નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આવેલ રણછોડરાયજી મંદિરના મુખ્ય દ્વારની સામે આવેલ પાર્કિગવાળી ખુલ્લી જગ્યા ફરતે શ્રધ્ધાળુઓની અવરજવર માટે લગાવવામાં આવેલ રેલીંગના એક છેડે ગેસલાઈનની પાઈપો મુકી રસ્તો રોકી દેવામાં આવતાં શ્રધ્ધાળુઓને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓની ભીડથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે હેતુસર તંત્ર દ્વારા મંદિર બહાર રેલીંગ લગાવવામાં આવી છે. તદુપરાંત મંદિરના મુખ્ય દ્વારની સામે પાર્કિગવાળી જગ્યા ફરતે પણ રેલીંગ લગાવવામાં આવી છે. જોકે, આ રેલીંગના એક છેડે છેલ્લાં ઘણાં દિવસોથી ગેસ લાઈનના કામકાજ માટે ઉપયોગમાં લેવાનાર મસમોટી પાઈપો મુકી રસ્તો રોકી દેવામાં આવ્યો છે.
જેને પગલે આ રેલીંગ મારફતે અવરજવર કરતાં શ્રધ્ધાળુઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રેલીંગમાં પ્રવેશ કરી શ્રધ્ધાળુઓ છેક બીજા છેડે પહોંચે તે વખતે બહાર નીકળવાનો રસ્તો ન મળતાં શ્રધ્ધાળુઓ મુંઝવણમાં મુકાતાં હોય છે. કેટલાક શ્રધ્ધાળુઓ જોખમી સાહસ કરી રેલીંગ કુદીને બહાર નીકળે છે. તો વળી, રેલીંગ કુદવા સક્ષમ ન હોય તેવા શ્રધ્ધાળુઓને પરત ફરી અન્ય માર્ગે જવું પડે છે. સ્થાનિક તંત્ર તેમજ ગેસલાઈનની કામગીરી કરતી એજન્સીની લાપરવાહીને કારણે અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે. ત્યારે વહેલીતકે આ નડતરરૂપ પાઈપો હટાવી શ્રધ્ધાળુઓની અવરજવર માટેની રેલીંગનો રસ્તો ખુલ્લો કરવામાં આવે તે જરૂરી છે.