સુરત: સુરતમાં ગુંડાગીરી ચરમસીમાએ પહોંચી છે. અહીં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ધાક રહ્યો હોય તેમ લાગતું નથી. 80 અને 90 ના દાયકાની જેમ ફરી એકવાર સુરતમાં હપ્તાખોરી શરૂ થઈ ગઈ છે. પાંડેસરા, ડિંડોલી, વરાછા વિસ્તારમાં ગુનાખોરીમાં ધરખમ વધારો થયો છે. નશો, હત્યા, સેક્સ આ તમામ બદીઓ સુરતમાં ફૂલીફાલી રહી છે ત્યારે હવે પાંડેસરા હાઉસિંગમાં માથાભારે ઈસમોની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા હાઉસીંગમાં રહેતા માથાભારે બંટીની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બંટી સ્થાનિક લોકો પાસેથી બળજબરી રૂપિયા કઢાવતો હોવાની ફરિયાદ સલુમમાં કામ કરતા વિકાસે નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
- સલુનમાં કામ કરતા વિકાસને દિવાળી વખતે 4500 રૂપિયા કઢાવ્યા બાદ બે દિવસ પહેલા પાછા 500 રૂપિયા કઢાવ્યા
- બંટીના ત્રાસથી કંટાળી સલૂનમાં કામ કરતા વિકાસે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
પાંડેસરા (Pandesara) ખાતે અંબિકા નિકેતન સોસાયટીમાં રહેતા 28 વર્ષીય વિકાસ વસંત ઠાકુર આર્વિભાવ સોસાયટીમાં વેલકમ હેર કટીંગની દુકાનમાં સલુનનું (Saloon) કામ કરે છે. ચારેક મહિના પહેલા દિવાળી વખતે રાત્રે ઘરે જતો હતો ત્યારે બંટી બડગુજ્જર (Bunty Badgujjar) રસ્તામાં મળ્યો હતો. બંટીએ વિકાસ સાથે ગાળા ગાળી કરી હતી. અહીંયા રહેવું હોય તો મને પૈસા આપવા પડશે હું હાઉસીંગનો ભાઈ છું. મારાથી અહીંયા બધા ડરે છે તેવી ધમકી (Threaten ) આપી હતી. તારી પાસે કેટલા પૈસા છે મને આપી દે નહીંતર અહીંયા રહેવા દઈશ નહીં તેવી રીતે ડરાવી વિકાસ પાસેના 4500 રૂપિયા બળજબરી લઈ લીધા હતા. ત્રણ દિવસ પહેલા 24 ફેબ્રુઆરીએ રાત્રે વિકાસ ઘરે જતો હતો ત્યારે બંટીએ વિકાસને રોકીને ચાલ તારી પાસે જે પૈસા હોય તે મને આપી દે નહીતર તુ મને જાણે છે હું શુ કરી શકું છુ. ડરીને વિકાસે 500 રૂપિયા બંટીને આપી દીધા હતા. બાદમાં બંટીના ત્રાસથી કંટાળી વિકાસે પાંડેસરામાં ફરિયાદ નોંધાવી હતી.