Business

આઝાદી કાળનું સાક્ષી રહેલું સુરતનું લોખંડવાળા એન્ટરપ્રાઈઝ 122 વર્ષે આજે પણ અડીખમ

સુરતને સોનાની મૂરત કહેવામાં આવે છે એમાં કોઈ બે મત નથી, પરંતુ સુરતમાં એક એવી પેઢી છે જે ચાર-ચાર પેઢીથી પોતાના લોખંડના વ્યવસાયને કારણે જાણીતી બની છે. સુરતના રાજમાર્ગ પર આવેલી લોખંડવાળા એન્ટરપ્રાઈઝ આઝાદી અગાઉથી પોતાના વ્યવસાયને કારણે આજે પણ પોતાના લોખંડવાળા બિલ્ડિંગની જેમ જ અડીખમ ઊભું છે. આઝાદીની ચળવળના સાક્ષી રહી ચૂકેલા લોખંડવાળા બ્રધર્સે આજે પણ પોતાની પ્રમાણિકતાને કારણે પોતાની શાખ જાળવી રાખી છે અને લોકો સાથે પોતાના સંબંધોને લોખંડની જેમ મજબૂત બનાવવામાં સફળતા મેળવી છે. શહેરની શાન ગણાતા રાજમાર્ગ પર આવેલી 122 વર્ષ જૂની પેઢીની મુલાકાતમાં આજે આપણને અનેક રસપ્રદ માહિતીઓ જાણવાનો લહાવો મળશે.

લોખંડવાળા એન્ટરપ્રાઇઝની શરૂઆત
વર્ષ 1900
માં ઝીણાભાઇ હરકિશનદાસ લોખંડવાળા દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. એ સમયે તમામ મટિરિયલ US, ઈંગ્લેન્ડ અને સ્વિડનથી ઇમ્પોર્ટ કરવામાં આવતો હતો. શરૂઆતમાં લોખંડના કબાટ બનાવવાનું શરૂ કર્યું હતું. એ સમયે હોસ્પિટલને લગતા તમામ પ્રકારના બેડ, અનાજની પેટીઓ તથા લોખંડની તમામ પ્રકારની વસ્તુ બનતી હતી, બાદમાં હીંચકાના કડા, નળ તથા દરવાજાના આગળા બનાવવામાં આવતાં હતા, પરંતુ લેબર ઇશ્યૂના કારણોસર 1964 દરમિયાન એ કામ બંધ કરવામાં આવ્યું હતું. શહેરના તિલક મેદાન ખાતે આજે પણ સળિયાનું ગોડાઉન જોઈ શકાય છે.

લોખંડવાળા પરિવાર પાસે છે હિંગળાજ માતાના કડાં
આઝાદી
અગાઉ ઝીણાભાઈ પાકિસ્તાનમાં સ્થિત તેમના કુળદેવી હિંગળાજ માતાના દર્શનાર્થે તેમના ૨ ભાઈઓ સાથે ગયા હતા. પગપાળા થતી આ મુશ્કેલ યાત્રા માટે કહેવાય છે કે, બલુચિસ્તાનમાં આવેલા આ મંદિરમાં દર્શન કરવા માટે ૭ કોઠા પાર કરીને જવું પડતું અને જેમાં ઝીણાભાઈના ૨ ભાઇઓના મૃત્યુ પણ થયા હતા. આ બંને ભાઈઓને પાકિસ્તાનમાં જ દફનાવવામાં આવ્યા હતા. જો કે, ઝીણાભાઈને કુળદેવીના દર્શન દરમિયાન હિંગળાજ માતાજીના ૨ કડાં આશીર્વાદરૂપે આપવામાં આવ્યા હતા, જે પૈકી ૧ કડું ચોરાઇ ગયું હતું જ્યારે ૧ આજે પણ લોખંડવાળા પરિવાર પાસે સલામત છે. અગાઉના સમયમાં જે સ્ત્રીઓને સંતાનો થતાં ન હોય તેમને આ કડાંમાં પલાળેલું પાણી આપવામાં આવતી હોવાની વાત પણ જાણીતી છે, જો કે શ્રધ્ધાનો વિષય હોવાથી બાદમાં આ કામ બંધ કરવામાં આવ્યું.

સુરતનું પ્રથમ RCC બિલ્ડીંગ બન્યું
તમને
જાણીને નવાઈ લાગશે કે અત્યારે જે રોડ પરથી વાહનો કે ઇમારતો સિવાય તમને કઈ પણ નજરે નથી પડતું, ત્યાના લોખંડવાળા બિલ્ડીંગના ટેરેસ પરથી પહેલાં સ્પષ્ટ રીતે તાપી નદી જોઈ શકાતી હતી, એટલું જ નહિ આ બિલ્ડિંગની એક ખાસિયત એ પણ છે કે શહેરનું પ્રથમ RCC બિલ્ડીંગ હોવા છ્તાં આજે પણ અડીખમ ઊભું છે. વર્ષ 1946માં પરિવાર વધતાં રહેવા માટે ઝીણાભાઇ દ્વારા લોખંડવાળા બિલ્ડીંગ બનાવવા માટે મુંબઈથી આર્કિટેક્ટ બોલાવવામાં આવ્યા હતા અને 7 થી 8 વર્ષ ચાલેલા બાંધકામને અંતે આ 4 માળનું બિલ્ડીંગ તૈયાર થયું હતું. લોખંડવાળા ફૅમિલી દ્વારા બનાવવામાં આવેલું આ બિલ્ડીંગ અનેક આઝાદીની ચળવળ સમયની મિટિંગોનું તો સાક્ષી રહ્યું જ છે, સાથે જ તે સમયના અનેક નામી વ્યક્તિઓ ઉતરાયનના સમય દરમિયાન આ ઇમારત પર પતંગ ચગાવવા માટે પણ આવતાં હતા. જો કે બાદમાં 1996માં ડિમોલિશન વેળાએ 16 થી 17 ફૂટ જેટલો દુકાનની આગળનો ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. આ અંગે વાત કરતાં ચોથી પેઢીના દેવેન્દ્ર્ભાઇ જણાવે છે કે, ‘ઇમારત એટલી મજબુત હતી કે ડિમોલિશન વેળાએ નુકશાન ન પહોંચે એ માટે આજુબાજુના મકાનો અને દુકાનો ખાલી કરાવવામાં આવી હતી અને બાંધકામ એટલું મજબૂત હતું કે ક્રેન દ્વારા ટુકડાઓ કરીને તેનું ડિમોલિશન કરવા છ્તાં પણ ખાસ્સી તકલીફ પડી હતી.’

