કીવ: આજે ગુરુવારે સવારથી જ રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે. રશિયાની મિસાઈલો યુક્રેનમાં તબાહી મચાવી રહી છે. યુક્રેનના સૈન્ય ઠેકાણોને એક બાદ એક રશિયન મિસાઈલો ટાર્ગેટ કરી રહી છે. આખુંય યુક્રેન બોમ્બ ધડાકાઓથી ધ્રુજી ઉઠ્યું છે. અત્યાર સુધી યુક્રેનના 9 નાગરિકોના પણ આ હુમલામાં મોત થયા હોવાનું બહાર આવ્યું છે. રશિયાના સૈંકડો સૈનિકો યુક્રેનના અનેક વિસ્તારોમાં પહોંચી ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ટેલિવિઝન પરધમકી આપી છે કે રશિયા અને યુક્રેન વચ્ચે કોઈ દખલગીરી કરશે તો પરિણામ ખૂબ જ ખરાબ આવશે. તેમનો ઈશારો ચોક્કસપણે અમેરિકા અને નાટો તરફ છે, ત્યારે હવે યુક્રેને યુદ્ધની તબાહીથી બચવા માટે ભારતની મદદ માંગી છે.
યુક્રેનના રાજદૂતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સમગ્ર મામલામાં હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. યુક્રેનના રાજદૂત ઈગોર પોલિખાએ કહ્યું કે, રશિયા સાથે ભારતના સંબંધો સારા છે. ભારત યુક્રેન-રશિયા વિવાદને નિયંત્રિત કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. ઈગોર પોલિખાએ વધુમાં કહ્યું કે, યુક્રેન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરે છે કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ સાથે તાત્કાલિક વાતચીત કરે. તેઓ સમાધાન માટે પ્રયાસ કરે. નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીનો સંપર્ક કરી આ મામલાનો ઉકેલ લાવે તેવી વિનંતી છે.