Madhya Gujarat

મુસ્લિમ યુવતીને ડોલીમાં બેસાડી હિન્દુ ભાઇઓ નિકાહ પઢાવ્યાં

નડિયાદ: જાત-પાત, જ્ઞાતિ, હિન્દુ મુસ્લિમ આ બધા ભેદભાવ એવા લોકો માટે જ છે જેઓ શાંતિનો સંદેશો સમાજને પાઠવવા નથી માંગતા. અબ્દુલ કલામ જેવા મુસ્લિમ મહાનુભવ અનેક હિંન્દુ યુવકોના પથદર્શક બન્યા છે, તો ગાંધીજીની આત્મકથાને કેટલાય મુસ્લિમ યુવકોએ અનુસરી છે. કોમી એકલાસની માત્ર વાતો કરતાં લોકો અને સમાજ માટે ઉદાહરણ પૂરૂ પાડનારી સુખદ ઘટના ખેડામાં બની છે. જ્યાં હિન્દુ દીકરીના લગ્નમાં મુસ્લિમ યુવકે ભાઇ તરીકે પૌંસ ભરી હતી, તો સામે હિન્દુ યુવકોએ ભાઇ બનીને મુસ્લિમ યુવતીના નિકાહમાં તેની ડોલી ઉપાડી હતી. ખેડા જિલ્લાનું ખેડા નગરમાં વારંવાર થતી કોમી અથડામણને લઇને અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે.

જરાક કાંઇ તકરાર થાય કે તુરંત જ છમકલું થાય તેવી સ્થિતી છાશવારે ઉભી થાય છે. કોમી એખલાસની લોકો વાતો કરતાં રહે છે ત્યારે ખેડાના જ પરિવારે કોમી એખલાસનું સર્વોત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. ખેડાના સૈયદવાડા વિસ્તારમાં રહેતા ઝહીરભાઇ મલેકની પુત્રી તંજીલબાનુનો નિકાહ મુસ્લિમ રિતી-રિવાજ મુજબ યોજાયો હતો. જોકે, ઝહીરભાઇના ખાસ મિત્ર હિન્દુ હોવાથી તેઓએ પુત્રીને નિકાહ બાદ ડોલીમાં બેસાડીને સ્ટેજ સુધી લઇ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મિત્રતામાં જાત-પાત આવે જ નહીં. બસ, ઝહિરભાઇના મિત્રોએ તેમની આ ઇચ્છાને શિરોમાન્ય કરી અને ભાઇની ફરજ નિભાવી તંજીલબાનુને નિકાહ બાદ ડોલીમાં બેસાડીને સ્ટેજ સુધી લઇ ગયા. આ સમયે ત્યાં હાજર મુસ્લિમ બિરાદરો પણ કોમી એખલાસની આ ક્ષણને કચકડે કંડારવાનું ચૂક્યા ન હતા. એક તરફ અશાંતિ અને અજંપાઓની વચ્ચે આ ઘટના સુખદ શાંતિ બનીને ખેડાના રહીશોના માનસપટ પર સદૈવ જીવંત રહેશે.

હિંન્દુ પરિવારની વચ્ચે જ મોટો થયો છું
મારો જન્મ ભાથીવાડામાં થયો હતો. ત્યાં હિંદુઓની વસ્તી છે. ધોરણ 12 સુધી તે જ વિસ્તારમાં રહીને મોટો થયો અને પછી પણ મારો બિઝનેસ, જમીન પણ તેઓની સાથે સંકળાયેલા છે. અમારું આ કાર્ય જોઈને બીજા કોઈના વિચારોમાં પણ પરિવર્તન આવે અને કોમી એકતાનો એક સમાજમાં મેસેજ જાય તે હેતુથી આ કર્યું છે. મારે હિન્દુ મિત્રો સાથે પારિવારિક સબંધ છે અને એ આજીવન રહે તેવી અલ્હાને દુઆ પણ કરૂં છું. – ઝહીરભાઇ મલેક
૪૨ વર્ષથી અમારી પારિવારિક સંબંધ છે
મારે ઝહીરભાઇ સાથે ૪૨ વર્ષથી પારિવારિક સબંધ છે. તેઓ મારા ખાસ મિત્ર છે. મારી દીકરી જાનવીના લગ્ન હમણાં ૧૦ મી ફેબ્રાઆરીના થયા. લગ્નના ચોથા ફેરા વખતે ઝહીરભાઈના પુત્રએ મારી દીકરીની હિન્દુ વિધી પ્રમાણે પૌંસ ભરાવી હતી અને તેણે સહર્ષ પોતાના કપાળે ચાંદલો પણ કરાવ્યો હતો. – રોહિતભાઇ પટેલ

નિકાહમાં હિન્દુ પરંપરાનો સમન્વય સધાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી
ઝહીરભાઈએ પોતાના હિન્દુ મિત્રોને તેમની દીકરીના લગ્નના આગલા દિવસે જણાવ્યું કે, મારે પણ કોઈ એક કાર્ય હિન્દુ વીધિ પ્રમાણે કરવું છે. નિકાહમાં હિન્દુ પરંપરાનો પણ સમન્વય સાધી સમાજમાં કોમી એખલાસનો એક સંદેશો આપીને, એક નવો ચીલો ચિતરવો છે. તેમણે જણાવ્યું કે, મારી દીકરીના નિકાહ થઈ જાય બાદમાં તેને સ્ટેજ પર લઈ જવા માટે હિન્દુ મિત્રો આવે. તેમના વિભારને સહુએ વધાવી લીધો અને દીકરીને ડોલીમાં બેસાડીને સ્ટેજ સુધી લઇ ગયા.

Most Popular

To Top