ભારત અને ચીનની સરહદ પર ઝઘડો ચાલે છે. કયાંક ને કયાંક ચીન વાડ સળગાવતું રહે છે. ગયા વરસે કોરોનાકાળ નિમિત્તે સમગ્ર જગત ચીન પર ફીટકાર વરસાવતું રહ્યું હતું. સરહદ પરના ઝઘડાનો હજી અંત આવતો નથી. ચીન બોલે છે કંઇક અને કરે છે કંઈક. તાજેતરમાં આપણા બાહોશ વિદેશ પ્રધાન એસ. જયશંકરે ચીનની જડતા અને અસંવેદનશીલતા પ્રત્યે નિરાશા વ્યકત કરી હતી. એમણે કહ્યું હતું કે સરહદ વિવાદ મામલામાં ચીનના જીદ્દી વલણને કારણે કોઇ પ્રગતિ થઇ શકતી નથી. ચીન સરહદ પર ધોસ જમાવી રહ્યું છે અને છતાં ભારતમાં પોતાનો માલ વેચે છે તે હકીકતથી દેશની પ્રજા અને સરકાર ઊકળી ઊઠી હતી.
ચીન સાથેનો વેપાર ઘટાડીને ચીનને આર્થિક ફટકો મારવા સરકાર કૃતનિશ્ચય બની હતી. જૂન 2020માં ભારત સરકારે અતિશય લોકપ્રિય બનેલા ‘ટીક ટોક’ અને ‘યુસી બ્રાઉઝર’ સહિત ચીનાઓ દ્વારા ચલાવવામાં આવતા 59 એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકયો હતો. તે માટે સરકારે કારણ આપ્યું હતું કે આ એપ્લિકેશનો ભારતની સાર્વભૌમિકતા, એકતા, અખંડતા અને સલામતી માટે હાનિકારક છે. લડાખ સરહદ પર ચીનાઓ સાથે હાથાપાઇ થઇ તેમાં ભારતના વીસ અને ચીનના 38 જવાનો માર્યા ગયા હતા. સ્થિતિ ખૂબ વણસી હતી. દેશની પ્રજામાં આક્રોશ ફેલાયો હતો. લોકોએ ચીની માલનો બહિષ્કાર કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ભારત સરકારે ચીનમાં નિર્માણ પામેલા અને ચીનમાંથી સંચાલિત થતાં બીજા વધુ 47 એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકયો.
એ જ 2020ના સપ્ટેમ્બર મહિનામાં વધુ 118 ચાઇનીઝ મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધો મુકાયા. જેમાં લોકપ્રિય બનેલા પબજીનો પણ સમાવેશ કરાયો. ઉપરાંત તાજેતરમાં વધુ 54 એપ્લિકેશનો ભારતમાં બંધ કરાવવામાં આવ્યા છે. પ્રતિબંધ મુકાયો. 200થી વધુ એપ્લિકેશનો બંધ છે અને ચીની કંપનીઓને ભારતમાં 5Gના દાયરામાંથી પણ દૂર રાખવામાં આવી છે. રાજદ્વારી અને રાજકીય સંબંધો સતત વણસ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં લાગતું હતું કે ભારત અને અમેરિકા સાથે મળીને નિર્ણય લે છે અને બંને દેશો વચ્ચે સારો તાલમેળ છે. બાદમાં જો બાઇડન આવ્યા અને ઉપર ઉપરથી એ ચીનના દુશ્મન દેખાય છે પણ હજી સુધી એ કોઇ મહત્ત્વની કસોટીમાંથી પસાર થયા નથી અને જયારે અફઘાનિસ્તાન અને યુક્રેન જેવી કસોટીઓ આવી ત્યારે તેમાં નાપાસ થયા છે.
