સુરત : કીમ-કોસંબા રેલ્વે ટ્રેક (Railway track) પર પશુઓ આવી ચઢતા સુપર ફાસ્ટ ટ્રેન (Super Fast Train) ડ્રાઈવરે સાવચેતીના ભાગરૂપે આકસ્મિક બ્રેક (Break) લગાવતા ટ્રેનનું એન્જીન ફેઈલ થઈ ગયું હતું. જોકે, એક મોટી હોનારત ટળી હતી. પરંતુ આને કારણે ડાઉન રેલવે લાઈન પર એક કલાક ટ્રેન વહેવારને મોટી અસર થઈ હતી. જેને કારણે મુસાફરોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
- બનેલી ઘટનામાં મોટી હોનારત ટળી પરંતુ 1500 મુસાફરો હેરાન થઈ ગયા
- એન્જિન ફેઈલ થઈ જતાં તાકીદે નવું એન્જિન લાવીને ટ્રેનને રવાના કરવામાં આવી, અનેક ટ્રેન મોડી પડી
ભારતીય રેલવે ભલે સબ સલામત હોવાનું ગાણું ગાતું રહેતું હોઈ છે. જ્યારે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સ્ટેશનની મુલાકાતે આવવાના હોય ત્યારે સ્ટેશનને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. રેલવે ટ્રેક પર પણ ચકલું ફરકી શકતું નથી પરંતુ શુક્રવારે મોડી સાંજે કીમ-કોસંબા વચ્ચે રેલવે ટ્રેક ઉપર ભેંસો આવી જતા ડબલ ડેકર ટ્રેનનું એન્જીન ફેઈલ થઈ જવા સાથે ટ્રેન 41 મિનિટ વિલંબિત થઈ હતી. મુંબઈ તરફથી ડબલ ડેકર ટ્રેન સુરત સ્ટેશન પસાર કર્યા બાદ ભરૂચ તરફ આગળ વધી રહી હતી ત્યારે સાંજે 6.24 કલાકે કીમ-કોસંબા વચ્ચે મુખ્ય ડાઉન ટ્રેક ઉપર ભેંસો આવી ગઈ હતી. જેને કારણે સલામતીના કારણોસર ટ્રેનને આકસ્મિક બ્રેક લગાવી પડી હતી. જેમાં એન્જીન ફેઈલ થઈ જતા ટ્રેનમાં સવાર મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. રેલવે તંત્ર એ ટ્રેક ઉપર આવી ચઢેલી ભેંસોને દૂર કર્યા બાદ નવા લોકોની વ્યવસ્થા કરી 7.05 કલાકે એટલે કે 41 મિનિટના વિલંબ બાદ ટ્રેનને ભરૂચ તરફ રવાના કરી હતી. જોકે ડબલ ડેકર ટ્રેન આડે ભેંસ ટકરાવવાની ઘટનામાં મોટી હોનારત સદનસીબે ટળી ગઈ હતી અને 1500 જેટલા મુસાફરોનો બચાવ થયો હતો. અકસ્માતને પગલે પાછળ આવતી અન્ય ટ્રેનો પણ મોડી પડી હતી.