ભરૂચ: ભરૂચ (Bharuch) નગર સેવા સદનની વિશેષ સામાન્ય સભા તા.24ના રોજ મળી હતી. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પાલિકા વિસ્તારમાં વેરાધારકો માટે મોટી જાહેરાત કરી હતી અને રાજ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંગે વિશેષ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતી પ્રોત્સાહક વળતર યોજના દાખલ કરી હતી. જે બાદ હવે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અમલમાં આ મૂકી છે. તા.31 માર્ચ 2022 સુધી બાકી પડતો વેરો (tax) કરદાતા ભરશે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી (Penalty) અને વોરન્ટ ફીમાં (fee) 100 % રકમ માફ કરવામાં આવશે. નાણાકીય વર્ષ-2022-23માં 31મી મે 2022 સુધી એડ્વાન્સ ટેક્સ (Advance tax) ભરપાઈ પર 10 % વળતર મળશે. મિલકત ધારકો પાછલી બાકી રકમ સમયસર ભરતા ન હોવાના કારણે બાકી કરવેરાની વસૂલાત મોટા પ્રમાણમાં બાકી રહેતી હોય છે.
ભરૂચ નગર સેવાસદનની ગુરુવારે સામાન્ય સભા મળી હતી, જેમાં 31 માર્ચ-2022 સુધી બાકી પડતો વેરો કરદાતા ભરશે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી અને વોરન્ટ ફીમાં 100 % રકમ માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાલિકાની આવકમાં વધારો થાય એ માટે આ નવી પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવી છે. સામાન્ય સભામાં નગર સેવાસદનના પ્રમુખ અમિત ચાવડા, ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ તેમજ ચુંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ પાલિકામાં 31 માર્ચ સુધી પાછલા બાકી વેરા ભરાશો તો પેનલ્ટી વ્યાજમાં રાહત
વલસાડ : ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાલિકાના વેરાની વસૂલાત માટે મોટી રાહતની સ્કીમ જાહેર કરી છે. આ સ્કીમનો લાભ લેવા માટે ૩૧ માર્ચ સુધીમાં વેરાની પાછલી બાકી રકમ ભરશો તો તેના વ્યાજ, પેનલ્ટી, નોટિસ ફી વગેરેમાં 100% ની રાહત આપવાની જાહેરાત થઈ છે. વલસાડના મિલકત ધારકો તેનો લાભ લઇ શકે એ માટે પાલિકા દ્વારા તેનો સર્ક્યુલર ઠરાવ થઈ રહ્યો છે.
નગરપાલિકા વિસ્તાર અંતર્ગત આવતા મિલકત ધારકોમાં વેરાની ચુકવણીમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. વલસાડમાં પણ અનેક મિલકત ધારકોની કરોડો રૂપિયાના વેરાની રકમ વસુલાતી નથી. ત્યારે વેરાની બાકી રકમ વસૂલી આવક વધારવા તેમજ કોરોનાનો માર ખાધેલા લોકોને રાહત આપવા સરકાર દ્વારા આ સ્કીમ મુકવામાં આવી છે. જેમાં 31 માર્ચ સુધીમાં પાછલાં બાકી વેરા ભરવાના રહેશે. આ સિવાય આગામી વર્ષ 2022-23 નો વેરો એડવાન્સમાં 31 મે 2022 સુધીમાં ભરો તો 10 ટકાની રાહતની પણ જાહેરાત કરવામાં આવી છે. આગામી દિવસમાં આ બંને યોજનાનો લાભ વલસાડના નાગરિકો લઈ શકશે.