ચીખલી: ઘેજ ચીખલી હાઇવે પરનો અંડરપાસ શરૂ કરાયાના લાંબા સમય બાદ બંને તરફના કટ બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ અધૂરા સર્વિસ રોડની સમસ્યા ઠેરની ઠેર રહી છે. મલવાડા-મજીગામ ફાટક પાસે નેશનલ હાઇવે પર અવાર-નવાર અકસ્માતો સર્જાવાની સમસ્યાના નિવારણ માટે સ્થાનિકોની વર્ષો જૂની રજૂઆતના અંતે હાઇવે ઓથોરિટિ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે અંડરપાસનું નિર્માણ કરી તેને ખુલ્લો મુકાતા વાહન વ્યવહાર પણ શરૂ થઇ ગયો હતો. તેમ છતાં મલવાડા અને મજીગામ શ્રી મલ્લિકાર્જુન મહાદેવ મંદિર પાસે એમ બંને તરફના કટ બંધ કરાયા ન હતા. જે અંગે ભાજપ પ્રમુખ મયંકભાઇ, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઇ, મજીગામ અને મલવાડાના પૂર્વ ડેપ્યુટી સરપંચ રાજૂભાઇ, પર્વતભાઇ સહિતનાઓની કેબિનેટ મંત્રી નરેશ પટેલને રજૂઆત કરાતા તેમની સૂચના બાદ હાઇવે ઓથોરિટિ દ્વારા અંડરપાસના બંને તરફના છેડેના કટો બંધ કરી દેવામાં આવ્યા છે.
જો કે કટ બંધ કરી દેવાથી કંઇક અંશે રાહત થશે. પરંતુ આ અંડરપાસની શરૂઆતમાં જે વર્ષોથી સર્વિસ રોડનું કામ અધુરું છે. આ ઉપરાંત મજીગામ કાલાખાડી, થાલામાં સ્પંદન હોસ્પિટલની આગળ એમ ત્રણ જગ્યાએ સર્વિસ રોડ અધૂરો છે. મજીગામથી થાલા વચ્ચેની દોઢેક કિ.મી.ની લંબાઇમાં ત્રણ ત્રણ જગ્યાએ સર્વિસ રોડ અધૂરો છે જેને પગલે અકસ્માતોનું જોખમ સાથે અનેક લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. ખરેખર અંડરપાસ શરૂ થતાની સાથે સર્વિસ રોડ પરનો વાહન-વ્યવહાર શરૂ થાય તે પણ લોકોની સલામતી અને સુવિધા માટે જરૂરી છે. પરંતુ સર્વિસ રોડની કામગીરી હાઇવે ઓથોરિટિ દ્વારા પૂર્ણ કરાતી નથી. જમીન સંપાદનને લગતા કે અન્ય કોઇ પણ પ્રશ્ન હોય તેનું નિરાકરણ લાવી સર્વિસ રોડની કામગીરી પૂર્ણ થાય તે જરૂરી છે.
છ-માસથી રજૂઆત પરંતુ નિરાકરણ આવ્યુ નથી
સ્થાનિક રહીશ મુકેશ શર્માએ જણાવ્યુ હતુ કે થાલામાં સર્વિસ રોડ અધૂરો છે. જેને લઇને સ્થાનિક રહીશો અને આમ જનતા માટે અકસ્માતનું મોટુ જોખમ છે. આ મુદ્દે છેલ્લા છ-માસથી રજૂઆત કરી રહ્યા છે. પરંતુ નિરાકરણ આવ્યુ નથી.
અંબિકા નદીમાં ફૂલ સહિત પૂજાપાનો સામાન પધરાવાતા જળચર પ્રાણીઓ માટે જોખમ
બીલીમોરા : હિન્દુ ધર્મ નદીને માતા તરીકે પૂજે છે. પણ ઘણા સમયથી બીલીમોરામાં પૂજાપો પુલ ઉપરથી ફેંકવામાં આવે છે, છતાં તંત્ર નદીમાં ફેંકાતા પૂજાપા અને પુલની રેલિંગ સાથે પ્લાસ્ટિક બાંધતા લોકો સામે કોઈ દંડ કે પગલાં લેતું નથી. પ્લાસ્ટિકમાં પૂજાપો ભરી પુલ પરથી ફેંકી દેવાતા જળચર પ્રાણીઓ માટે આ પ્લાસ્ટિક મોતનું કારણ પણ બની જાય છે.
બીલીમોરા-અમલસાડ માર્ગ ઉપર અંબિકા નદી પૂલ ઉપરથી લોકો ફૂલ સહિત પૂજાપો નદીમાં પધરાવી પ્લાસ્ટીક થેલીઓ રેલિંગ ઉપર બાંધી જતા હોય છે. આવી પ્રવૃત્તિઓ જળ પ્રદુષણનું કારણ બને છે. બીલીમોરાથી અમલસાડ માર્ગ ઉપર અંબિકા નદી પૂલ ઉપરથી અનેક લોકો વારે તહેવારે ધાર્મિક વિધિ બાદનો પૂજાપો નદીમાં પધરાવે છે. તે સાથે નદીમાં પ્લાસ્ટિકનું દુષણ દૂર કરવા પ્લાસ્ટિકની થેલી પૂલ રેલિંગ ઉપર બાંધી જાય છે. વહીવટી તંત્ર પૂલનાં છેડે કચરાપેટીની અલાયદી વ્યવસ્થા ઉભી કરે તો રેલિંગ ઉપર બંધાતુ પ્લાસ્ટિક નાંખવા લોકોને વિકલ્પ મળી રહેશે. પુલ રેલિંગ ઉપર બંધાતા પ્લાસ્ટિકની થેલીઓ જોઈ પર્યાવરણ પ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે.
સમયાંતરે તંત્રએ સાફ સફાઈ અભિયાન કરાવવું જ જોઈએ અને પુલની બંને બાજુ ડસ્ટબિન મુકાવવી જોઈએ. જેથી પૂજાપાના વિસર્જન બાદ પ્લાસ્ટિક અને વધારાનો કચરો લોકો ડસ્ટબિનમાં નાખી સ્વચ્છતા તરફ એક કદમ આગળ વધારી શકે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર ખરેખર હવે કોઈ પગલા ઉઠાવશે કે કેમ ? અને જો સમયસર જાગશે નહીં તો આગામી સમયમાં નદીઓ પ્રદુષિત બની જતા વાર નહીં લાગે.