સુરત : ‘જજની સામે જ ઊંચકી જઇશ અને કોર્ટ કેમ્પસમાં જ મારી નાંખીશ’, આવી ધમકી આપનાર ડુપ્લિકેટ વકીલે કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરતો હુકમ કર્યો હતો. આ ડુપ્લિકેટ વકીલની સામે આગામી દિવસોમાં પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે.
- દિનેશસિંહે કતારગામ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી અનિલ માંગુકીયાની ધરપકડ કરી
- કતારગામમાં રહેતા વકીલને ધમકી આપનાર ડુપ્લિકેટ વકીલની સામે કાયદાકીય પગલા ભરવા પોલીસ કમિશનરને પણ રજૂઆત કરાશે
પ્રાપ્ત માહિતી મુજબ કતારગામમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા વકીલ દિનેશસિંહ બોડાણા એક મહિલાનો કેસ ફેમિલી કોર્ટમાં લડી રહ્યા છે. આ મહિલાએ દિનેશસિંહને તેઓની ફી આપવાની હતી, પરંતુ મહિલા ફી આપવા માંગતી નહીં હોવાથી તેઓએ દિનેશસિંહને ફોન કરીને અમરોલી કોસાડ આવાસ પાસે સરદાર નગરમાં રહેતા અનિલ કાળુભાઇ માંગુકીયાને કોન્ફરન્સમાં લીધા હતા. અનિલ માંગુકીયાએ દિનેશસિંહને ફોન કરીને પોતે વકીલ હોવાનું કહી દિનેશસિંહને ગાળો આપી હતી અને ધમકી આપી હતી કે, ‘તને જજ સામે જ ઊંચકી જઇશ અને કોર્ટ કેમ્પસમાં જ હત્યા કરી નાંખીશ’. આ બાબતે દિનેશસિંહે કતારગામ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી અનિલ માંગુકીયાની ધરપકડ કરી હતી. અનિલ માંગુકીયાએ જામીન મુક્ત થવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સરકારી વકીલ પ્રવિણ પટેલે દલીલો કરીને આરોપીની જામીન અરજી નામંજૂર કરવા જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ અનિલ માંગુકીયાના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
પોલીસ અધિકારીઓને પણ વકીલના નામે ધમકાવતો હોવાની ચર્ચા
કોર્ટ કેમ્પસમાં કેટલાક વકીલોએ પોતાનું નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, આ અનિલ માંગુકીયા અનેક વકીલોની સાથે ગાળાગાળી કરતો હતો. આ બાબતે ભૂતકાળમાં અનિલ માંગુકીયાની સામે પોલીસમાં અરજી કરવામાં આવી હતી. અરજીના કામે પોલીસ નિવેદન લેવા માટે અનિલને ફોન કરતા હતા ત્યારે આ અનિલ પોલીસને પણ હાઇકોર્ટના વકીલની ઓળખાણ આપીને તેને ધમકાવતો હોવાની વિગતો બહાર આવી છે. આ બધી જ બબાતોને લઇને સુરતના વકીલો આગામી દિવસોમાં અનિલ માંગુકીયા સામે પોલીસ કમિશનરને રજૂઆત કરે તેવી વાત જાણવા મળી હતી.