આજકાલ એવું બની રહ્યું છે કે પોતાની ફિલ્મ રિલીઝ ન થતી હોય તો પણ ચર્ચામાં રહેવાના કારણો શોધી લેવાય છે. ઋતિક રોશનની ‘વિક્રમ વેધા’ કયારે રિલીઝ થશે તે કહેવું મુશ્કેલ છે પણ હમણાં તેણે આ ફિલ્મનું તેનું લુક રિલીઝ કર્યું. પોતાને અને પોતાની આવનારી ફિલ્મને ચર્ચામાં રાખવાનો આ નુસખો છે. આજકાલ તો કોઇ નવી ફિલ્મ એનાઉન્સ થાય તો તેનું ટિઝર પણ રજૂ થાય છે. ઋતિક રોશનને પણ આવા પ્રચારની જરૂર પડી રહી છે કારણ કે તેની કારકિર્દી ધીમી પડી ગઇ છે. તે મોટો સ્ટાર અને અચ્છો અભિનેતા જરૂર છે અને મોટી ફિલ્મો માટે પર્ફેકટ પસંદ છે પણ તેની પાસે અત્યારે ઓછી ફિલ્મો આવી રહી છે. રણબીર કપૂરને રણવીરસીંઘ પાસે જે ફિલ્મો જઇ રહી છે તેનો દાવેદાર ઋતિક હોય શકતો હતો પણ લાગે છે કે ઋતિક એવી ફિલ્મો મેળવવા પ્રયત્ન નથી કરતો અને રાહ જુએ છે કે સામે ચાલીને તેને ફિલ્મો મળે. તેણે જોવું જોઇએ કે અમિતાભ બચ્ચન યા અક્ષયકુમાર, અજય દેવગણ પણ સારી ફિલ્મો મેળવવા પ્રયત્ન કરે છે.
હકીકતે જુઓ તો સુઝેન સાથેના છૂટાછેડા અને કંગના રણૌત સાથેના વિવાદ પછી તે ધીમો પડી ગયો છે. તેણે આક્રમકતા ગુમાવી છે. તેની ટેલેન્ટ વિશે કોઇ પ્રશ્ન જ નથી પણ તે ઇમોશનલી અટવાયો છે. તે આમીર ખાન, સલમાન ખાનની જેમ ઘણ લફડા કર્યા પછી ય મૌજથી જીવી શકે એવા મિજાજનો નથી અને ફિલ્મ જગતમાં તેના પ્રત્યે આદર રાખનારા ઘણા છે પણ મિત્રો ઓછા છે. પિતા રાકેશ રોશન પણ તેના સપોર્ટમાં ઉભા રહી શકતા નથી. અલબત્ત, તેમના વચ્ચે કોઇ સંબંધ બગડયા નથી પણ ઋતિકે હજુ પણ પિતાની ફિલ્મોનો આધાર લેવો પડે છે.
ઋતિક રોશન બને ત્યાં સુધી ઓરીજિનલ ફિલ્મોમાં જ કામ કરે છે, રિમેકમાં નહીં પણ તેની ‘વિક્રમવેધા’ની ચર્ચા છે તે 2017ની તમિલ ફિલ્મ ‘વિક્રમવેધા’ની રિમેક છે. પુષ્કર-ગાયત્રી દિગ્દર્શીત એ ફિલ્મ 110 મિલીયન બજેટમાં બની હતી અને 600 મિલીયનની કમાણી કરી હતી. વિક્રમ એક બહાદૂર અને પ્રામાણિક પોલીસ ઇન્સ્પેકટર છે અને વેધા એવો અપરાધી છે જે સારા-નરસા વચ્ચેના ગ્રે શેડને સમજે છે. વેધા ગેંગસ્ટર અને ડ્રગ સ્મગલર બની જાય છે અને વિક્રમ સાથે જંગ છેડાઇ જાય છે. તમે જોઇ શકશો કે ઋતિક અત્યારે આ પ્રકારની એકશન-થ્રીલર ફિલ્મોમાં જ કામ કરે છે. તેને વૈવિધ્યની જરૂર છે કારણ કે તે એક જબરદસ્ત એકટર છે. સિધ્ધાર્થ આનંદની ‘ફાઇટર’ પણ એવી જ ફિલ્મ છે. જેમાં તે દિપીકા પાદુકોણ સાથે આવી રહ્યો છે.
ઋતિક રોશને કદાચ તેના જીવનનાં પ્રશ્નો ઉકેલવા જરૂરી બની ગયા છે. જો તે આ નહિ કરી શકશે તો કારકિર્દીમાં રેડ સિગ્નલ આવશે. તેણે પોતાને પ્રોફેશનલી વધરે ઓપન કરવાની ય જરૂર છે. અક્ષય, આમીર, સલમાન, અજય દેવગણ પોતાના માટે ફિલ્મો બનાવે છે તેવું સાહસ તેણે પણ કરવું પડશે. માત્ર એકટર તરીકે રહેવાનો આ સમય નથી. જો તેના માટે તેના પિતા પણ ફિલ્મ બનાવી શકે તેમ ન હોય તો તેણે પસંદગીના દિગ્દર્શક સાથે ફિલ્મ બનાવવાની યોજના બનાવવી જ જોઇએ. ઋતિક જેવો સ્ટાર હિન્દી સિનેમાને ગુમાવવો ન પોસાય. તેના ચાહકો પણ એવું જ ઇચ્છે છે.