Business

ટાઇગરની ત્રાડ કેમ શમી ગઈ?

કયારેક અણધારી રીતે પછડાટ મળે છે. કામ ચાલતું રહે પણ દેખાય નહીં તો કરેલા કામનો અર્થ જે સમયે થવો જોઇએ તે ન થાય. ટાઇગર શ્રોફ અત્યારે બરાબર એવું જ અનુભવી રહ્યો છે. ‘વોર’ અને ‘બાગી-3’ પછી પોણા બે વર્ષ થયા પણ તેની એકેય ફિલ્મ રિલીઝ નથી થઇ. આ દરમ્યાન તેણે ચારેક મ્યુઝિક વિડીયોમાં કામ કરી લીધું કારણ કે તેમાં વધારે સમય ન જોઇએ. ફિલ્મ જેટલી તૈયારી પણ ન જોઇએ. મ્યુઝિક વિડીયોમાં તો તે કામ કરતો આવ્યો છે એટલે એ વિશે વધુ ટિપ્પણ ન થઇ શકે પણ તેની ઓળખ ફિલ્મ સ્ટાર તરીકેની છે અને એવી એક પણ ફિલ્મ આવી નથી જેમાં તેની આ ઓળખ જળવાયેલી રહે. આ સ્થિતિ તેને હજુ પણ પરેશાન કરશે કારણ કે તેની કોઇ ફિલ્મ કમ્પલીટ હોય તો માત્ર ‘બડે મિયાં છોટે મિયાં’ છે.

અક્ષયકુમાર સાથેની આ ફિલ્મની તુલના ગોવિંદા-અમિતાભની ‘બડે મિયાં છોટે મિયાં’ સાથે થશે. મૂળ ફિલ્મ ડબલ રોલ અને તેમાંથી સર્જાતી ટિપીકલ ડેવિડ ધવન સ્ટાઇલ કોમેડી હતી. ટાઇગર શ્રોફ કોમેડી માટે જાણીતો નથી તો શું તે આ ફિલ્મ માટે યોગ્ય પસંદ પૂરવાર થશે? વળી આ ફિલ્મ તો 2023ના ક્રિસમસમાં રજૂ થવાની છે તો 2022નું શું? એવું લાગે છે કે ટાઇગરે આ 18-20 મહિનાની કોઇ યોજના જ બનાવી નહોતી. અક્ષયકુમારથી માંડી અનેક સ્ટાર્સે પોતાની જે ફિલ્મોના શૂટિંગ પૂરા થઇ શકે તેમ હતા તે કોઇ પણ રીતે પૂરા કર્યા અને ફિલ્મો રિલીઝ કરી યા રિલીઝ માટે તૈયાર કરી દીધી તેની પાસે ત્રણ-ચાર ફિલ્મ એવી છે જે કોરોના પહેલાં શરૂ થઇ હતી.

‘હીરોપંતી-2’ તેમાંની જ એક છે જેનું શૂટિંગ ગયા વર્ષે જૂનમાં શરૂ થયેલું. એ.આર. રહેમાનના સંગીતવાળી આ ફિલ્મ 29 એપ્રિલ 2022માં રજૂ થવાની ધારણા છે. નિર્માતા સાજીદ નડિયાદવાલા આ ફિલ્મ બાબતે ઘણા ઉત્સુક છે. ક્રિતી સેનન સાથેની ‘ગનપથ’નું શૂટિંગ ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ થયું હતું અને આ વર્ષના એન્ડમાં એટલે કે 23 ડિસેમ્બરે રજૂ થવાની યોજના છે. વિકાસ બહેલ આના દિગ્દર્શક છે એટલે વધારે અપેક્ષા રાખવામાં આવે છે. ટાઇગરની ઓળખ એકશન ફિલ્મો માટેની છે અને તે ઓળખ મુજબ જ આ ફિલ્મ બની છે. તેની હજુ એક ઇન્ટ્રેસ્ટિંગ ફિલ્મ ‘રેમ્બો’ છે જે બીજી ઓકટોબર 2020માં રજૂ થવાની હતી પણ હજુ તેનો વારો નથી આવ્યો. સિધ્ધાર્થ આનંદ એકશન ફિલ્મ બનાવે ત્યારે કયાં ઋતિક રોશન કયાં ટાઇગર શ્રોફપર જ પસંદગી ઉતારે છે.

અત્યારે તે ઋતિક રોશન સાથે ‘ફાઇટર’ પણ બનાવી રહ્યો છે. ઋતિકની ફિલ્મ વહેલી રજૂ કરશે કે ટાઇગરની? કારણ કે બંને સ્ટાર એક જ ઝોનમાં પ્રવેશી ગયા છે. હોલીવુડમાં ‘રેમ્બો’ બની હતી અને તેની ફ્રેન્ચાઇઝ ઉભી થયેલી. 1982માં એ સિરીઝની પહેલી ફિલ્મ આવેલી પછી આઠેક ફિલ્મો આવી ચુકી છે. હિન્દીમાં પણ એવું કરવું હોય તો સિધ્ધાર્થ આનંદ અને ટાઇગર શ્રોફે ઘણી મહેનત કરવી પડશે. ટાઇગર શ્રોફ જો કે ફ્રેન્ચાઇઝ ફિલ્મ માટે જાણીતો બની ચૂકયો છે. જેમ તેની ‘હીરો પંતી-2’ આવી રહી છે તેમ ‘બાગી’ શ્રેણીની ચોથી ફિલ્મ આવી રહી છે. તેના માટે આ ખૂબ સારી વાત કહેવાય અને પ્રોફેશનલ સ્ટારને ગેરંટેડ સફળ મુવી મળે તો એક પ્રકારની નિરાંત મળતી હોય છે.

સલમાન ખાન જે રીતે ‘દબંગ’ યા અજય દેવગણ ‘ગોલમાલ’ યા ‘સિંઘમ’ માટે કોન્ફિડન્ટ હોય છે એવું જ છે ટાઇગર માટે આ ફિલ્મો વિશે. તેની પેઢીના સ્ટાર ફ્રેન્ચાઇઝી ફિલ્મમાં સકસેસ હોય તેવું માત્ર ટાઇગર બાબતે જ છે. પણ આ ફિલ્મો રજૂ થઇ પછી જ તે પોતાની ઇમેજનો એટીએમ કાર્ડ કેશ કરી શકયો છે એવું કહેવાશે. દિશા પટની સાથેની આ ફિલ્મની ઓડિયન્સમાં પ્રતિક્ષા છે. ટાઇગર શ્રોફ ફિલ્મના બિઝનેસ બાબતે આક્રમક બની શકતો નથી કારણ કે તેની ફિલ્મનો નિર્માતા તે નથી હોતો. તે વચ્ચેના રસ્તા કાઢે છે. જેમ કે મૌની રોય સાથે તે ‘પૂરી ગલ બાત’ નામના મ્યુઝિક વિડીયોમાં આવી રહ્યો છે. તે દિશા પટનીના પ્રેમમાં હોવાની વાત લાંબા સમયથી છે પણ એકશન ફિલ્મનો આ સ્ટાર આ બાબતે એકશન મોડમાં આવ્યો નથી. આ વર્ષના એન્ડ સુધીમાં તેની ત્રણેક ફિલ્મો રજૂ થઇ જાય તો મેરેજવાળી બાબત પણ કિલયરથશે. તેના પિતા જેકી શ્રોફ કોઇ દબાણ સર્જે એવા નથી એટલે ટાઇગર જ નક્કી કરશે. બસ તે હવે આ બાબતે એકશન મોડમાં આવે.

Most Popular

To Top