વૈશ્વિક સ્તરના બની રહેલા સુરતને વરસો પછી દેશનાં સ્વચ્છ શહેરોની યાદીમાં સ્થાન મેળવવામાં આખરે સફળતા મળી છે. સુરતીઓના મિજાજ અને સુરત મનપાની ટીમના સહિયારા પ્રયાસોથી સુરત સતત બે વર્ષથી સ્વચ્છ શહેરોમાં બીજા ક્ર્મે અડગ છે. ત્યારે હવે સ્વચ્છ શહેરને ‘સુંદર’ પણ બનાવવા માટે લોક ભાગીદારીથી જાહેર દીવાલો અને શહેરના બ્રિજોની નીચે ‘પ્લેસ મેકિંગ’નો કોન્સેપ્ટ સુરત મનપાની ટીમે અપનાવ્યો છે, જે સફળ પણ થઇ રહ્યાો છે. આજકાલ વિવિધ જગ્યાએ કોલેજના સ્ટુડન્ટ, NGOના કાર્યકરો, ડ્રોઇંગના રસિયાઓ શહેરની દીવાલો પર અવનવાં ચિત્રો બનાવીને શહેરને સુંદર બનાવવામાં પોતાનું યોગદાન આપી રહ્યાા છે. રાજ્યનાં અન્ય શહેરો જેવાં કે વડોદરા, જૂનાગઢમાં ઘણાં વરસો પહેલાથી જાહેર દીવાલો પર ડ્રોઇંગ કરી દીવાલોને સુંદર બનાવી શહેરને સુંદર બતાવવાનો કોન્સેપ્ટ છે જ. જો કે, હવે સુરતે પણ એ દિશામાં શરૂઆત કરી દીધી છે. વોલ પેઇન્ટિંગને કારણે આજુબાજુ તેમજ બ્રિજની નીચે સુંદરતા દેખાતા લોકો ગંદકી કરતા અચકાય છે. વળી, લોક ભાગીદારીથી આ કામ થતું હોવાથી લોકોને પણ શહેર સાથેનો લગાવ વધે છે તેવું સુરત મનપાના તંત્રવાહકોનું માનવું હોય, કેન્દ્ર સરકારના ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત આ કામ કરવામાં આવી રહ્યું છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/03/DSC_3309-1024x680.jpg)
દરેક ઝોનમાં બે-બે જગ્યા પસંદ કરાશે
દરેક ઝોનમાં પ્રાયોગિક ધોરણે બે-બે દીવાલ અને બ્રિજ પસંદ કરીને ડ્રોઇંગ કરવાનું આયોજન કરાયું છે, જેમાં રાંદેર ઝોનમાં સ્ટાર બજાર સામેના બ્રિજ તેમજ ભૂલકાં ભવનની સામે, જ્યારે અઠવા ઝોનમાં SVNITની દીવાલ, યુપીનગર, સુરત એરપોર્ટની સામે વગેરે જગ્યાએ આ કામ NGO તેમજ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓના સહકારથી કરાયું છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/03/DSC_3286-1024x680.jpg)
સ્વચ્છતામાં પ્રથમ આવેલા ઇન્દોર શહેરમાંથી પ્રેરણા લેવાઈ
શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ મિશન અંતર્ગત વિવિધ એક્ટવિટીઝ પણ કરાવવામાં આવે છે. ઉપરાંત જે-તે શહેરો દ્વારા શહેરની સુંદરતા વધારવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરને આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે. પરંતુ હવે આ સર્વેક્ષણ મિશનમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા સુરત મનપા દ્વારા કમર કસી લેવામાં આવી છે. શહેરમાં હાલમાં શહેરીજનો ઘણા બ્રિજ પર રંગબેરંગી સુંદર પેઈન્ટિંગ જોઈ રહ્યા છે, જે પણ એક પ્લેસ મેકિંગનો ભાગ છે. એટલે કે, સ્વચ્છતા સર્વેક્ષણ મિશન અંતર્ગત શહેરને સુંદર બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં શહેરમાં ઘણા ફ્લાય ઓવરબ્રિજ પાસે પેઈન્ટિંગની કામગીરી ચાલુ છે. જે શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. 2 વર્ષ પહેલાં સુરત મહાનગરપાલિકા દ્વારા જાતે જ વિવિધ વોલ અને ફ્લાય ઓવરબ્રિજ પાસે પેઈન્ટિંગ કરવામાં આવતું હતું. પરંતુ સુરત શહેરની ઘણી એજન્સીઓ પેઈન્ટિંગ જોઈ આવું પેઈન્ટિંગ કરવા સામેથી સુરત મનપા પાસે આવી રહી છે. જેથી મનપાએ પણ સંસ્થાઓને આવી પેઈન્ટિંગ કરવાની પરવાનગી આપી છે. ઈન્દોર શહેરમાં પણ સંસ્થાઓ દ્વારા આ રીતે જાહેર સ્થળોએ પેઈન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. એ જોતાં શહેરની સંસ્થાઓ પણ પેઈન્ટિંગ કરવા આગળ આવી છે અને તેઓ સ્વખર્ચે પેઈન્ટિંગ કરે છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/03/image-40.png)
સુરતને સુંદર બનાવવા શહેરીજનોની મદદ લઈ રહ્યા છીએ : કમિશનર બંછાનિધિ પાની
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સુરતની હવે વૈશ્વિક સ્તરના શહેર તરીકે ઓળખ બની છે. ત્યારે ડાયમંડ સિટી, બ્રિજ સિટી વગેરેના ઉપનામથી ઓળખાતા શહેરમાં બહારથી આવતા લોકોને આકર્ષિત કરે તેવાં આયોજનો લોક ભાગીદારીથી કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે ‘વોલ પેઇન્ટિંગ’ કરવામાં આવી રહ્યું છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-02-at-8.13.37-PM.jpeg)
આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને ‘વોલ પેઇન્ટિંગ’નું એસાઇન્મેન્ટ તૈયાર કરાવીએ છીએ
સાર્વજનિક યુનિ.ની SCET કોલેજના પ્રોફેસર કુંજનગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, સુરત મનપા દ્વારા અમને આમંત્રણ અપાતાં આર્કિટેક્ચરના 100 વિદ્યાર્થી દ્વારા અઠવા ઝોનના યુપીનગર ખાતે વોલ પેઇન્ટ કરવામાં આવ્યું છે. અમારા વિદ્યાર્થીઓને વોલ પેઇન્ટિંગનાં એસાઇમેન્ટ આપીએ છીએ. જેના ભાગરૂપે આ કામ કરાયું છે, જેમાં અમને NGOનો પણ ભરપૂર સહયોગ મળ્યો છે. શહેરને સુંદર બનાવવા અમારા વિદ્યાર્થીઓની મદદ લેવાઇ તેમાં અમને ગર્વની અનુભૂતિ થાય છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)