Sports

વિરાટ કોહલીના આઉટ થવા અંગે ટ્વિટર પર સટીક ભવિષ્યવાણી, સેહવાગે પણ રિટ્વિટ કર્યુ

મોહાલી: મોહાલીમાં આજથી શરૂ થયેલી શ્રીલંકા (Shrilanka) સામેની પહેલી ટેસ્ટમાં પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા વિરાટ કોહલીની (Virat Kohli) પહેલા દાવની ઇનિંગ અંગે ટ્વિટર (Twitter) પર એક સચોટ ભવિષ્યવાણી ટેસ્ટ શરૂ થવા પહેલા રાત્રે 12.46 વાગ્યે જ થઇ હતી. કોહલી અંગે શ્રુતિ નામક એક ટ્વિટર યૂઝરે લખ્યું હતું કે કોહલી પોતાની 100મી ટેસ્ટમાં સદી નહીં ફટકારી શકે અને તે 45 રન કરીને એમ્બુલડેનિયાના બોલે બોલ્ડ થશે. જે વાત સાચી સાબિત થઇ હતી. જો કે તેણે એવું લખ્યું હતું કે કોહલી 100 બોલ રમશે પણ કોહલી 76 બોલ રમીને 45 રન કરીને આઉટ થયો હતો.

સાથે જ તેણે એવું લખ્યું હતું કે કોહલી પોતાની આ ઇનિંગમાં ચાર અદ્દભૂત કવરડ્રાઇવ ફટકારશે, જો કે કોહલીએ માત્ર બે કવરડ્રાઇવ ફટકાર્યા હતા. તેણે વધુમાં એવું લખ્યું હતું કે આઉટ થયા પછી કોહલી પોતાને આઘાત લાગ્યો હોવાનું દર્શાવશે અને માથુ ધુણાવતો હતાશ થઇને જશે. જો કે એમાં તેણે કંઇ નવું લખ્યું નથી. છેલ્લા કેટલાક સમયથી કોહલી આઉટ થયા પછી આવું કરતો રહ્યો છે. આ ટ્વિટને વિરેન્દ્ર સેહવાગે પણ વાઉ લખીને રિટ્વિટ કર્યું હતુ. આ ટ્વિટને 9 હજારથી વધુવાર રિટ્વિટ કરાયું છે, જ્યારે 40 હજારથી વધુ લાઇક તેને મળી છે. સાથે જ પાંચ હજારથી વધુ તેના પર કોમેન્ટ આવી છે, જેમાં મોટાભાગનાએ આશ્ચર્ય વ્યકત કર્યું છે, જ્યારે કેટલાકે મને ક્યારે જોબ મળશે, મારે કેટલા બાળકો હશે જેવા ફાલતુ સવાલો પણ પુછયા છે.

ત્રણ ફોર્મેટના સમયમાં મેં 100 ટેસ્ટ રમી, ભાવિ પેઢી મારી કેરિયરમાંથી આ શીખી શકે : વિરાટ કોહલી
મોહાલી: ભારત વતી 100 ટેસ્ટ રમનારો 12મો ક્રિકેટર બનવાની સિદ્ધિ મેળવનારા વિરાટ કોહલીએ શુક્રવારે અહીં કહ્યું હતું કે હું ઇચ્છુ છું કે ભાવિ પેઢી એ તથ્યમાંથી પ્રેરણા લે કે ખુબ જ વ્યસ્ત ઇન્ટરનેશનલ કાર્યક્રમ વચ્ચે ત્રણેય ફોર્મેટ અને આઇપીએલમાં રમવા છતાં હું આ સિદ્ધિ મેળવી શક્યો છું. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આ સ્ટાર ક્રિકેટરને શુક્રવારે અહીં તેની 100મી ટેસ્ટ નિમિત્તે સન્માનિત કર્યો હતો.

વિરાટનું સન્માન થયું ત્યારે ત્યાં સાથી ખેલાડીઓ ઉપરાંત તેની પત્ની અનુષ્કા શર્મા પણ ઉપસ્થિત હતી, તેમજ તેનો ભાઇ વિકાસ કોહલી સ્ટેન્ડમાં હાજર હતો. આ પ્રસંગે સ્ટેડિયમમાં બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ, કોષાધ્યક્ષ અરૂણ ધૂમલ અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ ઉપસ્થિત રહ્યા હતા. બાયો બબલ પ્રતિબંધને કારણે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ દ્વારા સ્મૃતિ કેપ અને સ્મૃતિચિન્હ વડે સન્માનિત થયા પછી કોહલીએ કહ્યું હતું કે હું આ સન્માન આનાથી બહેતર વ્યક્તિ પાસે નહીં લઇ શકું કે જે મારા બાળપણના હિરોમાંથી એક છે. મારા ઘરમાં આજે પણ અંડર-15ના સમયનો નેશનલ ક્રિકેટ એકેડમીનો એ ફોટો છે, જેમાં હું તમને જોઇ રહ્યો છું અને તમારી સાથે ફોટો પડાવી રહ્યો છું અને આજે મેં તમારી પાસેથી મારી 100મી ટેસ્ટની કેપ સ્વીકારી છે, ચોક્કસ આ સમય પ્રભાવક રહ્યો છે અને આગળ પણ જારી રહેવાની આશા છે. દ્રવિડે કહ્યું હતું કે તને માત્ર 100 ટેસ્ટ રમવાનો નહીં પણ પોતાના પ્રભાવક ક્રિકેટ પ્રવાસ પર પણ ખુબ ગર્વ હોવો જોઇએ. તું આનો હકદાર હતો અને તે તુંએ મેળવ્યું છે. આશા રાખું છું કે તે આગામી ઘણી બાબતોની માત્ર શરૂઆત બની રહેશે. જેમ કે આપણે ડ્રેસિંગ રૂમમાં કહીએ છીએ કે ડબલ્સ ઇટ અપ.

Most Popular

To Top