હવે બાઇડન કઇ દિશામાં કેટલી ઝડપથી ચાલશે તે સમજી શકાતું નથી પણ લાગે છે કે કોઇ મોટો મીર મારવા માટે આવ્યા નથી. આ સંજોગોમાં લાગે છે કે ચીન અને ભારત વચ્ચેના સંબંધો આજે છે એવા જ આવતા લાંબા ગાળા દરમિયાન રહેશે અને હવે મહત્ત્વનો સવાલ એ કે આજે સંબંધો કેવા છે? ઉપરની વિગતો પરથી પ્રથમ દ્રષ્ટિએ લાગે કે બંને દેશો વચ્ચે વેપાર- ધંધાઓ ભીડમાં મુકાયા છે. ભારત સરકારે એપ્લિકેશનો બંધ કરાવ્યાં ત્યારે સાથે સાથે મેઇક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારતમાં બની શકે એવી ચીજવસ્તુઓનું ભારતમાં જ નિર્માણ કરવાનો અને ચીનમાંથી આયાત નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આ પરથી વધુ સમજાય કે વેપારવણજના પ્રમાણમાં કોઇ ભલીવાર રહી નહીં હોય. પણ ના, એવું કશું થયું નથી. જે થયું છે તે ઊલટું જ થયું છે. જો કે આ સ્થિતિ બંને દેશો માટે ફાયદાકારક રહી છે. બંને દેશો વચ્ચેનો વેપારવિનિમય વધ્યો છે. ખાસ્સો વધ્યો છે. ત્યાં સુધી કે
ગયા વરસે વેપારનું પ્રમાણ પ્રથમ વખત 100 અબજ ડોલરના આંકડાને પાર કરી ગયું. 2021માં 43 %ની વૃધ્ધિ સાથે બંને દેશો વચ્ચે વેપારનું પ્રમાણ 125 અબજ 70 કરોડ ડોલરના આંકડે પહોંચ્યું હતું. ચીનમાંથી ભારતે 97 અબજ 50 કરોડ ડોલરના મૂલ્યની આયાત કરી હતી અને સામે 28 અબજ 10 કરોડ ડોલરની નિકાસ કરી હતી. ગમે તે કહો પણ ભારત સામે ચીનનું પલડું સાડા ત્રણ ગણાથી વધુ માત્રામાં ભારે રહ્યું હતું. આપણે ખૂબ ઉછળકૂદ કરી, સ્વદેશી જાગરણના નારાઓ ગજાવ્યા પણ આખરે ફાયદો તો ચીનને જ થયો છે. જો કે ભારતમાંથી થતી નિકાસમાં પણ વૃધ્ધિ થઇ છે. જે સારી વાત જણાતી નથી તે એ છે કે મેઇક ઇન ઇન્ડિયાની વાતો ગજવવા છતાં ચીની તૈયાર માલ પર ભારત વધુ આધાર રાખતું થયું છે. તેમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ભારત જે માલની ચીનમાંથી આયાત કરે છે તેમાં ઇલેકટ્રિકલ અને મિકેનિકલ મશીનરી, ઔદ્યોગિક રસાયણો, એકિટવ ફાર્માસ્યુટિકલ ઘટકો અને દવાઓ, વાહનોનાં સ્પેરપાર્ટસ, તેમજ કોવિડ સંકટને કારણે ભારતે મેડિકલ સાધનોની પણ મોટા પાયે આયાત કરવી પડી હતી. વરસ 20 અને 21થી બધું બરાબર ન હતું. પરંતુ હવે એ જોવાનું રહેશે કે રાબેતા મુજબના સમયકાળમાં વેપારવૃધ્ધિનો દર જળવાઇ રહે છે કે કેમ?
