સુરત: (Surat) સુરતમાં હજીરા (Hajira) પટ્ટીમાં આવેલા ઉદ્યોગોને માલવહન માટે વધુ સુવિધા આપી શકાય તે માટે આ વિસ્તારમાં 40 કિ.મી.ની નવી રેલવે લાઈન (Railway line) નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે ઓલપાડ (Olpad) પંથકના 14 ગામોમાં જમીન સંપાદન (Land acquisition) કરવામાં આવશે. જમીન સંપાદન માટે કલેકટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. આ નવી રેલવે લાઈનને કારણે હજીરાના ઉદ્યોગોનો વધુ વિકાસ થશે. સાથે સાથે હજીરા બંદર ખાતેથી માલની આયાત-નિકાસ પણ મોટાપાયે વધશે.
- ગોથાણથી હજીરા સુધીમાં 40 કિ.મી.ની આ રેલવે લાઈન નાખવામાં આવશે.
- ગોથાણ ખાતે દિલ્હી-મુંબઈ રેલવે લાઈનનું જંકશન આવતું હોવાથી બાદમાં ટ્રેન ત્યાંથી મુંબઈ કે દિલ્હી તરફ જઈ શકશે.
- આ 40 કિ.મી. રેલવે લાઈન માટે 85 હેકટર જગ્યા સંપાદનમાં લેવામાં આવશે.
- 275 જેટલા બ્લોક નંબરો સંપાદનની અસર હેઠળ આવશે.
સુરતમાં હજીરા પટ્ટીમાં સિંગલ રેલવે ટ્રેક છે. આ રેલવે ટ્રેક જે તે સમયે ખાસ કૃભકો માટે બનાવવામાં આવી હતી. સિંગલ રેલવે ટ્રેકને કારણે હજીરામાં અબજો કરોડોનું રોકાણ થવા છતાં પણ ઉદ્યોગોને રેલવે ટ્રેકની એટલી સુવિધા મળતી નહોતી. હજીરા બંદરનો વિકાસ કરવામાં પણ અડચણ આવતી હતી. રેલવેની સિંગલ ટ્રેકને કારણે ઓછા માલ વહન થતો હતો અને તેને કારણે વ્યવસાયને કરોડોનું નુકસાન થતું હતું. આ કારણે હજીરાના ઉદ્યોગો દ્વારા હજીરા પટ્ટીમાં નવો ગુડ્ઝ ટ્રેક નાખવા માટેની માંગણી કરવામાં આવી હતી.
છેલ્લા ઘણા વર્ષોથી આ માંગણી ચાલી રહી હતી પરંતુ તેની પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો પરંતુ હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગોથાણથી હજીરા સુધીમાં 40 કિ.મી.ની આ રેલવે લાઈન નાખવામાં આવશે. ગોથાણ ખાતે દિલ્હી-મુંબઈ રેલવે લાઈનનું જંકશન આવતું હોવાથી બાદમાં ટ્રેન ત્યાંથી મુંબઈ કે દિલ્હી તરફ જઈ શકશે. આ 40 કિ.મી. રેલવે લાઈન માટે 85 હેકટર જગ્યા સંપાદનમાં લેવામાં આવશે. જેને કારણે 275 જેટલા બ્લોક નંબરો સંપાદનની અસર હેઠળ આવશે. કલેકટર દ્વારા આ જગ્યાના સંપાદન માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
કયા કયા ગામોના બ્લોક નંબર સંપાદનની અસરમાં આવશે
વરિયાવ, સરોલી, જહાંગીરપુરા, વણકલા, ઓખા, ભેંસાણ, મલગામા, અસારણ, ઇચ્છાપોર, દામકા, ભટલાઇ, મોરા, શિવરામપુરા
ભવિષ્યમાં આ ગુડ્ઝ લાઈનનો ઉપયોગ પેસેન્જર ટ્રેન માટે પણ કરી શકાય
હજીરાથી ગોથાણ સુધીની રેલવે ગુડ્ઝ લાઈન નાખવા માટે જમીન સંપાદન કરવાનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. જેમાં આ લાઈન નાખવામાં આવ્યા બાદ ગુડ્ઝની હેરાફેરી માટે હજીરાના ઉદ્યોગોને વધુ સુવિધા ઊભી થશે, પરંતુ સાથે સાથે એ પણ ફાયદો થઈ શકે તેમ છે કે આ રેલવે ટ્રેક પર ભવિષ્યમાં પેસેન્જર ટ્રેનો પણ દોડાવી શકાશે. ગોથાણ જંકશન ખાતેથી ટ્રેનને હજીરા સુધી લાવવામાં આવે તો મુસાફરોને પણ સુરતના છેવાડાના આ વિસ્તારોમાં રેલવે મુસાફરીનો લાભ મળી શકે તેમ છે.