સુરત : (Surat) ગ્રીષ્માની હત્યા (Grishma Murder) બાદ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજની (Saurashtra Patidar Samaj) ઉંઘ ઉડી ગઇ છે. શહેરમાં અત્યાર સુધી પાટીદાર સમાજ સુધી ચળવળ ચલાવતો આ સમાજ શહેરમાં પ્રથમ વખત સર્વ સમાજ નાગરિક સમિતીના નેજા હેઠળ આ સમાજમાં ફરીથી આવો ગંદો કાંડ નહી થાય તે માટે મનોમંથનનો મહાયજ્ઞ આયોજિત કરાયો હતો. તેમાં સુરતના પો.કમિ. અજય તોમરે શહેરના તમામ સમાજને પહેલા પોતાના જ પરિવાર પર નજર રાખવા માટે અપીલ કરી છે.
- ગ્રીષ્માની હત્યા બાદ સર્વ સમાજ નાગરિક સમિતીના નેજા હેઠળ યોજાયેલા સંમેલનમાં મહામંથન કરાયું
- દીકરીઓ તો સંસ્કારી છે પરંતુ દીકરાઓને યુવતીઓનું સન્માન કરતાં શીખવવાની જરૂરીયાત છે
- પરિવારિક કે મિત્રો વચ્ચેના ઝગડાંમાં થતાં ગુના માટે પણ પોલીસને જવાબદાર ઠેરવાય તે ખોટું
કમિ અજય તોમરે જણાવ્યું હતું કે, તમારી દીકરીઓ તો સંસ્કારી જ છે પરંતુ પ્રથમ તમારા દીકરાઓને સંસ્કાર આપવાનો સમય આવી ગયો છે. તમારા દીકરાઓને સમજાવો કે જેમ આપણા ઘરમાં માતા અને બહેન છે તેમ આપણા પડોશી કે પછી ફળિયામાં જે મહિલાઓ કે યુવતીઓ રહે છે તે પણ આપણી માતાઓ અને બહેનો જ છે. જો દીકરાઓમાં આવા સંસ્કારનુ સિંચન કરાશે તો આપોઆપ આ શહેરમાં ગ્રીષ્મા જેવા હત્યાકાંડ નહી બને. સુરત શહેર પોલીસ હોય કે જિલ્લા પોલીસ, પોલીસ નિષ્ફળ હોય તો તે જવાબદારી સ્વીકારવાની કમિ. તોમરે તૈયારી બતાવી હતી. પરંતુ સાથે-સાથે કહ્યું હતું કે, જયારે બે મિત્રો- કે બે પ્રેમીઓ વચ્ચેના ઝઘડામાં કે પારિવારિક ખટરાગમાં હત્યા થાય તો તેના માટે પોલીસ કેવી રીતે જવાબદાર બની શકે? આવા સંજોગોમાં પણ પોલીસ પર આખું ઠીકરૂં ફોડાય તો તે કેટલા અંશે વ્યાજબી ગણાય?
દીકરો ભણી રહ્યો છે કે પોર્ન ફિલ્મ જોઇ રહ્યો છે તે દરેક માતા-પિતા ચેક કરે: કાનજી ભાલાળા
પટેલ સમાજના આગેવાન કાનજી ભાલાળાએ જણાવ્યું હતું કે, સમાજ અને સોસાયટીવાસીઓ હવે આ ગંભીર મામલે મીટિંગો કરે. તમારા ઘરની દીકરીઓ ત્યારે જ સુરક્ષિત રહેશે કે જયારે તમારી સોસાયટીના બાળકો તમારી નજર હેઠળ હશે. આ મામલે તમારા દીકરા અને દીકરીઓને સાથે રાખીને સમજાવો. આ ઉપરાંત તમામ સોસાયટીઓ અને પરિવારજનો મીટિંગ કરે અને પોતાના બાળકોને સમજાવે. આ ઉપરાંત બાળકો ઓન લાઇન એજયુકેશન લઇ રહ્યા છે કે પછી પોર્ન ફિલ્મ જોઇ રહ્યા છે તેની પણ ફરજિયાત વોચ રાખવી પડશે
હવે શિક્ષકો વિદ્યાર્થીને એક તમાચો મારી શકે તેવા કાયદા ફરીથી બનાવો: દિપક રાજગુરૂ
દિપક રાજયગુરૂએ જણાવ્યું હતું કે, રાજયની તમામ શાળાઓને તોફાન કરતાં વિદ્યાર્થીઓને એક તમાચો મારવાની સત્તા આપવી જોઇએ. વાસ્તવમાં જે પ્રાચીન પદ્ધતિ બાળકોને ડરમાં રાખવાની હતી. તેમાં સંસ્કાર આપવાનો ઉમદા હેતુ હતો. જે આજે વિસરાઇ ચૂકયો છે. આ ઉપરાંત શાળાઓએ પણ તેમની ફરજ નિભાવવી પડશે
સમાજના વાડા તોડો અને શહેરને ભેગું કરવાના મહાપરિવર્તનના દિવસો આવી ગયા છે. : મથુર સવાણી
મથુર સવાણીએ જણાવ્યું હતું કે, સમાજના વાડા તોડવા પડશે. જો આ હત્યા કોઇ પટેલના દીકરાએ ન કરી હોત અને અન્ય કોઇએ કરી હોત તો આપણે આખું શહેર માથે લેત. હવે આપણે આપણા સમાજના વાડા તોડીને તમામ લોકોને ભેગા કરવાના દિવસો આવી ગયા છે. સમાજને નૈતિકતા અને સંસ્કારના પાઠ ભણાવવા હશે તો તમામ લોકોએ એક છતની નીચે ભેગા થવું પડશે. તો જ મહાપરિવર્તન શકય બનશે.