વડોદરા : શહેરના ખાટકીવાડમાં રહેતા અને બાબા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરતા મહેબૂબ ખાન પઠાણ પરિવાર તથા અન્ય 24 લોકો સાથે કચ્છ ટુર ગયા હતા. સોમવારે હાજીપીર દરગાહ જતી વેળાએ મીની બસ પલટી ખાઈ ગઈ હતી.જેમાં ટુર સંચાલકના પુત્રનું મોત થયું હતું. બાબા ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક મહેબૂબ ખાન પઠાણ તેમનો પુત્ર શાબાઝ ખાન પઠાણ વડોદરાના 24 લોકોને લઇ કચ્છ ટુર પર હતા વડોદરાથી ટ્રેન મારફતે ભુજ પહોંચ્યા બાદ લોકો ભુજના ક્રિષ્ના રિસોર્ટમાં રોકાયા હતા. સોમવારે સવારે તેઓ બસમાં જ હાજીપીર દરગાહ જતા માઉ ગામ પાસે બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં બાબા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકના પુત્ર શાબાઝ ખાન બસ નીચે દબાઈ ગયો હતો. જેને અન્ય લોકોની મદદથી ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. પરંતુ શાબાઝ મોતને ભેટતા પરિવાર સહિત કચ્છ ફરવા ગયેલા પરિજનોમાં માતમ છવાયો હતો. શાબાઝ ખાનના મોતની જાણ વડોદરા પહોંચતા મોગલ વાડા અને ખાટકીવાડ વિસ્તારમાં પણ ગમગીની છવાઇ ગયો હતો ઉલ્લેખનીય છે કે યુવાન શાબાઝ ખાનને ત્રણ વર્ષની નાની બાળકી છે.
ચાલકે જાણીબુઝીને બસને પલટી મારવી હતી
અકસ્માતમાં પુત્ર ગુમાવનાર બાબા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક મહેબૂબ ખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે બસના ડ્રાઈવરે જાણીબુઝીને બસને પલ્ટી મરાવી હતી જેના કારણે તેમના પુત્રનું મોત નીપજયું હતું સદ્નનસીબે અન્ય કોઈને ગંભીર ઈજા પહોંચી ન હતી ત્યારે બસમાં ડ્રાઈવર પણ અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માત સ્થળ પરથી મોબાઈલ પર્સ ચોરાયા
અકસ્માતના બનાવ બાદ બસમાં સવાર લોકો બસને ઉભી કરવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો બસમાંથી મોબાઈલ અને પર્સ ચોરી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે સ્થળ પર હાજર સલીમ ભાઈના જણાવ્યા મુજબ લગભગ 3થી4 મોબાઈલ અને 2 જેટલા પર્સ ની ચોરી થઈ હોવાનું સામે આવ્યુ છે.
શાબાઝે હરણખાના રોડ પર ટ્રાવેલ્સની દુકાન શરૂ કરી હતી
કચ્છ ટુરનું આયોજન કરનાર શાબાઝ ખાન અકસ્માતમાં મોતને ભેટતા વડોદરાના ખાટકીવાડ, મોગલવાડ સહિત પાણીગેટના હરણખાના વિસ્તારમાં પણ શોકની લાગણી છવાઈ હતી હજુ છ મહિના પહેલા હરણખાના રોડ ઉપર બાબા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની દુકાન શરૂ કરવામાં આવી હતી આ દુકાન પર શાબાઝ જાતે બેસતો હતો.
બે દિવસમાં શાબાઝ અને બસના ડ્રાઇવર વચ્ચે બે વાર ઝઘડાે થયો હતાે
વડોદરાના 24 લોકોને લઈ કચ્છ ટૂર પર નીકળેલા ટ્રાવેલ્સ સંચાલકના પુત્ર શાબાઝ ખાન અને મિની બસના ડ્રાઇવર વચ્ચે રસ્તા બાબતે બે વાર ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યુ છે. હાજીપુર દરગાહ તરફ જતી વેળાએ અકસ્માત પહેલાં પણ શાબાઝે બસ ડ્રાઈવરને રસ્તા મુદ્દે ટકોર કરતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન હાજીપુર દરગાહથી 30 કીમી પહેલા માઉ ગામે પાસે અકસ્માત થયો હતો.
બાધા પૂરી કરવા જતા નાના નાની સહિત પૌત્રનું મોત
ભરૂચ જીલ્લાના ઝનોર ગામના ટાંકી ફળીયામાં ઈશ્વરભાઈ માછી પોતાની પત્ની ભીખીબેન માછી અને પુત્રીનો 7વર્ષના પુત્ર મયંક માછી તથા પરિવારના રમેશ ભાઈ મળી ચારેય જણા ઍક બાઈક પર બેસીને ઝનોર થી બાઈક લઈને નારેશ્વર થઈ ને નાના વાસણા બાધા કરવા માટે જતા હતા ત્યારે માલોદ ગામ પાસે પાછળ થી આવતા અજાણ્યા વાહને બાઈક ને અડફેટમાં માં લેતા અકસ્માતમાં ઇશ્વરભાઈ માછી તેમની પત્ની ભીખીબેન અને પુત્રીનો પુત્ર મયંકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.જ્યારે રમેશભાઈ માછીને ઇજાઓ થતા સારવાર માટે ભરૂચ ખસેડવામા આવ્યા હતા અકસ્માતમાં મરણ જનારને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અકસ્માતમાં માછી સમાજના ત્રણ લોકોના મોત થતા કરજણ તાલુકાના આજુબાજુ ના ગામો માંથી અને નદીના સામે કિનારેનાભરૂચના ગામોમાંથી માછી સમાજના લોકો નારેશ્વર ચોકડી ભેગા થયા હતા અને બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતૉ.
સુંદરપુરાના માર્ગે રોંગ સાઈડે આવી રહેલા બાઈક ચાલક યુવાનનું ટ્રક સાથે અકસ્માત થતા મોત
સુંદરપુરા ગામ નવીનગરી ખાતે રહેતો 30 વર્ષીય વિજય સુરેશભાઈ વસાવા નેશનલ હાઇવે નંબર 48 જાંબુઆ જીબીથી સુંદરપુરા ગામ માં જવાના કટ ની વચ્ચે રોડ ઉપર પોતાની બાઇક પર રોંગસાઈડે જામ્બુવા બ્રિજ તરફ જઈ રહ્યો હતો.તે દરમિયાન આવી રહેલી ટ્રક સાથે બાઈક પુરઝડપે હંકારી ભટકાતા તેને માથા અને હાથપગના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મકરપુરા પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.