SURAT

ભારતના વિવિધ રાજ્યોમાં ઉજવાતી હોળી જોવી હોય તો સુરત આવવું પડે, અહીં 7 પરંપરા પ્રમાણે થાય છે ઉજવણી

સુરત: (Surat) ફાગણ પૂર્ણિમાના રોજ હોળિકા દહન અને બીજા દિવસે રંગોત્સવની ઉજવણી (Celebration) કરવામાં આવે છે. ત્યારે દરેક સમાજમાં પોતાની પરંપરા પ્રમાણે અલગ રીતે ઉજવણી થાય છે. ઉત્તરભારતીય, તેલુગુ, પંજાબી, રાજસ્થાની અને મહારાષ્ટ્રિયન સમાજ દ્વારા હોળીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. સુરત શહેરની પચરંગી વસ્તીમાં હોળીના પર્વની ઉજવણી પણ અનોખી રીતે થાય છે. વર્ષોથી સુરતમાં આવી વસતા વિવિધ સમાજના લોકોએ પોતાની પરંપરા આજે પણ ચાલુ રાખી છે. શહેરના વિકાસને કારણે અહીં સમગ્ર દેશના લોકો આવીને વસ્યા છે. ઉત્તર ભારતીય, તેલુગુ, પંજાબી, રાજસ્થાની અને મહારાષ્ટ્રિયન સમાજ દ્વારા પોતપોતાની પરંપરા પ્રમાણે હોળીની (Holi) ઉજવણી કરાય છે. શહેર ભલે એક છે પણ તેની પચરંગી વસતીના રંગ (Colors) આજે પણ અનેક રીતે જોવા મળે છે.

પંજાબી સમાજમાં હોળી પ્રગટાવાતી નથી, સ્નેહમિલન સમારોહ યોજાય છે
પંજાબમાં હોળી પ્રગટાવવાનો રિવાજ નથી, આથી શહેરના પંજાબી સમાજ દ્વારા સુરતમાં હોળી પ્રગટાવાતી નથી. હોળીના દિવસે ઘરે એકબીજાને મળવા જાય છે. ત્યારબાદ એકબીજાને ભેટી ગુલાલથી હોળીની વધામણી આપવામાં આવે છે. ધૂળેટીના દિવસે સમગ્ર પંજાબી સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાય છે. આ સમારોહમાં વડીલો બાળકોને આશીર્વાદ આપી ચંદનનું તિલક કરવામાં આવે છે. ત્યારબાદ બાળકો અને યુવાનો દ્વારા નૃત્ય-ગીતોનો કાર્યક્રમ યોજાય છે. અંતમાં સાથે ભોજન લે છે.

ઉત્તર ભારતીય સમાજમાં માલપુડા-ભાંગ ખાવાનો રિવાજ
ઉત્તર ભારતીય સમાજ દ્વારા બનારસના પંચાગના મુહૂર્ત પ્રમાણે હોળી પ્રગટાવાય છે. હોળી પ્રગટાવ્યા બાદ હોળીકાનું મૃત્યુ થયું હોવાથી ઘરના નાના-મોટા સૌ હોળી પ્રગટાવ્યા બાદ ભોજન કરતા નથી, પરંતુ તે પહેલાં ભોજન કરી લે છે. સવારે જ ભગવાનને માલપુડા, શાક, પુરી અને ભાંગનો પ્રસાદ ચઢાવાય છે. ત્યારબાદ ઘરે આવતા મહેમાનોને હોળીની શુભેચ્છા અપાય છે. સાંજે હોળીની પૂજા કરી ઘરમાં બનાવેલો પ્રસાદ હોળીકા માતાને ધરાવાય છે. ધૂળેટીના દિવસે સવારે સ્નાન કરી ભગવાનને અબીલ-ગુલાલથી રંગવામાં આવે છે. ત્યારબાદ જાતે તિલક કરી મિત્રો-સંબંધીઓને રંગે છે. ઘરે આવેલા મહેમાનોને માલપુડા અને ભાંગ ખાસ અપાય છે.

