વડોદરા : કેલનપુરના કિશાનનગરમા રહેતો શાહનવાઝ ઉર્ફે શાનું મોહમ્મદઈદરીસ પઠાણ 2017મા પાણીગેટ પોલીસ ના સકંજામાં આવી ગયો હતો.ભેજાબાજ ઇસમ પાસેથી હજારો રૂપિયાની બનાવટી નોટો ઉપરાંત બનાવટી એલસી,માર્કશીટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ સહિતના અનેક બનાવટી દસ્તાવેજી પુરાવાનો જથ્થો મળી આવ્યો હતો જે ગુનામાં સંડોવાયેલો આરોપી પાંચ વર્ષથી સેન્ટ્રલ જેલમાં કેદી તરીકે છે. આરોપી સાહનવાજે ભાઈ ના લગ્ન હોવાથી ત્રીસ દિવસના વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી જે અરજ 11મા સેશન્સ અને સ્પેશિયલ એસ્ટ્રોસીટી કેસીસના જજ એસ સી ગાંધી ની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકાર તરફે ધારાશાસ્ત્રી બી એસ પુરોહિતે ધારદાર દલીલો કરી હતી. ભાઈના લગ્ન બાબતે આરોપીએ મૂકેલી કંકોત્રી અંગે ખરાઈ કરતા બનાવટ નુ કૌભાંડ ફૂટ્યું હતું.
આરોપીના ભાઇ આબિદના લગ્ન બે વર્ષ પૂર્વે થઇ ગયા હતા અને એક સંતાન પણ છે. છતાં અદાલતની આખમા ધૂળ નાંખવાનો પ્રયાસ કરાયો હતો.અને જેલમાં આરોપીને જમવાની સગવડ માટે ઘરેથી મંગાવેલા ટિફિનમાથી બીડી ના 3 બંડલ પકડાયા હોવાની રજૂઆત સરકારી વકીલે પુરાવા સહ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું હતું કે જેલ પોલીસ અને અદાલતનો શ્રમ અને સમયનો વેડફાટ કરવા બદલ દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતોજે રકમ તાત્કાલિક ભર પાઈ ના કરે તો વસૂલ કરવા પણ આદેશ આપ્યો હતો. અને આરોપીની જેમ મુલાકાત દરમિયાન જે વ્યક્તિ ખોટી કંકોત્રી આપી ગઈ તે મુલાકાત રજીસ્ટર પરથી ખાતરી કરીને આરોપી તથા જે તે ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા પણ હુકમ કરાયો હતો તેમજ કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ મુકાયેલી વચગાળાની જામીન અરજીને ફગાવી દીધી હતી.