લોખંડવાળા પરિવારનો વંશવેલો

  • ઝીણાભાઇ હરકિશનદાસ લોખંડવાળા
  • હરિભાઇ ઝીણાભાઇ લોખંડવાળા
  • દલપતભાઈ ઝીણાભાઇ લોખંડવાળા
  • હિંમતભાઈ ઝીણાભાઇ લોખંડવાળા
  • રમણભાઈ દલપતભાઈ લોખંડવાળા
  • મહેન્દ્રભાઈ હરિભાઇ લોખંડવાળા
  • દેવેન્દ્ર્ભઇ મહેન્દ્રભાઇ લોખંડવાળા
  • વિરલભાઇ મહેન્દ્રભાઇ લોખંડવાળા
  • જયંતભાઈ રમણભાઈ લોખંડવાળા

વિશ્વાસથી ચાલે છે આજે પણ આ પેઢી : દેવેન્દ્રભાઈ લોખંડવાળા
ચોથી પેઢી
સાંભળનાર દેવેન્દ્રભાઈ કહે છે કે, તેમની મૂળ અટક ડબ્બાવાળા હતી પરંતુ લોખંડના વ્યવસાય સાથે તેઓ લોખંડવાળા તરીકે જાણીતા થયા. વધુમાં તેઓ જણાવે છે કે, ‘અમે નાના બાળકથી લઈને કોઈપણ વડીલ અમારી દુકાને આવે તો તમામને એક જ સરખા ભાવે વસ્તુઓ આપીએ છીએ જેથી આજે પણ વિશ્વાસથી લોકો વસ્તુઓ લઈ જાય છે, અમારી પાસે સેનેટરી વેરની તમામ વસ્તુઓ ઉપરાંત પાવડા,તગારા, હાર્ડવેર તથા અનેક પ્રકારના લોક્સ ઉપલબ્ધ છે અને જો નહિ હોય તો અન્ય સ્થળેથી માંગવીને પણ આપીએ છીએ. જૂની વાતો યાદ કરતાં તેઓ જણાવે છે કે, એ સમયમાં તેમની પાસે ૩ ટ્રક, ૪ ફિયાટ કાર, ૩ એમ્બેસેડર તથા ૧ રાણીની કારનો સમાવેશ થતો હતો, અને તે સમયે શહેરના ગણ્યાં ગાંઠ્યા શ્રીમંતોમાં અમારું નામ લેવાતું હતું. આજે અમે નવું ઘર ભલે વસાવ્યું છે પરંતુ જૂની ધરોહર સમાન દુકાન અને લોખંડવાળા બિલ્ડિંગ જાળવી રખ્યા છે. કારણ કે આઝાદી બાદ તેમની દુકાન પર સ્વતંત્રતા પર્વ નિમિત્તે દવજ ફરકવવાની પરંપરા હતી તેમજ તેમના દાદાની સ્વતંત્રતા ચળવળની યાદ પણ આજ સ્થળે સાચવાયેલી છે. ગાંધીજીની દાંડી યાત્રા વખતે પણ આજ દુકાનની છત પરથી યાત્રા પાર ફૂલોની વર્ષ કરવામાં આવી હતી.

દરેક પ્રકારના લોકો આવતા હોવાથી તમામ પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ : વિરલભાઈ
ચોથી
પેઢી સાંભળનાર વિરલભાઈ આપ તો સીએ તરીકેના વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ જૂની પેઢીને કેમ ભૂલે? વિરલભાઈ કહે છે કે તેમણે જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ પોતાની દુકાન પાર આવી જાય છે. પોતાના દાદાની વાત માંડતા તેઓ કહે છે કે, ‘દાદા હંમેશા ખાદીના જ કપડાં પહેરતા હતા અને જ્યાં સુધી જીવ્યા (૧૯૩૬)ત્યાં સુધી ખાદી છોડી નહિ. અમારી દુકાને લોખંડની ખીલીથી માંડીને તમામ પ્રકારની લોખંડની વસ્તુઓ ઉપલબ્ધ હોવાથી દરેક પ્રકારના ગ્રાહકો આવતા હોય છે અને સમયની માંગ પ્રમાણે ગ્રાહકને સંતોષ મળે તેવી વસ્તુઓ આપવાનો હંમેશા પ્રયાસ કરતાં રહીએ છીએ. આશરે ૩૦ વષોથી અમે ટાટાના પતરાં, પાઇપ તથા વાયર વગેરે વેચવાનું શરૂ કર્યું છે અને તેના માટે અમારી પાસે ૬૦૦૦ સ્ક્વેરફૂટનું ગોડાઉન પણ ઉપલબ્ધ છે. કારણ કે લોખંડના પતરા ૬ થી ૨૪ ફૂટ સુધી લાંબા આવતા હોવાથી આ ગોડાઉનમાં આસાનીથી તેને મૂકી શકાય છે.

Most Popular

To Top