Editorial

મહિલાઓ અને પુરુષ વચ્ચેની અસમાનતા દૂર નથી થતી તે વાસ્તવિકતા

આવતી કાલે આઠ માર્ચ છે અને આ દિવસે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઈતિહાસની વાત કરીએ તો સૌ પહેલા આને વર્ષ 1909માં ઉજવવામાં આવ્યો. ત્યારબાદ આ દિવસને 1975માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે માન્યતા આપી. પછી તો દુનિયાભરમાં આને ઉત્સાહપૂર્વક ઉજવવાની શરૂઆત થઈ. આ દિવસ ઉજવવાનો હેતુ મહિલાઓ પ્રત્યે સન્માન, તેમની પ્રશંસા અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો છે. આ દિવસે ખાસ કરીને એ મહિલાઓ પ્રત્યે સન્માન પ્રગટ કરવામાં આવે છે. જેમણે આર્થિક રાજનીતિક અને સામાજીક ક્ષેત્રોમાં મુખ્ય ઉપલબ્ધિયો મેળવી છે. ખાસ કરીને મહિલાઓના સંઘર્ષનો ઉલ્લેખ કરતા તેમની સફળતાની વાનગી રજુ કરવામાં આવે છે. તેનો મતલબ એ નથી કે આ દિવસે ચૂપચાપ જીવી રહેલી ઘરેલુ મહિલાઓનો ઉલ્લેખ જ નથી કરવામાં આવતો.

 આ ઉજવણી દરમિયાન જુદા જુદા નેતાઓ અને સમીક્ષકો મહિલાઓની સુરક્ષા, તેમના હકો અને સમાનતાની મોટી મોટી વાતો કરશે. પરંતુ જ્યારે તેના અમલની વાત આવે ત્યારે આ કોઇ ભાષણબાજ દેખાતા નથી. અન્ય દેશની તો ખબર નથી પરંતુ ભારત માટે આ સનાતન સત્ય છે કે હજી પણ એટલે કે આઝાદીના વર્ષો બાદ પણ તમામ પક્ષના નેતા મહિલાઓને તક મળવી જોઇએ તેવી વાત કરે છે. હવે તક શબ્દનો જ વિરોધ કરવો જોઇઅએ મહિલાઓને તક નહીં મહિલાઓને તેનો અધિકાર મળવો જોઇએે. તક એટલે શું? તક શબ્દની વાત આવે તો પણ પુરુષ અને મહિલા બંનેની વાત થવી જોઇએ. પબરંતુ આપણા દેશની કરુણતા એ છે કે, પુરુષની વાત આવે ત્યારે કહેવામાં આવે છે કે, અધિકાર શબ્દનો પ્રયોગ થાય છે અને સ્ત્રીની વાત આવે ત્યારે તક શબ્દનો પ્રયોગ કરીને કહેવામાં આવે છે કે સ્ત્રીઓને તક મળવી જોઇએ.

આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ અસામનતા દૂર થતી નથી તે નરી વાસ્તવિકતા છે. કાયદાની નજરમાં મહિલાઓ અને પુરુષોને સમાન અધિકાર હોવા છતાં રૂઢિચુસ્ત સમાજમાં મહિલાઓ વિશે લોકોના મનમાં હજી પણ બેવડી માનસિકતા છે. આજે પણ તેમને પુરુષો જેવા અધિકારો મળ્યા નથી. મહિલાઓના હક્ક માટે સૌપ્રથમ અમેરિકાની મહિલાઓએ અવાજ ઉઠાવ્યો હતો. તે સમયે મહિલાઓને અમેરિકામાં મત આપવાનો અધિકાર પણ નહોતો. 50 વર્ષની લડાઈ બાદ અમેરિકામાં મહિલાઓને 26 ઓગસ્ટ 1920ના રોજ મત આપવાનો અધિકાર મળ્યો હતો. આ માટે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ દિવસને યાદ કરીને મહિલા સમાનતા દિવસ ઉજવવામાં આવ્યો હતો.

1995માં ચોથી વિશ્વ પરિષદને સંબોધિત કરતી વખતે હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે, હંમેશા માનવ અધિકારો મહિલાઓના અધિકારો છે અને મહિલાઓના અધિકારો માનવ અધિકારો છે. ભારતીય બંધારણની કલમ 498 મુજબ પત્ની, માતા, બહેન કે સ્ત્રી લિવ-ઇન પાર્ટનર સહિતની મહિલાઓને પુરુષો દ્વારા કરવામાં આવતી મૌખિક, નાણાંકીય, ભાવનાત્મક, જાતીય ઘરેલું હિંસા સામે રક્ષણ મેળવવાનો અધિકાર છે. આવી ઘરેલું હિંસાને સજાપાત્ર ગુનો ગણવામાં આવે છે. જેમાં દંડ સાથે 3 વર્ષ સુધીની બિનજામીનપાત્ર કેદ થઈ શકે છે. ઘટના કોઈ પણ સ્થળે બની હોય સ્ત્રીઓને પોતાની અનુકૂળતા મુજબ ગમે તે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવાનો અધિકાર છે. યોગ્ય પોલીસ સ્ટેશન શોધવા અને કાર્યવાહીમાં સમય બગડવાથી ગુનેગારને ભાગી છૂટવાની તક ન મળે તે વાત ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય લેવાયો હતો. ઝીરો FIR નોંધાયા બાદ તેને કોઈપણ સ્થળે ખસેડી શકાય છે. જો કે, કરૂણતા એ છે કે, દેશમાં પોલીસ મહિલાઓની એફઆઇઆર લેતી નથી. આજ કારણસર મહિલા પોલીસમથકો શરૂ કરવાની જરૂરિયાત ઉભી થઇ છે.

જો પોલીસમથકમાં જ મહિલાઓની એફઆઇઆર દાખલ થઇ જતી હોત તો મહિલાઓ માટેના અલગ પોલીસ સ્ટેશનની જરૂરિયાત જ શા માટે ઊભી થાય તે યક્ષ પ્રશ્ન છે. તેની સામે જો એવી દલીલ કરવામાં આવે કે મહિલાઓ સરળતાથી પોતાની ફરિયાદ નિ:સંકોચ લખાવી શકે તેના માટે મહિલા પોલીસ મથક બનાવવામાં આવ્યા છે તો તેની સામેની દલીલ એ છે કે, હવે દરેક પોલીસ મથકમાં 33 ટકા મહિલા સ્ટાફ છે એટલે મહિલાઓ માટે અલાયદા પોલીસ મથક ઉભા કરવાની જરૂરિયાત જ નથી. ઘણા સ્થળોએ મહિલા કર્મચારી અને પુરુષ કર્મચારી વચ્ચેના પગારમાં મોટો તફાવત જોવા મળે છે. આવી સ્થિતિમાં બંધારણ સ્ત્રીઓને સમાન પગાર ધોરણનો અધિકાર આપે છે. સમાન મહેનતાણા અધિનિયમની જોગવાઈઓ મુજબ લિંગના આધારે મહિલાઓ સાથે પગાર ધોરણમાં ભેદભાવ ન થઈ શકે. પરંતુ હકીકતથી બધા જ વાકેફ છે કે, ખાનગી નોકરીની વાત કરીએ તો મહિલા અને પુરુષ એક સરખા પદ પર હોઇ અને એક સરખુ કામ હોવા છતાં બંનેના પગારમાં આસમાન જમીનનો ફેર હોય છે.

Most Popular

To Top