નવસારી : કબીલપોરની પરિણીતા એસિડની (Acid) બોટલનું બુચ મોઢાથી ખોલવા જતા બુચ ખુલી જતા એસીડ પી જતા પરિણીતાનું મોત (Death) નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, નવસારીના (Navsari) કબીલપોર જનકપુરી સોસાયટીમાં તેજલબેન લાલાભાઈ લુહાર (ઉ. વ. 35) તેમના પરિવાર સાથે રહેતી હતી. ગત 1લીએ તેજલબેન તેમના ઘરે ટોયલેટ સાફ કરી રહ્યા હતા. જેથી ટોયલેટ સાફ કરવા માટે એસિડના બોટલનું બુચ ખોલી રહ્યા હતા. પરંતુ બોટલનું બુચ ખુલ્યું ન હતું. ત્યારે તેજલબેન મોઢાથી એસિડના બોટલનું બુચ ખોલઈ રહ્યા હતા. પરંતુ અચાનક એસિડની બોટલનું બુચ ખુલી જતા તેજલબેનના મોઢામાં એક ઢાંકણ જેટલું એસીડ જતું રહ્યું હતું. જેના પગલે તેમની તબિયત લથડતા પરિવારજનોએ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેજલબેનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલના ડોકટરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. કિશોરભાઈને સોંપી છે.
પત્નીએ દીકરાની મદદથી પતિને લાકડાનાં દંડા વડે ફટકારી પતાવી દીધો
સાપુતારા : ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં સોડમાળ ગામે રહેતા ગુલાબભાઈ રામદાસભાઈ માહલા પાસે ગતરોજ તેઓની પત્ની જયનાબેન ગુલાબભાઈ માહલા અને પુત્ર ધર્મેશભાઈ ગુલાબભાઈ માહલાએ બેંકની પાસબુક તથા એટીએમ માંગ્યો હતો. ગુલાબભાઈ માહલાએ પત્ની તથા પુત્રને એટીએમ તથા બેંકની પાસબુક નહીં આપતા તેઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝગડો થયો હતો. પતિએ બેંક પાસબુક તથા એટીએમ નહીં આપતા ઉશ્કેરાયેલા પત્ની જયનાબેન માહલાએ લાકડાનાં દંડા વડે પતિનાં માથાનાં તેમજ કપાળનાં ભાગે માર માર્યો હતો. તેમજ પુત્ર ધર્મેશભાઈએ પણ લાકડાનાં દંડા વડે પિતાનાં પીઠ તથા પગનાં ભાગે તથા માથાનાં ભાગે માર મારી ગંભીર ઈજાઓ પહોચાડી મદદગારીથી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ વઘઇ પોલીસની ટીમને થતા વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ. ડી.ડી.વસાવાની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલમાં વઘઇ પોલીસની ટીમે વિજયભાઈ માહલાની ફરીયાદનાં આધારે આરોપી પત્ની જયનાબેન માહલા અને પુત્ર ધર્મેશભાઈ માહલા સામે ઈપીકો કલમ 302 અને 314 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.