બંગાળી સમાજમાં ફકત અબીલથી જ ધૂળેટી રમાય છે
બંગાળી સમાજ દ્વારા સવારે ઘરે નારાયણ ભગવાનની પૂજા કરી એકબીજાના ઘરે જઈ હોળીની શુભેચ્છા આપે છે. સાંજે હોળી પ્રગટાવી તેની પરંપરાગત રીતે પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ શ્રીફળ હોમી નાના-મોટા સૌ લોકો અબીલ-ગુલાલથી એકબીજાને રંગે છે. ધૂળેટીના દિવસે નાના-મોટા સૌ એકબીજાને પ્રેમથી મળે છે. એકબીજાને રંગવા માટે કોઈ કલર કે ગુલાલનો ઉપયોગ કરાતો નથી, ફકત અબીલનો ઉપયોગ કરવામાં આવે છે.

રાજસ્થાની સમાજમાં શત્રુને પણ મિત્ર બનાવાય છે
રાજસ્થાનમાં ફાગણના પ્રારંભથી જ નૃત્ય અને ગીતોનો માહોલ શરૂ થઈ જાય છે. મહિના પહેલા હોળીના સ્થળે દાંડો રોપી ત્યાં જ હોળી તૈયાર કરાય છે. ત્યારબાદ ધૂળેટીના દિવસે એકબીજાના ઘરે જઈ ગુલાલ, અબીલ અને કલરથી રંગે છે. આખા વર્ષમાં કોઈની સાથે દુશ્મની થઈ હોય તો તેને પણ પ્રેમથી ભેટી મિત્ર બનાવી લે છે.

માહેશ્વરી સમાજમાં પરંપરાગત હોળિકા માતાની પૂજા થાય છે
માહેશ્વરી સમાજમાં દ્વારા હોળીના દિવસે જે તે સ્થાન પર પ્રહલાદના પ્રતીક રૂપ દાંડો રોપવામાં આવે છે. તેની ફરતે હોળીકાના પ્રતીક તરીકે લાકડા અને છાણાં મૂકવામાં આવે છે. હોળી પ્રગટાવી પ્રહલાદનો બચાવ થયો હોવાથી તેના પ્રતીકરૂપ દાંડાને પાછો કાઢી લેવામાં આવે છે. પ્રથમ પુરુષો અને ત્યારબાદ મહિલાઓ હોળીકામાતાની પૂજા કરે છે. ધૂળેટીએ મિત્રોને રંગીને વધાઈ અપાય છે.

અગ્રવાલ સમાજ ધૂળેટીએ ફૂલોની વર્ષા કરે છે
અગ્રવાલ સમાજ દ્વારા દર વર્ષે ફાગણ સુદ અગિયારસથી છાણ ભેગુ કરાય છે. છાણમાંથી હોળીકાનું પ્રતીક તૈયાર કરાય છે. ધૂળેટીના દિવસે સાંજે યુવકમંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે પરવટ પાટિયા ખાતે સમારોહમાં નૃત્ય સાથે ફૂલોની વર્ષા કરાશે.

તેલુગુ સમાજ સુરતી સ્ટાઈલમાં ઊજવે છે
સુરતમાં વસતો તેલુગુ સમાજ અસ્સલ સુરતી સ્ટાઈલમાં હોળી અને ધૂળેટી ઉજવે છે. હોળીના દિવસે હોલીકામાતાની પૂજા કરી પ્રદક્ષિણા કરવામાં આવે છે. ત્યારબાદ શ્રીફળ હોમી ભગવાનને આધિ, વ્યાધિ અને ઉપાધિ હરવા પ્રાર્થના કરવામાં આવે છે. તેલુગુ સમાજના તમામ લોકો માર્કન્ડેય મંદિર સંકુલમાં ઉપસ્થિત રહી હોળી-ધૂળેટીની ઉજવણી કરે છે.

Most Popular

To Top