નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રહીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા તત્કાલીન સીઈઓ ચિત્રા રામકૃષ્ણ રિટાયર થયા તેનાં પાંચ વર્ષ પછી તેમના કબાટમાં રહેલાં હાડપિંજરો કેમ બહાર આવી રહ્યાં છે? શેરબજારનું નિયમન કરતું સેબી શું આટલાં વર્ષો સુધી ઊંઘી ગયું હતું? તેવો સવાલ કોઈને પણ થાય તે સ્વાભાવિક છે. તેનો જવાબ એ છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ જુગારીઓના અડ્ડા બની ગયા છે. તેમાં શેરદલાલો, ઉદ્યોગપતિઓ અને સરકારી અધિકારીઓ મળીને રોજે રોજ ખેલ પાડી રહ્યા છે. આ ખેલમાં નવાણિયા રોકાણકારો કૂટાઈ જાય છે. તેને કારણે સ્ટોક એક્સચેન્જ ઉપરાંત સરકારની વિશ્વસનીયતા પણ તળિયે પહોંચી છે. આ વિશ્વસનીયતાને પાછી પ્રસ્થાપિત કરવા કેન્દ્ર સરકાર સજાગ બની છે, માટે જૂનાં કૌભાંડો રહી રહીને બહાર આવી રહ્યાં છે. સરકારના ટોચના સ્થાને રહેલાં લોકો આ કચરો સાફ કરવા માગે છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જનાં સીઈઓ તરીકે ત્રણ વર્ષમાં અનેક લીલાઓ કરનારાં ચિત્રા રામકૃષ્ણ સીઈઓ બન્યાં તેની પાછળ પણ એક મોટું કૌભાંડ કારણરૂપ બન્યું હતું. ૨૦૧૨ ની ૫ ઓક્ટોબરે સવારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કામકાજ શરૂ થયું તેની થોડી મિનિટોમાં ૬૫૦ કરોડ રૂપિયાના શેરો વેચાવા આવ્યા હતા, જેને કારણે બજાર કડડભૂસ કરતું તૂટી ગયું હતું. મંદીના આ તોફાનને કારણે માત્ર ૬ સેકન્ડમાં રોકાણકારોની ૧૦ લાખ કરોડની મૂડીનું ધોવાણ થઈ ગયું હતું. હકીકતમાં સ્ટોક એક્સચેન્જના નિયમ મુજબ બજાર ૧૦ ટકા તૂટે તો સોદા આપોઆપ બંધ થઈ જવા જોઈતા હતા. ત્યાર બાદ બજાર જો ૧૫ ટકા તૂટે તો પણ સોદા બંધ થવા જોઈતા હતા; પણ બજાર ૧૬ ટકા તૂટ્યું ત્યારે તેને બંધ કરવું પડ્યું હતું. કહેવાય છે કે ટેકનોલોજીની ખામીને કારણે બજારમાં આટલો મોટો કડાકો બોલ્યો હતો. કેટલાક લોકો તેને સ્થાપિત હિતોની ચાલબાજી પણ માને છે.
શેર બજારમાં આટલો મોટો કડાકો બોલતાં દેશભરમાં ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા. ૧૫ મિનિટની અંધાધૂંધી પછી નેશનલ સ્ટોક એક્સચેન્જ ફરી શરૂ થયું હતું, પણ આવો ધબડકો શેને કારણે થયો? તેની તપાસ યોજવામાં આવી હતી. આ તપાસમાં તત્કાલીન સીઈઓ રવિ નારાયણને જવાબદાર ઠેરવીને તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. ચિત્રા રામકૃષ્ણ તેમનાં નાયબ સીઈઓ હોવાથી ૨૦૧૩ ના એપ્રિલમાં તેમની સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ચિત્રાની નિમણૂક થઈ તેના થોડા સમય પછી જ આનંદ સુબ્રમણ્યમની નિમણૂક કન્સલ્ટન્ટ તરીકે કરવામાં આવી હતી. તેનો વાર્ષિક પગાર ૪.૨૧ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. તેની નિમણૂક કન્સલ્ટન્ટ તરીકે કરવામાં આવી હોવાથી તે માટે એચઆરડી ખાતાંની મંજૂરી પણ લેવામાં આવી નહોતી. ૨૦૧૩ ના ઓક્ટોબરમાં જ સેબીને જાણ થઈ ગઈ હતી કે હિમાલયના કોઈ યોગી ચિત્રાને માર્ગદર્શન આપી રહ્યા છે, પણ આ વાત દબાવી દેવામાં આવી હતી. ત્યારે એવો ખુલાસો આપવામાં આવ્યો હતો કે આનંદ સુબ્રમણ્યમ જ યોગી તરીકે પત્રવ્યવહાર કરી રહ્યો છે. ચિત્રા અને આનંદ બંને કંપનીના અંદરના માણસો હોવાથી તેને ગંભીર ભૂલ ગણવામાં આવી નહોતી. ૨૦૧૬ માં ચિત્રાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ આનંદે પણ રાજીનામું આપ્યું હતું. તેને કારણે આ પ્રકરણ પર પડદો પાડી દેવામાં આવ્યો હતો. ચિત્રાએ રાજીનામું આપ્યું હોવાથી તેને મળતા નિવૃત્તિ પછીના બધા લાભો ચાલુ રહ્યા હતા. હવે તેનાં કૌભાંડોની તપાસ ચાલી રહી છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જની માલિકી ખાનગી હાથોમાં હોવાને કારણે તેની સાથે હરીફાઈ કરવા ભારત સરકાર દ્વારા ૧૯૯૪ માં હાઈટેક નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી હતી. તેની ટીમમાં પહેલેથી ચિત્રા રામકૃષ્ણ આઈ.ટી. નિષ્ણાત તરીકે જોડાયેલી હતી. તેના પ્રથમ સીઈઓ આર.એચ. પાટિલ રિટાયર થયા તે પછી રવિ નારાયણ સીઈઓ બન્યા હતા. તેમના રાજીનામા પછી કમાન ચિત્રા રામકૃષ્ણના હાથમાં આવી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ દુનિયાનું સૌથી મોટું ડેરિવેટિવ એક્સચેન્જ ગણાય છે. કેશ ઇક્વિટીના સોદાઓ બાબતમાં તેનો નંબર દુનિયામાં ત્રીજો આવે છે. તેમાં રોજનું સરેરાશ ૨ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે. શેર બજારના અમુક વિભાગોમાં તો બજારના ૯૦ ટકા હિસ્સા પર નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિયંત્રણ છે. જો આ સ્ટોક એક્સચેન્જના ટોચના અધિકારીઓ ફૂટી ગયા હોય તો કેટલાક દલાલો ઉદ્યોગપતિઓ સાથે મળીને રોકાણકારોને ધોળે દિવસે લૂંટી શકે. સરકારને શંકા છે કે કદાચ તેવું જ બની રહ્યું છે.
