Business

આ તે કેવો વધુ પડતાં સુખનો સંતાપ?!

ચોતરફ બધાનાં મન  આકુળ-વ્યાકુળ છે. એક જાતનો અજંપો છે. વિશ્વભરના લોકોને રશિયા-યુક્રેનના યુદ્ધને લીધે વધી રહેલી આર્થિક સંકડામાણ-ભીંસ પજવી રહી છે એ સાચું પણ  સદભાગ્યે એમને ઉત્તર કોરિયા જેવો પેલો ગાંડો પ્રેસિડન્ટ નામે કિમ જોંગ પણ નથી ભટકાયો. આમ છતાં, દક્ષિણ કોરિયાની પ્રજા ન જાણે કેમ કોઈ બીજા જ ભયથી ચિંતિત છે. મનોચિકિત્સકો આને એક પ્રકારની  ‘છતની વ્યથા’ તરીકે ઓળખાવે છે. અભાવ -અછત તમને શારીરિક-માનસિક કે આર્થિક રીતે પજવી શકે પરંતુ તમે આર્થિક રીતે  ધાર્યા કરતાં વધુ સશક્ત હો અને નાણાંકીય ભીડ જો તમને ન નડતી હોય તો  તમારા ઘણા પ્ર્શ્નનો નિકાલ આવી જાય પરંતુ દક્ષિણ કોરિયાના લોકો સાથે એવું નથી.

ત્યાંથી મળેલા તાજા અહેવાલો મુજબ મહામારી કોરોના પછી  સાઉથ કોરિયાની 70% ટકાથી વધુ પ્રજા એક પ્રકારના ટેન્શનમાં જીવી રહી છે. પહેલેથી જ  સ્પર્ધાત્મક તાસીર ધરાવતી આ પ્રજાને પોતાનાં  કામ-ધંધા-વ્ય્વસાયમાં ધાર્યા કરતાં વધુ સફળતા મળી રહી છે પણ મનની ખરી શાંતિ એમને ખો દઈને દૂર દૂર છટકી ગઈ છે. પોતે જે પ્રકારની શાંતિ ઈચ્છે છે એના માટે પરિવારથી દૂર રહેવા એ ઈચ્છે છે. સામેથી પૈસા આપીને એ જેલ સુદ્ધાંમાં દિવસો પસાર કરવા માગે છે. દક્ષિણ કોરિયનનો એક વર્ગ એવો છે જે મોબાઈલ-લેપટોપ ઘેર પડતા મૂકીને હાથમાં એકાદ નોટબુક-પેન કે પેન્સિલ લઈને દૂર દરિયા કિનારે કે પર્વત – ટેકરી પર ચાલ્યા જાય છે તો કેટલાક અવાવરુ – એકાંત રેસ્ટોરાંમાં કલાકો સુધી કૉફી ઢીંચતા – જૂનાં ગીતો સાંભળતા બેસી રહે છે. આવી અર્થહીન પ્રવૃત્તિ ત્યાં ‘હિટિંગ ધ મોંગ કલ્ચર’ તરીકે ઓળખાય છે. હકીકતમાં સૈકાઓ પૂર્વે બીજાથી સાવ અલિપ્ત રહેતા ચીન-કોરિયાના આદિવાસીઓ ‘(હ)મોંગ’ તરીકે જાણીતા હતા એટલે દક્ષિણ કોરિયામાં આજકાલ આવી ‘કામ વગરની પ્રવૃત્તિ’ માટે આ શબ્દપ્રયોગ વધુ થાય છે. આવા લોકો મોટેભાગે કોઈની સાથે વાત કરતાં નથી. એકલતા  એમને  કોરી ખાય છે છતાં મોટેભાગે મૌન પાળે છે અને એ મૌન-એકલતામાંથી મનની ખરી શાંતિ શોધવાના પ્રયાસમાં રહે છે.… આ પણ વિધિની કેવી અવળચંડાઈ છે કે અહીં ઉપરવાળાએ સુંડલો ભરીને સુખ આપ્યું છે છતાં અહીં બધાં શાંતિ  નામના પ્રદેશની ખોજમાં નીકળી પડ્યા છે.…

યુક્રેન : છોટા બચ્ચા  જાન કે યારો

ધાર્યું હતું એવું કંઈ ન થયું. શરૂઆતમાં દુનિયા આખીને હતું કે રશિયા-યુક્રેન વચ્ચે અથડામણ તો ઠીક પણ યુદ્ધની નોબત નહીં જ આવે પરંતુ એ પણ ન થયું. યુક્રેને પીછેહઠ ન કરી પછી  રશિયાએ એવું જબરું આક્રમણ કર્યું કે ફરી દુનિયાવાળાને થયું : હવે તો ગણતરીના કલાકોમાં ‘ભઈસા’બ, અમે તમારી ગાય છીએ’ એમ કહીને રશિયાના પુતિનના પગ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી પકડી લેશે. ના, એ પણ ન થયું. રશિયા બે દિવસમાં યુક્રેનની પથારી ફેરવી નાખશે એવી ધારણા પણ યુક્રેને  ધરાર ખોટી પાડી. યુદ્ધ-વિરામ ન થાય તો આજે લગભગ પખવાડિયું થવા આવ્યું છતાં યુક્રેનનું સૈન્ય પ્રજાના સથવારે રશિયા સામે જબરી ટક્કર લઈ રહ્યું છે અને આપણી પેલી સુપરહીટ ફિલ્મ ‘પુષ્પા’ના સુપરહીરોની જેમ યુક્રેનવાળા  મગરૂબીથી પુતિનને જાણે કહી રહ્યા છે: ‘ઝુકૂંગા નહીં…! ’

ખેર, આ તો બધી યુદ્ધની વાત થઈ. જબરજસ્ત કુદરતી સૌન્દર્ય ધરાવતાં યુક્રેનની ઘણી બધી અજાણી વાતો જાણવા જેવી છે….

