પુસ્તકો સાચા અને સદૈવ સાથ આપનાર મિત્રો છે. ગમેતેવી મુશકેલ પરિસ્થિતિમાં પુસ્તકોનો સહારો માણસને યોગ્ય રાહ ચીંધે છે. માનસિક રીતે હારી ગયેલાઓ પુસ્તકોનાં શરણે જઈ, જીવન જીવવાની જડીબુટ્ટી મેળવી, એક ઉંચાઈએ પહોંચ્યાના અનેક પ્રસંગો છે. સારાં, મૂલ્યનિષ્ઠ પુસ્તકો વાંચનારની વિચારશરણી જ અલગ હોય છે. સારા વાચક હંમેશા દુનિયાની ભીડમાં પણ અલગ તરી આવે છે. આટલું મહત્વ પુસ્તકો ધરાવતાં હોવા છતાં લોકો બે પાંચ પુસ્તકો ખરીદવામાં પણ ડીસ્કાઉન્ટ ઓફરની રાહ જુએ છે. હદ થઈ ગઈ ને ! પોતાનાં પુસ્તકો લોકાભિમુખ કરવા, વાચકોને પુસ્તકો ખરીદવા નિમંત્રિત કરવા દરેક સાહિત્યને લગતાં કાર્યક્રમોમાં કે પુસ્તક વિમોચન દરમ્યાન પણ અડધી કિંમતે પુસ્તકો મળશે એવી જાહેરાત સુજ્ઞ સમાજ માટે જરાય શોભાસ્પદ નથી. બર્થડે, લગ્નોત્સવ કે સામાજિક સમારોહમાં હજારોનો ખર્ચ કરતાં ન અચકાતા લોકોને માત્ર ૫૦,૧૦૦નું પુસ્તક પણ અડધી કિંમતે કે ડીસ્કાઉન્ટ ઓફરથી જોઈએ !
શૈક્ષણિક સંસ્થાઓનાં , ગામના કે કસબાઓનાં પુસ્તકાલયોનાં કબાટ ચિત્કારતા હોય છે કે કોઈ વાચક આવે અને મારાં કટાઈ ગયેલાં તાળાં ખોલે ! ડીસ્કાઉન્ટ ઓફર પુસ્તકોમાં હોવી જ ન જોઈએ એવું હું અંગત રીતે માનું છું. કારણ એક લેખક પોતાના વિચારો,અનુભવો,જિંદગીનો નિચોડ , વિષય અંગેનું જ્ઞાન આ તમામનો સમન્વય કરી વાચક સમક્ષ એક સુંદર પુસ્તક મૂકે છે.એક માતા પ્રસુતિ સમયે જે પીડા સહન કરે છે એવી પીડા લેખક અનુભવે છે.દિવસ રાત સતત પુસ્તક લેખનનાંજ વિચારોમાં હોય છે. પ્રુફ, પ્રકાશન અને વિમોચન સુધીની પ્રક્રિયા ખૂબજ જટિલ છે. અને આપણે જે ચીજો નુકશાન કરે છે તે ભાવતાલ વગર ખરીદી લઈએ અને જે હંમેશા આપણી સાથે રહે પરિવારને અને બીજાને પણ મદદરૂપ થાય એવાં પુસ્તકોની ખરીદીમાં કરકસર ! વાહ રે માણસ !
સુરત – અરૂણ પંડ્યા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.