૧૯૯૪ માં નેશનલ સ્ટોક એક્સચેન્જ શરૂ થયું તેના એક જ વર્ષમાં વોલ્યુમની બાબતમાં તે ૧૦૦ વર્ષ જૂના બોમ્બે સ્ટોક એક્સચેન્જ કરતાં આગળ નીકળી ગયું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જનું સૌથી મોટું જમા પાસું તેમાં સોદા પાડવા માટે ઉપયોગમાં લેવાયેલી અદ્યતન ટેકનોલોજી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં જ્યારે રિંગમાં બૂમાબૂમ કરીને સોદા પાડવામાં આવતા હતા ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં માઉસ ક્લિક કરીને દુનિયાના કોઈ પણ ભાગમાં લે-વેચ કરી શકાતી હતી. જે અદ્યતન ટેકનોલોજી નેશનલ સ્ટોક એક્સચેન્જની લાક્ષણિકતા ગણાતી હતી, તે જ તેમાં કૌભાંડનું સાધન બની ગઈ હતી. જેઓ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં ઉસ્તાદ હતા તેઓ કળા કરી ગયા હતા. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કેટલાક દલાલોને આપવામાં આવેલી કો-લોકેશન સુવિધા હતી. તેમને શેરોના ભાવોની વધઘટ ઝડપી જાણવા મળે તે માટે તેમના સર્વર ડેટા સેન્ટરમાં રાખવાની છૂટ આપવામાં આવી હતી. તેનો ગેરલાભ લઈને કેટલાક દલાલો સંવેદનશીલ માહિતી મેળવીને તેનો ઉપયોગ સોદા પાડવા માટે કરવા લાગ્યા હતા. જો કેટલીક માહિતી એક સેકન્ડ જેટલી પણ વહેલી મળી જાય તો તેઓ કરોડો રૂપિયાની તારવણી કરી લેતા હતા. આ દલાલો દ્વારા નેશનલ સ્ટોક એક્સચેન્જના ટોચના અધિકારીઓનાં વિદેશી ખાતાંઓમાં કરોડો ડોલર જમા કરાવવામાં આવ્યા હોવા જોઈએ. તેનો વહીવટ કરવા ચિત્રા રામકૃષ્ણ છૂપી રીતે ટેક્સ હેવન ટાપુઓની મુલાકાત લેતી હતી.
૨૦૧૨ ની ૫ ઓક્ટોબરે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં જે અભૂતપૂર્વ કડાકો બોલી ગયો તેના માટે ફેટ ફિન્ગર ટ્રેડ નામની ટેકનિકલ ક્ષતિ જવાબદાર હોવાનું કહેવાય છે. આ ક્ષતિમાં ભૂલથી કોમ્પ્યુટરનું ખોટું બટન દબાવાઈ જતું હોય છે, જેને કારણે જે શેરોના સોદા થયા ન હોય તે સોદા પણ સર્વરમાં નોંધાઈ જાય છે. તે સોદાને ઉલટાવવામાં દમ નીકળી જાય છે, કારણ કે કેટલા સોદા સાચા હતા અને કેટલા ખોટા હતા? તેનો પત્તો જલદી લાગતો નથી. ૨૦૧૨ માં ધબડકો થયો તેની ૧૫ જ મિનિટમાં નેશનલ સ્ટોક એક્સચેન્જનો કારોબાર પાછો ચાલુ કરી દેવામાં આવ્યો હતો. તેને પણ જાણકારો મોટું કૌભાંડ ગણે છે. આ ધબડકાની જાણ બોમ્બે સ્ટોક એક્સચેન્જને પણ કરવામાં આવી નહોતી. જાણકારો કહે છે કે આ કોઈ ટેકનિકલ ક્ષતિ નહોતી પણ જાણીજોઈને કરવામાં આવેલો ગોટાળો હતો. હવે લગભગ ૧૦ વર્ષ પછી તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. વર્તમાન ભાજપ સરકાર યુપીએના રાજમાં થયેલા દરેક કૌભાંડ શોધી કાઢવા તનતોડ મહેનત કરી રહી છે. સવાલ એટલો છે કે આ સરકાર સાત વર્ષથી સત્તામાં હતી, ત્યારે તેને કેમ આવો વિચાર નહોતો આવ્યો?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.