પાલનમાં દૃઢતા હોય તો જ સંયમ રહી શકે. ઉપરના શ્લોકમાં ‘બ્રહ્મચર્ય’ અને ‘વીતરાગ’ શબ્દ દ્વારા મર્યાદા, વૈરાગ્ય અને સંયમને બ્રહ્માની પ્રાપ્તિ માટે અનિવાર્ય તત્ત્વ ગણાવ્યાં છે. આમાં સંયમ એક દૃઢ થતાં સર્વે દૃઢ થાય છે માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે “ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું (બ્રહ્મચર્ય) હોય તો સર્વે સાધન આવે.” તો ચાલો, લૌકિક-અલૌકિક માર્ગે આરોહણ કરવા માટે નિયમ-ધર્મ દૃઢ રાખીને સંયમ દ્વારા અક્ષરબ્રહ્મનો પ્રસંગ કરીએ.