મુંબઈ: (Mumbai) બોલિવુડના (Bollywood) સુપરસ્ટાર શાહરૂખ ખાનના (ShahrukhKhan) પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં (Aryankhandurgscase) જબરદસ્ત વળાંક આવ્યો છે. જે કેસમાં એક મહિનો આર્યનને જેલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો તે કેસમાં હવે એવો ખુલાસો થયો છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને ક્રુઝ પરની તપાસ દરમિયાન આર્યન ખાન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નહોતા. આ સાથે જ શાહરૂખના પુત્રને ક્લીન ચીટ આપી દેવાઈ છે.
આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે NCB દ્વારા ક્રુઝ પર દરોડા પાડવામાં આવેલા ત્યારે તપાસમાં ખૂબ જ ગેરરીતિઓ કરવામાં આવી હતી. NCBની સ્પેશ્યિલ તપાસ ટીમ (SIT)ને આર્યન ખાન ડ્રગ્સ કેસમાં કોઈ પુરાવા જ મળ્યા નથી. આર્યન ખાન પર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગની સિન્ડીકેટનો ભાગ હોવાનો આરોપ લાગ્યો હતો, તે પણ આ સાથે દૂર થયો છે.
આ અગાઉ ઓક્ટોબર 2021માં આર્યન ખાન વિરુદ્ધ મુંબઈ NCB દ્વારા ઈન્ટરનેશનલ ડ્રગ ટ્રાફિકિંગના કેસ હેઠળ તપાસ ચલાવવામાં આવી હતી. મુંબઈ NCBના આક્ષેપોથી વિપરીત હવે એવો ખુલાસો બહાર આવ્યો છે કે આર્યન ખાનનો ફોન ઉપાડવાની અને તેની વોટ્સએપ ચેટ ચેક કરવાની કોઈ જરૂર જ નહોતી. કારણ કે આર્યન ખાને ક્રુઝ પર ડ્રગ્સનું સેવન કર્યું નહોતું. આ સિવાય ચેટમાં એ પણ સ્પષ્ટ થયું નથી કે સ્ટાર કિડ આર્યન ખાનનો કોઈ પણ ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડીકેટ સાથે કોઈ સંબંધ હોય. આ ઉપરાંત દરોડા દરમિયાન NCB દ્વારા કોઈ વિડીયો રેકોર્ડ કરાયો નથી, જે અધિકારીઓ દ્વારા ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરાયું હોવાનું સૂચવે છે.
રિપોર્ટમાં એવી નોંધ કરાઈ છે કે આર્યન ખાન પાસે જે દવાઓ મળી છે તેને ડ્રગ્સ સાથે કોઈ લેવાદેવા નથી. આ સાથે SIT દ્વારા એવું સ્પષ્ટ કરાયું છે કે હજુ સુધી તપાસ પૂરી થઈ નથી. થોડા મહિનાઓ બાદ ફાઈનલ રિપોર્ટ સબમીટ કરાશે. કાયદાકીય અભિપ્રાય લેવાના હજુ બાકી છે.
તમને જણાવી દઈએ કે 2 ઓક્ટોબર 2021ના રોજ મુંબઈના દરિયામાં એક ક્રુઝમાં દરોડા પાડી એનસીબી દ્વારા આર્યન ખાન અને તેના મિત્રોને ડ્રગ્સના કેસમાં પકડવામાં આવ્યા હતા. એનસીબીના સમીર વાનખેડે તેની તપાસ કરી રહ્યાં હતાં. આ કેસમાં આર્યન વિરુદ્ધ ઈન્ટરનેશનલ ડ્રગ ટ્રાફિકિંગમાં સામેલ હોવાના આક્ષેપ કરાયા હતા. લગભગ એક મહિના બાદ આર્યન ખાન જામીન પર છૂટ્યો હતો.