  • આશરે 6 લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતાં યુક્રેનની વસતિ છે માંડ સાડા ચાર કરોડની. આમ છતાં એની ગણના યુરોપના સૌથી મોટા રાષ્ટ્ર તરીકે થાય છે….
  • ૧૯૯૧ પહેલાં એ સોવિયટ યુનિયનનો એક ભાગ હતું. પછી એ  સ્વતંત્ર થયું .રાજધાની કિવમાં આવેલું આરેનિયાના નામનું  મેટ્રો સ્ટેશન વિશ્વનું  સૌથી ઊંડું ભૂગર્ભ સ્ટેશન છે.  એ ધરતીથી નીચે ૧૦૫ મીટરની ઊંડાણમાં છે….
  • કિવમાં આવેલું  ‘મેકડૉનાલ્ડસ’ જગતનું સૌથી વ્યસ્ત ફાસ્ટ ફૂડ રેસ્ટૉરાં ગણાય છે.
  •  આ બધા ઉપરાંત, આપણને એ પણ જાણ નથી કે યુક્રેન જેવા ટચૂકડા દેશને નામે આજની ટેક્નોલોજીની અનેક સિદ્ધિ પણ અંકિત છે. ઉદાહરણ જોઈએ….
  • મેસેજની લેતી-દેતી માટે જે આજે અવ્વલ છે એ ‘વોટસઍપ’ ઍપ બનાવનાર જાન કોઉમ મૂળ યુક્રેનના પાટનગર કિવમાં જન્મ્યો અને ઉછેર્યો છે.
  • ઑનલાઈન ડિજિટલ પેમેન્ટ માટે ‘પેપલ’ કે ‘પેપાલ’ તર્રીકે ઓળખાતી સર્વિસ પણ શરૂ કરનાર મેક્ષ લેવચીન પણ યુક્રેનનો વતની છે. એની ‘એફર્મ’ કંપની આજકાલ વધુ આધુનિક ક્રેડિટ નેટવર્ક સિસ્ટમ વિકસાવી રહી છે.
  • યુકેનની ‘રેડલી’ નામની કંપની અનેકવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સના સરળ ઉપયોગ માટે અવનવી ઍપ્સ બનાવે છે. આઈગોર ઝેહડાનોવ અને એના ત્રણ મિત્રોએ એક નાનકડા ફ્લેટમાં શરૂ કરેલી આ ઍપ્સ કંપની પાસે આજે 1 લાખ 87 હજારથી વધુ ગ્રાહક છે. આ કંપની આજે મુખ્યત્વે ‘એપલ’ માટે વિવિધ ઍપ્સ વિકસાવે છે….
  • સૌથી ઝડપી ફોટા તથા મેસેજ માટે ‘સ્નેપચેટ’ ઍપ યુવા પેઢીમાં બહુ ફેમસ છે. એને પણ માર્કેટમાં લાવનાર લુકશેરી નામનો યુક્રેનવાસી યુવાન છે…
  • સાચા અને શુદ્ધ વ્યાકરણના ઉપયોગ માટે બહુ પ્રખ્યાત એવી ઍપ ‘ગ્રૅમરલી’  પણ યુક્રેનના મેક્સ લેટવિયન અને એના બીજા બે મિત્રએ વિકસાવી છે. આજે એમની કંપનીની માર્કેટ વેલ્યુ 13 અબજ ડોલર છે…!
    ટૂંકમાં, યુક્રેન છે નાનો પણ છે રાઈનો દાણો!

ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
 ક્યારેક  ‘ઈશિતા’ને  લખાણ કરતાં આંક્ડાબાજીની રમતમાં વધુ જલસો પડે છે. આજે અહીં  આવા કેટલાક  આંકડાનો ઝટપટ  આનંદ ઉઠાવીએ. …જેમ કે:
# કોરોના  વેક્સિન  બનાવતી ફાઈઝર -મેડોર્ના-બાયોનટેક જેવી ફાર્માસ્યુટિકલ કંપની શરૂઆતમાં પ્રત્યેક 60 સેક્ન્ડે 1000 ડોલર નફો રળતી હતી….
# કેટરિના કેફ અને વિક્કી કૌશલના વેડિંગ ફોટાઓને  1 કરોડ અને 20 લાખ જેટલી ‘લાઈક્સ’ મળી હતી જે બોલીવૂડ સ્ટાર્સ મેરેજનો એક વિક્રમ છે….
# કોરોના મહામારી દરમિયાન યોજાયેલા છેલ્લા કુંભમેળામાં 70 લાખ આસ્થાળુઓએ ભાગ લીધો હતો જે એક રૅકોર્ડ છે….
# છેલ્લા ઑગસ્ટ મહિનાના એક જ દિવસમાં ભારતભરમાં 1 કરોડ જેટલી કોવિડની રસી મૂકવામાં આવી હતી. આ વિક્રમનું અત્યાર સુધીમાં 6 વાર પુનરાવર્તન થયું છે….

* ઈશિતાની એલચી *
પ્રશ્ન: કરીએ ત્યારે એ ખોટી લાગે પણ સાંભળીએ ત્યારે સાચી લાગે એ શું?
ઉત્તર : ખુશામત…!!

Most Popular

To Top