Charchapatra

અફરાતફરીનો માહોલ

મેટ્રો પ્રોજેકટની કામગીરીને લઇને તા. 25.2 થી જૂની સિવિલ હોસ્પિટલથી મક્કઇપુલ જવાનો માર્ગ બંધ કરાયો છે અને એનું ડાયવર્ઝન પહેલાં બકરાબજાર ભરાતું હતું તે ગલીમાં અપાયું છે. એટલે સાગર હોટેલથી ચોક જવા ચોકથી મક્કઇપૂલ જવા અને મક્કઇપૂલથી કોંગ્રેસ ભવન થઇ ચોક આવવા માટે આ ત્રણેય તરફના ટ્રાફિક ગાંધીજીના સર્કલ પાસે ભેગા થઇ રહ્યા છે અને ટ્રાફિકના નામે અફરાતફરીનો માહોલ છે. ટ્રાફિક નિયમન માટે કશે મનપાના કર્મચારીઓ કે પોલીસો નજરે પડતા નથી. જે એકલદોકલ પોલીસ છે તે એસબીઆઇ પાસે ઝાડ નીચે ખુરશી ઉપર આરામ ફરમાવે છે. (આ દૃશ્ય મેં જોયું છે) રિક્ષાવાળાઓએ ગાંધી સર્કલ પાસે સ્વૈચ્છિક રિક્ષા સ્ટેન્ડ ઊભું કરી દીધું છે. ટ્રાફિક ડાયવર્ઝનના બોર્ડ મારી મનપાએ હાથ ખંખેરી નાખ્યા છે અને જનતાને પારાવાર તકલીફ પડી રહી છે. શહેરના કોટ વિસ્તારમાં પણ ઠેર ઠેર ડ્રેનેજની કામગીરી માટે ગલીઓ ખોદી નાખવામાં આવી છે અને જયાં પુરાણ કર્યું છે તે યોગ્ય કરાયું ન હોવાથી વાહનોવાળાં જમીનદોસ્ત થઇ રહ્યાં છે! જેથી જેમ ઇચ્છા થાય તેમ વાહનો લોકો ચલાવી રહ્યાં છે અને કોટ વિસ્તારની પ્રત્યેક ગલીઓમાંથી ટ્રાફિક પસાર થઇ રહ્યો છે! આમાં રસ્તે ચાલતા જનાર રાહદારીઓનો મરો થઇ રહ્યો છે! સૂરતને સ્માર્ટ સીટી બનાવવાની કામગીરી આવકાર્ય પણ આગોતરી વ્યવસ્થાના અભાવે?
સુરત              – ભાર્ગવ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top