ફિનિશ્ડ ગુડસ (માલ)માં ઇન્ટિગ્રેટેડ સરકીટ્સની આયાતમાં 147%નો માતબર વધારો નોંધાયો હતો. જયારે લેપટોપ્સ, અને કોમ્પ્યુટરોની આયાતમાં 77%નો, ઓકસીજન કોન્સ્ટ્રેટરની આયાતમાં ચાર ગણો વધારો ઉપરાંત એસેટિક એસિડની આયાતમાં વધારો થયો. ચીને કશું ગુમાવ્યું નથી. ભારતમાંથી થતી નિકાસમાં વધારો થયો છે પણ એમ કોઇ વધુ હરખાવા જેવો થયો નથી. 50%નો વધારો થયો. આ નિકાસમાં મુખ્યત્વે આયર્ન ઓર જેવો કાચો માલ ઉપરાંત કપાસ અને માછલીઓ મુખ્ય છે. કુદરતે જેવું આપ્યું એવું જ આપણે વેચ્યું. તેમાં ફેરફાર કરવાની તસ્દી કોણ ઊઠાવે? શા માટે ઉઠાવવી જોઇએ? ટૂંકમાં જે આરોપો મનમોહન સિંહની સરકાર સમયે મેન્યુફેકચરિંગ બાબતે થતા હતા તે આરોપો આજે આઠ વરસ પછી પણ સરકારને ચીટકી જાય એવી સ્થિતિ રહી છે. છેલ્લાં પાંચ વરસમાં બંને વિશાળ દેશો વચ્ચેની વેપારની ઘટ અથવા સમતુલા ઘટવાને બદલે વધી છે. પાંચ વરસ અગાઉ આ ખાધ લગભગ 52 અબજ ડોલરની હતી તે આજે વધીને 70 અબજ ડોલર પર પહોંચી છે. કોઇ પણ સ્થિતિમાં ચીનને ફાયદો જ છે.
હમણાં ભારતે 54 ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ જાહેર કર્યો હતો તેથી ચીનને માઠું લાગી ગયું હતું. પણ એકંદરે માઠું લગાડવાનું કોઇ કારણ નથી. માઠું લગાડવા માટે છે. જો કે ચીનના વાણિજયવિભાગના પ્રવકતાએ નિવેદન આપ્યું છે કે બંને દેશો વચ્ચેના વેપારી સંબંધો એટલા મજબૂત અને ટકાઉ છે કે કોઇ પણ વિપરીત સંજોગોમાં તેને આંચ આવે તેમ નથી. આવું બોલવામાં ચીનનો સ્વાર્થ છે. સમતુલા બરાબર થવા જાય તો ચીન જ વેપાર ઓછો કરી નાખશે. ચીનનું કહેવું છે કે ભારતમાં મૂડી રોકાણ માટેનું વાતાવરણ એક ચિંતાનો વિષય છે તો પણ ચીની કંપનીઓ દ્વારા ભારતમાં મૂડીરોકાણ થયું તેના કારણે ભારતમાં રોજગારી વધી છે.
ભારત-ચીન વચ્ચેની વેપારી તરાહ અથવા પેટર્નમાં નજીકનાં ભવિષ્યમાં કોઇ ખાસ મોટો ફરક નહીં પડે. લાંબા ગાળે ચીન પર ઓછો આધાર રાખવો પડે તેવી વેપાર વાણિજયની સ્થિતિ ભારત તૈયાર કરવા માટે મથી રહ્યું છે. તે માટે કાં ભારતમાં ઘરઆંગણે માલસામાન તૈયાર કરવો પડે અથવા ચીન સિવાયની બીજી કોઇ માર્કેટમાંથી આયાત કરવો પડે. સરહદો પર અથડામણો ચાલી રહી છે એ સ્થિતિમાં ભારત ચીન પર વધુ ભરોસો રાખી શકે તેમ નથી. ગલવાન ઘાટીમાં ચીનની દાદાગીરીના ઉલ્લેખ સાથે ભારતે તાજેતરમાં ચીનમાં યોજાયેલી વિન્ટર ઓલિમ્પિક્સની ઉદ્ઘાટન અને સમારોહ વિધિમાં ભાગ નહીં લઇને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. એસ. જયશંકર વખતોવખત આંતરરાષ્ટ્રીય ફોરમો પર ભારતનો અવાજ રજૂ કરે છે. પણ ચીનને શિકસ્ત આપવી હોય તો ઘરઆંગણે તૈયાર માલનું ઉત્પાદન વધારવાની જરૂર છે. જો કે એ વાત પણ નોંધનીય છે કે ભારત હવે તેજસ વિમાનો વેચી રહ્યું છે.