સુરત : (Surat) ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજે મોહાલી ખાતે તેના કેરિયરની 100મી ટેસ્ટ મોહાલી ખાતે રમશે. ત્યારે તેના સુરત સાથેના સંભારણા ખૂબ જ રોચક છે. વિરાટ કોહલી જ્યારે ક્રિકેટ (Cricket) જગતમાં જાણીતું નામ નહીં હતું ત્યારે તે સુરતમાં ઓએનજીસી (ONGC) તરફથી ફાયનલ મેચ રમ્યો હતો અને મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો. આ એ સમય હતો જ્યારે કોહલીના ટેસ્ટ કેરિયરની શરૂઆત પણ થઇ ન હતી.
- 2009માં સુરતના કમલેશ પટેલે કરેલા આયોજનમાં મુનાફ પટેલ, વેણુ ગોપાલ અને અમિત ભંડારી પણ મેચ રમ્યા હતાં
- 18મી સપ્ટેમ્બરે 2009માં સી.બી.પટેલ ગ્રાઉન્ડ ખાતે ફાયનલ મેચ યોજાઇ હતી અને તેમાં તે ઓએનજીસી તરફથી મેચ રમ્યો હતો
- કમલેશ પટેલ સાથે તેને ગાઢ મિત્રતા હોવાથી તે વારંવાર સુરત આવી ચૂક્યો છે
વિરાટ કોહલીએ 2008માં વન ડે ક્રિકેટમાં શ્રીલંકા સામે ડેબ્યુ કર્યું હતું. તે સમયે ક્રિકેટના ચાહકોમાં તે જાણીતો નહીં હતો. જો કે, તેના સુરતના સંભારણા ખૂબ જ રોચક છે. તેણે વન ડે કેરિયરમાં માત્ર છ જ મેચ રમી હતી ત્યારે સુરતના કમલેશ પટેલે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યુ હતું. 18મી સપ્ટેમ્બરે 2009માં સી.બી.પટેલ ગ્રાઉન્ડ ખાતે ફાયનલ મેચ યોજાઇ હતી અને તેમાં તે ઓએનજીસી તરફથી મેચ રમ્યો હતો. આ મેચમાં તે મેન ઓફ ધ મેચ બન્યો હતો અને તેના માટે તેને 22,222નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ મેચમાં તેણે છ બોલમાં છ ચોગગા પણ માર્યા હતાં. જો કે, કમલેશ પટેલ સાથે તેને ગાઢ મિત્રતા હોવાથી તે વારંવાર સુરત આવી ચૂક્યો છે. આ ટુર્નામેન્ટ મુનાફ પટેલ, વેણુ ગોપાલ અને અમિત ભંડારી પણ રમ્યા હતાં.
વિરાટ કોહલીને સુરતનું મીઠું પાન એટલુ ભાવ્યું કે 50 પાન પાર્સલ કરાવ્યા
સામાન્ય રીતે ક્રિકેટરના શોખની વાત આવે ત્યારે તેની ખાણીપીણીની વાત જ બહાર આવતી હોય છે પરંતુ વર્ષો સુધી ઇન્ડિયન ઇલેવનના કેપ્ટન રહી ચૂકેલા અને વૈશ્વિક સ્તરે ક્રિકેટમાં અનેક રેકોર્ડ બનાવનાર વિરાટ કોહલીની સુરત સાથેની એક એવી વાત છે કે જે કદાચ તેના અંગત મિત્રો પણ નહીં જાણતા હોય છે. આ વાત છે સુરતના પાનની. વિરાટ કોહલી જ્યારે સુરત આવ્યો હતો ત્યારે તેણે સુરતનું પાન પહેલી વખત ખાધુ હતું અને તે તેને એટલુ બધુ ભાવ્યું હતું કે, તેણે 50 પાન પાર્સલ કરાવ્યાં હતાં. એટલું જ નહીં તેઓ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે કમલેશ પટેલ પાસે ખાસ 100 પાન ચોક્કસ જ મંગાવે છે.
જ્યારે વાપીનો નાનકડો બાળક કોહલીને મળવા આવ્યો
વિરાટ કોહલી આંતર રાષ્ટ્રીય ક્રિકેટની દુનિયામાં નવુ નામ હતું અને તેની કોઇ ઓળખ ઊભી થઇ ન હતી. તેવા સમયે વાપીનો એક બાળક તેનો ચાહક બની ગયો હતો. સ્મીત પ્રજાપતિ નામનો આ બાળક ખાસ તેમને મળવા માટે આવ્યો હતો અને વિરાટ કોહલીએ તેની સાથે ફોટો પણ પડાવ્યો હતો. જ્યારે આ ફોટો લેવામાં આવ્યો ત્યારે વિરાટ કોહલી આટલા મોટા શિખર સર કરશે તેની જાણકારી કોઇને નહીં હતી. આજે આ બાળક ડોક્ટર બની ગયો છે.