નવી દિલ્હી: યુક્રેનને લઈને રશિયાએ મોટી જાહેરાત કરી હતી. જેમાં પુતિને પૂર્વ યુક્રેનના બે ભાગોને અલગ દેશ જાહેર કર્યા છે. આ વાતને લઈ વિવાદ વધુ વકર્યો છે. યુદ્ધનું સંકટ વધુ ઘેરૂ બનતું જાય છે. જેને લઈને યુક્રેનમાં વસતા ભારતીયોને દેશમાં લાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. એર ઈન્ડિયાનું વિશેષ વિમાન AI788 મંગળવારે સવારે 7.30 કલાકે યુક્રેનમાં રહેતા ભારતીયોને બહાર કાઢવા માટે રવાના થયું છે. યુક્રેન અને રશિયા વચ્ચેના વિવાદના પગલે ભારતે પહેલા જ યુક્રેનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું હતું.
યુક્રેન પર હુમલાના વધતા ડર વચ્ચે ભારતે યુક્રેન અને આસપાસના વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી છે. એર ઈન્ડિયાનું એક વિશેષ વિમાન આજે મંગળવારે સવારે યુક્રેન માટે રવાના કરવામાં આવ્યું છે. ભારતે આ વિશેષ મિશન માટે 200થી વધુ સીટર ડ્રીમલાઈનર B-787 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. આ સિવાય ફેબ્રુઆરીમાં ભારતમાંથી વધુ બે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે. બીજી ફ્લાઇટ 24 ફેબ્રુઆરીએ અને ત્રીજી 26 ફેબ્રુઆરીએ યુક્રેન જશે. એક તરફ ભારતે પોતાના નાગરિકોને બહાર કાઢવાનું અભિયાન શરૂ કર્યું છે.
તો બીજી તરફ યુક્રેનના બે શહેરોને સ્વતંત્ર જાહેર કરવા અને સૈનિકો મોકલવાના રશિયાના આદેશ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઈમરજન્સી બેઠક બોલાવી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે રશિયન ફેડરેશન સાથે યુક્રેનની સરહદ પર વધી રહેલો તણાવ ઊંડી ચિંતાનો વિષય છે. આ ઘટનાક્રમથી પ્રદેશની શાંતિ અને સુરક્ષામાં ખલેલ પહોંચશે. તેમણે કહ્યું કે 20,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો યુક્રેનના વિવિધ ભાગોમાં રહે છે. ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના સંબોધનમાં યુક્રેનને અમેરિકાની વસાહત ગણાવતા કહ્યું કે યુક્રેનનું શાસન અમેરિકાના હાથની ‘કઠપૂતળી’ છે. મોસ્કો સમર્થિત બળવાખોરો અને યુક્રેનિયન દળો વચ્ચેના સંઘર્ષમાં રશિયાને સૈન્ય દળો અને શસ્ત્રો મોકલવાનો માર્ગ મોકળો કરીને પુતિને રાષ્ટ્રપતિની સુરક્ષા પરિષદની બેઠક બાદ આ જાહેરાત કરી હતી.
યુક્રેનના બે વિસ્તારોને અલગ દેશોની માન્યતા આપવાની રશિયાની મોટી જાહેરાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે રાત્રે એક મોટી જાહેરાત કરી છે. જેમાં રશિયાએ યુક્રેનના બે વિસ્તારોને અલગ-અલગ દેશો તરીકે માન્યતા આપી હતી. આમાં રશિયાએ ડોનેત્સ્ક અને લુહાન્સ્ક વિસ્તારોને અલગ દેશ ગણ્યા છે. આ બંને પ્રદેશોમાં અલગતાવાદી જૂથોનું વર્ચસ્વ છે જે યુક્રેનની વિરુદ્ધ છે અને રશિયાના સમર્થનમાં છે. રશિયાના આ નિર્ણય બાદ યુક્રેનની પ્રતિક્રિયા પણ આવી છે. યુએનમાં યુક્રેને રશિયન પગલાને એક વાયરસ ગણાવ્યો જેણે યુએનને અસર કરી છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે આ વાયરસ ક્રેમલિન દ્વારા ફેલાયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘યુક્રેનની આંતરરાષ્ટ્રીય સરહદો હજુ પણ અપરિવર્તનશીલ છે અને રહેશે.’ સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેનના રાજદૂત સર્ગેઈ કિસલિત્સ્યાએ કહ્યું કે અમે શાંતિ ઈચ્છીએ છીએ, અમે રાજકીય અને રાજદ્વારી કરાર માટે પ્રતિબદ્ધ છીએ. અમે ઉશ્કેરણીને વશ થતા નથી. અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયા પર શાંતિ વાટાઘાટોને બગાડવાનો આરોપ મૂક્યો હતો અને મંગળવારની વહેલી સવારે રાષ્ટ્રને સંબોધનમાં કોઈપણ પ્રાદેશિક છૂટછાટોને નકારી કાઢી હતી.