કામરેજ: (Kamrej) વાવ એસઆરઆપીએફ ગૃપ 11ની બાજુમાં ગામમાં રહેતા કરિયાણાની દુકાન ચલાવતાં દિવ્યાંગ યુવાનની આંખમાં મરચાની ભુકી (Chili Powder) નાંખી તેના ગળામાં પહેરલી સોનાની (Gold) ચેઈન લુંટવા જતાં ત્રણ શખ્સો પકડાઈ ગયા હતા.
- દિવ્યાંગ દુકાનદારની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટનો પ્રયાસ: ત્રણ પકડાયા
- કામરેજના વાવ ગામે કરિણાયાની દુકાને ગ્રાહકના સ્વાંગમાં આવેલા ત્રણ લૂંટારૂએ દિવ્યાંગ દુકાનદારની સોનાની ચેઈન ખેંચી
- દુકાનદારે ચેઈન પકડી રાખી બુમાબુમ કરતાં નજીકમાં ઉભેલા બે પુત્રો અને લોકએ લૂંટારૂઓને પકડી પાડ્યા
કામરેજ તાલુકાના વાવ ગામે ભાલીયાવાડમાં રહેતા રમેશભાઈ નાથુભાઈ ભાલીયા (ઉ.વર્ષ48) દિવ્યાંગ છે. તેઓ નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલા એસઆઈપીએફ ગૃપ 11ની બાજુમાં ખોડીયાર કૃપા કરિયાણા તેમજ પાન મસાલાની દુકાન ચલાવે છે. શનિવારે સાંજે 5 વાગ્યે ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં વસ્તુ ખરીદવાના બહાને આવી રમેશભાઈની આંખમાં મરચાની ભુકી નાંખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન ખેંચવા જતાં ચેઈન તૂટી ગઈ હતી. ચેઈનનું પેન્ડન્ટ દુકાનમાં પડી ગયું હતું. પરંતુ રમેશભાઈએ હિંમત રાખી ચેઈન આંગળીમાં વીટીને પકડી રાખીને બુમા બુમ કરતા નજીકમાંથી બન્ને પુત્ર મહેશ અને ધર્મેશ સહિત અન્ય લોકો પણ મદદે દોડી આવ્યા હતાં.
ત્રણ પૈકી બે લૂટારા મુકેશસિંહ ફતેસિંહ પઢિયાર (હાલ રહે. કોપરખન્ના, સેકટર19 મુંબઈ મહારાષ્ટ્ર, મુળ રહે.ઉમરવાસ, તા.કુંભલગઢ, જી.રાજસંમદ, રાજસ્થાન), લક્ષ્મણ ગોરધન સેન હાલ (રહે.કબનપાર્ક ગાર્ડનની બાજુમાં ઝુમ્મા મસ્જીદ રોડ, બેંગ્લોર, મુળ રહે.સાતીયા, તા.કુભલગઢ, જી.રાજસમદ, રાજસ્થાન) પકડાઈ ગયા હતા. જ્યારે ત્રીજો લૂટારૂ નારાયણસિંહ રણસિંહ રાજપુત (રહે.ઉઝા ગંજ બજાર, જી.મહેસાણા, મુળ રહે. ચારભુજા ,તા.કુભલગઢ, જી.રાજસંમદ,રાજસ્થાન) હાઈવે પર ભાગવા જતા થોડે દુર પડી જતા તે પણ પકડાઈ ગયો હતો. પકડાઈ ગયેલા ત્રણેય ઈસમને કામરેજ પોલીસને સોંપ્યા હતા. રમેશભાઈ નીચે પટકાતા તેમને સારવાર માટે 108માં ખોલવડની દિનબંધુ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્રણેય ઈસમ સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.