Charchapatra

ક્રિકેટની રમતની કઠણાઈ

આપણા દેશની પ્રજાને ક્રિકેટની રમતનું જબરદસ્ત ઘેલું લાગેલું છે. અરે, એમ કહો કે પ્રજાને રીતસર ક્રિકેટની રમતનું ગાંડપણ છે. તેનો લાભ બી. સી. સી. આઈ. ( બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા ) બરાબર ઉઠાવે છે. આઇ. પી. એલ.ની નવી સીઝન માટે ખેલાડીઓની હરાજી ૧૨ – ૧૩ ફેબ્રુઆરીએ થઈ ગઈ.૨૦૪ ખેલાડીઓ ૫૫૧ કરોડમાં વેચાયા. અત્યાર સુધીમાં ૧૪ હરાજી થઈ ચૂકી છે. એક વર્તમાનપત્રમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલી આઇ. પી. એલ. રમીને ૧૫૦ કરોડથી વધુ કમાણી કરી ચૂક્યા છે.( ટી – ૨૦, વન – ડે અને ટેસ્ટ મેચની અલગ ) તે સિવાય અન્ય ક્રિકેટરો પણ માલામાલ થઈ ગયા છે.

ક્રિકેટરોની આવી આંધળી કમાણી સામે આમ તો કોઈ વાંધો હોઈ ન શકે પરંતુ તેને કારણે પ્રજાએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો તે વાંધાજનક કહેવાય, કારણ તેમને ચૂકવવામાં આવતા પૈસા કોઈક ને કોઈક કંપની સ્પોન્સર કરતી હોય છે અને જે તે કંપની તે પ્રમાણમાં પોતાના પ્રોડક્ટની કિંમતમાં વધારો કરે છે જેથી પ્રજાએ મોંઘવારીનો સામનો કરવો પડે છે, જે દેશહિત વિરુદ્ધ ગણાય. ક્રિકેટની રમત પાછળ ઘેલી પ્રજા આ વાત ક્યાં તો સમજતી નથી અથવા સમજવા માંગતી નથી. દેશમાં અસહ્ય મોંઘવારીનાં કારણોમાંનું એક કારણ આ પણ છે. વળી ક્રિકેટ રમતા ખેલાડીઓ જાણે કોઈ વસ્તુ હોય તેમ તેમની હરાજી બોલાવવામાં આવે છે. ક્રિકેટરો મબલખ પૈસા મળતા હોય તો માન – સન્માન ગુમાવીને તે માટે પણ તૈયાર થઈ જાય છે એ એક હકીકત બની ચૂકી છે.

જો સરકારે મોંઘવારીમાં થોડા પ્રમાણમાં પણ ઘટાડો કરવો હોય તો આઇ. પી. એલ. પર પ્રતિબંધ મૂકવો જોઈએ. બી. સી. સી. આઈ. પણ આઇ. પી. એલ.માંથી  અધધધ, અબજો રૂપિયાની કમાણી કરે છે અને તે પણ ટેક્ષ ફ્રી જ્યારે સામાન્ય પ્રજાએ મુશ્કેલીઓ વેઠીને કરેલી કમાણી પર ઇન્કમટેક્સ ભરવો પડે છે. આ બધું પ્રજાના પૈસાના હિસાબે ને જોખમે થઈ રહ્યું છે જે દેખીતો અન્યાય છે. વળી આઇ. પી. એલ. ને લીધે મૂળભૂત ક્રિકેટ રમાતી જ નથી.ઉડ્ઝુડીયું ક્રિકેટ રમાતું થઈ ગયું છે એ એક નરદમ હકીકત બની ચૂકી છે. તેવી ક્રિકેટની રમત રમાય કે નહીં રમાય કોઈ ફરક પડતો નથી. ઉપર જણાવેલી ગતિવિધિઓ જોતાં આ લખનારનું સ્પષ્ટ માનવું છે કે આઇ. પી. એલ. એ એક તમાશાથી વિશેષ કંઈ નથી એટલે તેના પર પ્રતિબંધ મૂકવો જ જોઈએ. ટી ૨૦ પણ બંધ થવી જોઈએ. ટેસ્ટ મેચ અને ૫૦ ઓવરની વન ડે ભલે ચાલુ રહેતી, કારણ મૂળભૂત રમત તો બરાબર જ છે પણ તેના સંચાલકોએ તેને માત્ર અને માત્ર પૈસા બનાવવાનું સાધન બનાવી દીધી છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top